National

વિદેશી બુલેટ ટ્રેન કરતા સ્વદેશી ભારતીય ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે 180 કિમિની ઝડપે દોડશે

સુરત: મુંબઈ (Mumbai) અને અમદાવાદ(Ahmedabad) વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન (Bullet Train) ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે એ માટે ગુજ્જુઓ અને મુંબઈગરાઓ સહિત ભારતીયોએ હજી ઘણી રાહ જોવી પડશે. જો કે, વિદેશી બુલેટ ટ્રેન પહેલા અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્વદેશી (Swadeshi) વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) ૧૮૦ કિલોમીટરની (180 km) ઝડપે મુસાફરોને રફ્તારનો (speed) રોમાંચ ટૂંક સમયમાં જ કરાવશે.ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ટ્રાયલ રનમાં ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જાણકારી આપતાં કહ્યું છે કે, વંદે ભારત-૨ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગડા સેક્શન વચ્ચે ૧૨૦/૧૩૦/૧૫૦ અને ૧૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી સફળ નોંધવામાં આવી છે.

આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવવામાં આવી શકે છે
રેલ મંત્રી દ્વારા શેર કરાયેલા વિડીયોમાં જોવા મળી શકે છે કે, તેજ રફ્તાર ટ્રેનમાં પાણીથી ભરેલો એક ગ્લાસ રાખવામાં આવ્યો હતો, જેમાંથી પાણીનું એકપણ ટીપું પડ્યું ન હતું. ભારતની પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. ત્યારબાદ બીજી નવી ટ્રેન દિલ્હીથી કટરા વચ્ચે દોડાવવામાં આવી હતી. હવે ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ થઈ રહી છે. કહેવાય છે કે આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવવામાં આવી શકે છે.

નવી દિલ્હીથી વારાણસી અને નવી દિલ્હી-કટરા વચ્ચે જે વંદે ભારત ટ્રેન દોડી રહી છે તે આધુનિક સુવિધાઓથી ભરપૂર છે, જેમાં GPS આધારિત સૂચના સિસ્ટમ, CCTV કેમેરા, વેક્યુમ આધારિત બાયો ટોઈલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં 4 ઈમરજન્સી પુશ બટન છે. દેશની સૌથી હાઈ સ્પીડ દોડતી ટ્રેન વંદે ભારત છે. આ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ ૧૮૦ કિ.મી. પ્રતિ કલાક છે.
વર્ષ-૨૦૨૩થી 75 ટ્રેન દોડશે, રેલવે મંત્રાલયનો દાવો
ભારતીય રેલવેએ દાવો કર્યો છે કે, પ્રધાનમંત્રી મોદીની જાહેરાત મુજબ તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૩ સુધી વંદે ભારતની ૭૫ ટ્રેન પાટા પર દોડતી હશે. આઈસીએફની દર મહિને છથી સાત વંદે ભારત રેક (ટ્રેન)ની ઉત્પાદન ક્ષમતા છે અને આ સંખ્યા વધારીને ૧૦ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વંદે ભારતનો ત્રીજો રેક ગત ૧૮ ઓગસ્ટે ચંદીગઢ આવી પહોંચ્યો હતો. જ્યાંથી પ્રિ-ટ્રાયલ શરૂ કરી આજે રતલામ મંડલમાં કોટા-નાગદા પહોંચ્યો છે. હવે તે વડોદરા મંડળમાં એન્ટ્રી કર્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે તેની છેલ્લી ટ્રાયલ હાથ ધરી ટ્રેનની શરૂઆત કરી શકાય તેવી શક્યતા છે.

Most Popular

To Top