સુરત : ડુમસ (Dummas) રોડ પર રાહુલરાજ મોલ પાસે આવેલી સોસાયટીમાં રહેતા મિલ માલિકના ઘરમાંથી એક અજાણ્યો મોંઘીદાટ ઘડિયાળ, રોકડ અને મોબાઈલ મળીને 2.35 લાખની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડુમસ રોડ પર રાહુલરાજ મોલ નજીક વૃંદાવન પાર્ક સોસાયટીમાં બંગલા નં. બી/20 માં રહેતા 57 વર્ષીય વિનયભાઇ રાધાકિશન અગ્રવાલ સચિન જીઆઈડીસીમાં શ્વસ્તિક પોલીપ્રિન્ટ પ્રા.લિ નામે ડાઇંગ મિલ ધરાવે છે.
ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 24 તારીખે તેમની પત્ની અને પુત્રવધુ બંને પોતાના પિયરમાં ગયા હતા. પિતા-પુત્ર રાત્રે જમીને સુઈ ગયા હતા. શુક્રવારે સવારે વિનયભાઈએ રૂમમાંથી 1.50 લાખની ઘડિયાળ, રોકડા રૂ.60 હજાર, મોબાઈલ મળી કુલ રૂ.2.35 લાખની મત્તાની ચોરી થયાની જાણ કરી હતી. ઘરના સીસીટીવી ચેક કરતા મળસ્કે 4.20 કલાકે 20 થી 25 વર્ષનો બધા રૂમમાં શોધખોળ કરી અમનના રૂમનો દરવાજો ખુલ્લો મળતા તેમાંથી ચોરી કરી દાદર ઉતરીને આવેલા રસ્તે જતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ટ્રાફિક પોલીસની બાઇક ચોરાયા બાદ હવે ચોકીમાંથી કોમ્પ્યૂટરનું મોનિટર પણ ચોરાયું
સુરત: વરાછાની ગીતાંજલિ ચોકી બહારથી એક કોન્સ્ટેબલની બાઇક ચોરી થયા બાદ હવે સીમાડા ટ્રાફિક પોલીસ ચોકીમાંથી કોમ્પ્યૂટરનું મોનિટર પણ ચોરાતાં પોલીસે ગુનો નોંધી એક યુવકને અટકાયતમાં લીધો હોવાની વિગતો મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુજબ સરથાણાસ્થિત સીમાડા ટ્રાફિક પોલીસ ચોકીમાં દૈનિક કામ માટે એક કોમ્પ્યુટર રાખવામાં આવ્યું છે. ગુરુવારે રાત્રિ દરમિયાન ચોર ચોકીના મુખ્ય દરવાજાની વચ્ચેના ભાગે લાકડાની પ્લાયવૂડની શીટ તોડી અંદર પ્રવેશી રૂ.10 હજારની કિંમતનું કોમ્પ્યુટરનું મોનિટર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સવારે ટ્રાફિક ચોરીમાં આવેલા કર્મચારીને જાણ થતાં તેમણે પીઆઇ રાઠોડને જાણ કરી હતી. આ અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી એક યુવકને અટકાયતમાં લીધો હતો.