નવી દિલ્હી: રેલવેની (Railway) કેટરિંગ અને ટિકિટિંગ સંસ્થા આઈઆરસીટીસીએ (IRCTC) ગોપનીયતા અંગેની ચિંતાઓને પગલે તેના મુસાફર અને માલવાહક ગ્રાહકોની માહિતીથી આવક મેળવવા માટે સલાહકારની ભરતી કરવા માટેનું વિવાદાસ્પદ ટેન્ડર પાછું ખેંચ્યું હતું, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. આઈઆરસીટીસીએ ઈન્ફોર્મેશન ટેકનોલોજી પર કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ સમક્ષ શુક્રવારે કહ્યું હતું કે તે હવે ટેન્ડરને આગળ નથી વધારી રહ્યાં.
ડિજીટલ માહિતીઓનું મુદ્રીકરણ કરવા માટે એક સલાહકારની નિયુક્તિ પર ટેન્ડર પર અહેવાલ પ્રકાશિત થયા બાદ સંસદીય સમિતિએ ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનના (આઈઆરસીટીસી) અધિકારીઓને સમન્સ મોકલાવ્યું હતું.
આઈઆરસીટીસીના એમડી અને ચેરપર્સન રજની હસિજા અન્ય અધિકારીઓ સહિત સમિતિ સમક્ષ હાજર રહ્યા હતાં.
‘ડાટા પ્રોટેક્શન બિલને મંજૂરી નહીં મળવાના કારણે આઈઆરસીટીસીએ આ ટેન્ડર પાછું ખેંચ્યું હતું’, એમ આઈઆરસીટીસીના એક અધિકારીએ સમિતિને જણાવ્યું હતું.
ટેન્ડરના દસ્તાવેજ મુજબ જે માહિતીઓનો અભ્યાસ કરવાનો હતો તેમાં રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની વિવિધ જાહેર એપ્લિકેશનો દ્વારા લેવામાં આવેલી માહિતીનો સમાવેશ થશે જેમ કે ‘નામ, ઉંમર, મોબાઈલ નંબર, લિંગ, સરનામું, ઈ-મેલ આઈડી, મુસાફરીનો વર્ગ, ચુકવણી મોડ, લોગિન અથવા પાસવર્ડ અને અન્ય વિગતો સામેલ હતી’. આઈઆરસીટીસી પાસે 10 કરોડ કરતા વધુ યુઝર્સ છે જે પૈકી 7.5 કરોડ સક્રિય છે.
‘ધ સ્કોપ ઓફ વર્ક ફોર પ્રોજેક્ટ-એ: ફોર સ્ટડી ઓફ ડિજીટલ ડેટા ઓફ ઈન્ડિયન રેલ્વે (આઈઆર)’ શીર્ષક હેઠળના ટેન્ડર દસ્તાવેજમાં જણાવાયું હતું કે કન્સલ્ટન્ટને ડિજિટલ ડેટા સિસ્ટમ્સનું એક્સેસ પણ આપવામાં આવશે જે વર્તણુકીય માહિતી આપે છે જેમ કે મુસાફરોનો ઘસારો, મુસાફરીનો વર્ગ, મુસાફરીની ફ્રિક્વન્સી, મુસાફરીનો સમય, બુકિંગનો સમય, વય જૂથ અને લિંગ, ચુકવણી મોડ, ગંતવ્યોની સંખ્યા અને બુકિંગ મોડ.