સુરત: શનિવારે વહેલી સવારે મનપાના નવા સમાવિષ્ટ વિસ્તાર સણિયા-હેમાદમાં એક કાપડના ગોડાઉનમાં આગ (Fire) ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કાપડના ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઊડ્યા હોવાથી આજુબાજુના વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગને કોલ મળતાં જ આજુબાજુનાં ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો અને મહામહેનતે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
વિસ્તૃત માહિતી મુજબ સણિયા હેમાદ ખાતે આવેલા શુભમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૨માં ગ્રાઉન્ડ સહિત બે માળનું કાપડનું ગોડાઉન આવેલું છે. દરમિયાન શનિવારે મળસકે ૫.૧૮ કલાકે બીજા માળે આગ લાગવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ પુણા, ડુંભાલ અને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે, ગોડાઉન બંધ હતું ત્યારે આગ લાગી હતી. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવીને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ભીષણ જ્વાળાઓની લપેટમાં આવતાં મોટા પ્રમાણમાં ડ્રેસ મટિરિયલ્સનો કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જેના લીધે આર્થિક નુકસાન વધારે થયું હતું. જો કે, ગોડાઉન બંધ હતું. જેને કારણે કોઈ ઈજા જાનહાનિ થઈ ન હતી.
લિંબાયતના જલારામનગરમાં કપડાંની બંધ દુકાનમાં આગ
સુરત: શનિવારે બપોરે લિંબાયતની જલારામનગર સોસાયટીમાં કપડાંની દુકાનમાં અચાનક જ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગ્રેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. વિસ્તૃત વિગતો મુજબ લિંબાયત વિસ્તારમાં મંગલ પાંડે હોલની બાજુમાં આવેલા જલારામનગરની દુકાન-૧૦માં શનિવારે બપોરે ૧૨.૫૬ વાગ્યાના અરસામાં વસંત ખાંસીની કપડાંની દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. તેમની દુકાન બંધ હતી ત્યારે અચાનક જ આગ લાગતાં લોકોએ ફાયર વિભાગમાં બનાવની જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ ડુંભાલ અને ડિંડોલી ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં દુકાનમાં કપડાના કટ્ટા, વાયરિંગ, એમસીબી તથા પરચૂરણ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જો કે, દુકાન બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.