SURAT

ઘોડદોડના જ્વેલરે દાગીના બનાવવા કરોડનું સોનું કારીગરને આપ્યું અને..

સુરત: શહેરના ઘોડદોડ રોડ પર આવેલા બિશનદયાલ જ્વેલર્સમાં (Jewellers) દોઢ વર્ષથી મુંબઈનો (Mumbai) જે કારીગર દાગીના બનાવી આપતો હતો તેણે જ 1.13 કરોડના આપેલા દાગીના અને સોનાની બિસ્કીટ (Gold Biscuits) લઈ જઈને ગાયબ થયો હતો. જ્વેલર્સના માલિકે ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરા વિસ્તારમાં ઉમરીગર સ્કૂલની સામે આવેલ સાંકેત એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય નિશાંતભાઈ ટીંબરેવાલ ઘોડદોડ રોડ પર સરેલા શોપિંગ સેન્ટરમાં બિશનદયાલ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. નિશાંતભાઈ છેલ્લા દોઢ વર્ષથી મૂળ વેસ્ટ બંગાળના અને મુંબઈના નાગોરીવાડમાં રહેતા અને અલ્પના જવેલરી વર્કશોપ નામે ધંધો કરતા અભિજિત ચૈતાલી ઘોષ પાસે દાગીના બનાવડાવતા હતા. છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર તેઓએ અભિજીતને દાગીના બનાવવાનું કામ આપ્યું હતું. અભિજીત પણ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન તમામ દાગીના સમયસર બનાવી આપતો હતો. આ રીતે અભિજીતે નિશાંત ભાઈને વિશ્વાસમાં લીધા હતા.

દરમિયાન દિવાળી આવતા નિશાંતભાઈએ દુકાનમાંથી 34.40 લાખના સોનાના 7 બિસ્કીટ, સોનાના દાગીના બનાવવાનું મટિરિયલ્સ, 25 લાખના લૂઝ ડાયમંડ, 19 લાખનો સોનાનો નેક્લેસ સેટ (હાર -બુટ્ટી), 11.50 લાખની કિંમતના 14 કેરેટની ડાયમંડ જડિત સોનાની ત્રણ બંગડીઓ, મળી કુલ 89,92,200 રૂપિયાના દાગીના અને નિશાનભાઈના ગ્રાહકોના 23.૫૪ લાખના અલગ અલગ સોનાના તથા ડાયમંડ જડિત દાગીના તથા ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂપિયા 1,13,46,200 ના મતાની સોનાની દાગીના બનાવી આપવા તેમજ રિપેરિંગ માટે લીધા હતા. બાદમાં દુકાન બંધ કરીને મોબાઈલ પણ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. નિશાંતભાઈએ મુંબઈ જઈ તપાસ કરતા તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતા ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ન્યુ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી સાથે ૩.૬૧ લાખની ઠગાઇ
સુરત : રિંગરોડની ન્યુ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી સાથે રૂા.3.61 લાખની ઠગાઇ થઇ હતી. યુપીના વેપારીઓ માલ ઉધારીમાં ખરીદી પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સિટીલાઇટમાં બેંક ઓફ બરોડા પાસે મેઘ સર્મન કોમ્પ્લેક્ષમાં રહેતા અતુલભાઇ શ્યામશુંદર ગુપ્તા રિંગરોડ પર સહારા દરવાજા સામે ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં સ્વર્ણિમ ઇમ્પેક્ષ નામથી વેપાર કરે છે, તેમની પાસેથી સુરતના ગોડાદરા વિસ્તારમાં દેવીદર્શન સોસાયટીમાં રહેતા કાપડ દલાલ રાજબહાદુર માતા­સાદ મિશ્રા, કક્કુ માતા­સાદ મિશ્રા અને યુપીના તરબગંજ દુર્જનપુરમાં અભિષેક જ્વેલર્સ એન્ડ કિંગ ક્લોથીંગ સેન્ટરના નામે વેપાર કરતા વેપારી અભિષેકભાઇ સોનીએ ભેગા મળીને રૂા. 3.61 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યો હતો. બાદમાં પેમેન્ટ ચૂકવવામાં નહીં આવતા અતુલભાઇએ ત્રણેયની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top