હથોડા: કીમ ચાર રસ્તા ખાતે ઇંગ્લિશ દારૂનો (English liquor) ધંધો બેરોકટોક કરનાર રામરાજ નામના બુટલેગરને (Bootlegger) રૂપિયા અઢી લાખના દારૂના જથ્થા સાથે સુરત જિલ્લા એલસીબી (District LCB)અને પાલોદ પોલીસે (Police) મોડી રાત્રે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, વર્ષોથી પોલીસનો બાતમીદાર (Police Informer) હોવાની આડમાં ઇંગ્લિશ દારૂનો ધમધોકાર ધંધો કરનાર રામરાજ ઇન્દ્રભાન પટેલે કીમ ચાર રસ્તા ( Kim Char Rasta) કીમ માંડવી રોડ પર એક વેસ્ટેજના ગોડાઉનમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. અને તેને સગેવગે કરવાની પેરવીમાં છે.
બે બુટલેગરો ઝડપાયા ત્રણને વોન્ટેડ જાહેર કરાયા
સુરત જિલ્લા એલસીબી તેમજ પાલોદ પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં રૂપિયા અઢી લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતાં ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે રૂપિયા અઢી લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર રામરાજ ઇન્દ્રભાન પટેલ અને હરિરામ સીતારામ કશ્યપની ધરપકડ કરી હતી. જ્યારે સંતોષકુમાર લક્ષ્મીરામ અને ચંદ્રપ્રસાદ ઉર્ફે ખંડુ બાબા દયારામ મિશ્રાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસના બાતમીદાર હોવાની આડમાં રામરાજ મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાતાં કીમ ચાર રસ્તા પંથકની જનતામાં તેમજ ખુદ પોલીસ બેડામાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું.
ભરૂચ જિલ્લામાં 13 ગુનામાં વોન્ટેડ બૂટલેગર ઝડપાયો
ભરૂચ જિલ્લામાં અલગ અલગ 13થી વધુ ગુનાઓમાં વોન્ટેડ આરોપીને અેલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં 13થી વધુ પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી જિજ્ઞેશ ઉર્ફે જિગો પરીખ તેની ઓરેન્જ કારમાં અંક્લેશ્વરથી ભરૂચ તરફ આવવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી પીઆઇ એમ. એચ. વાઢેર સહિત હેકો અજય રાઠવા, હિતેશ, અશોક સહિતનાઓએ તુરંત નર્મદા મૈયા બ્રીજ પર વોચ ગોઠવી હતી.
દરમિયાનમાં કાર ત્યાંથી આવતાં પોલીસે કાર અટકાવતાં જિજ્ઞેશે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતાં ક્ુખ્યાત બુટલેગર જિજ્ઞેશ ઉર્ફે જીગો કિરીટ પરિખ વિરૂદ્ધ અંક્લેશ્વર જીઆઇડીસીમાં 4, અંક્લેશ્વર સીટી અને રૂરલ પોલીસમાં 1-1 ભરૂચ સી ડિવિઝનમાં 5, એ ડિવિઝનમાં 1 તેમજ દહેજ પોલીસ મથકે 1 કેસ મળી કુલ 12 પ્રોહિબિશનના કેસ નોંધાયેલાં હોવાનું માલુમ પડ્યું હતું.