ગાંધીનગર : 145 કરોડના ખર્ચે દેશની પ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના (Natural Agriculture University) નિર્માણ થનારા ભવનનો શિલાન્યાસ ગુજરાતના (Gujarat) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યો હતો. આ સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર સ્થપાનાર દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટી નવી કૃષિ ક્રાંતિનું પ્રેરણા કેન્દ્ર બનશે. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીને ખેતરે ખેતરે પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવા આ યુનિવર્સિટી માઈલસ્ટોન સાબિત થશે તેમ જણાવ્યું હતું. તેમને કહ્યું હતું કે, દેશની પ્રથમ એવી આ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટીની માત્ર દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી જેવી વિવિધ સેક્ટોરિયલ યુનિવર્સિટીની સ્થાપના કરી વિકાસને નવી દિશા આપી છે. આ જ રીતે પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં ઓર્ગેનિક કૃષિ ક્રાંતિ માટે ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આજ યુનિવર્સિટીની સાથે હવે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને જોડીને ગુજરાતમાં દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. જેનાથી ગુજરાતમાં જ નહીં દેશભરમાં પ્રાકૃતિક કૃષિને નવી ઊર્જા અને નવો વેગ મળશે. તેમણે કહ્યું હતું કે આ યુનિવર્સિટીના નવનિર્માણથી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે, શિક્ષણ સંશોધન અને વિસ્તરણની પરિણામલક્ષી કામગીરી થશે તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આનાથી દેશભરના ખેડૂતોને માર્ગદર્શન મળી રહેશે.
જાંબુડી ખાતે આ પ્રાકૃતિક અને સેન્દ્રીય કૃષિ યુનિ. અંદાજે રૂા. ૧૪૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે. જેમાં યુનિવર્સિટી ભવન, સ્ટાફ કવાટર, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ, પી જી ઇન્સ્ટિટ્યૂટ તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવા છ વિવિધ આધુનિક બિલ્ડિંગો આકાર લેશે. તેનો દેશ વિદેશના ખેડૂતો પ્રશિક્ષણ અર્થે લાભ લેશે. નવસારી ખાતે યોજાયેલા સમારંભમાં રાજયપાલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રનો ઉપયોગ મહત્વનો છે, કારણ કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. ગૌ –મૂત્ર, ખનીજોનો ભંડાર છે. જેના ભાગરૂપે બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત – ઘન જીવામૃત રૂપે કલ્ચર તૈયાર કરવામાં આવે છે. જે પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે.
આ પધ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવાની- મલ્ચીંગ પધ્ધતિનું પણ મહત્વ છે. મલ્ચીંગથી જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. જેથી આ પધ્ધતિમાં પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. ગુજરાતમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે તેનો ઉલ્લેખ કરી રાજયપાલએ જણાવ્યું હતું કે, રાજય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જનઆંદોલનને નવું બળ મળ્યું છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર થવાના કારણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા નવી પ્રેરણા મળી છે.