Sports

ઇરફાન પઠાણ વિસ્તારા એરલાઇન્સના સ્ટાફના ગેરવર્તનથી દોઢ કલાક અટવાયો

મુંબઇ : પૂર્વ ભારતીય ક્રિકેટર (Indian cricketer) ઈરફાન પઠાણ સાથે મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) પર વિસ્તારા એરલાઇન્સના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાયું હતું અને તેમના કારણે ઇરફાને પોતાના બે સંતાન તેમજ પત્ની સાથે દોઢ કલાક સુધી એરપોર્ટ પર અટવાવું પડ્યું હતું. ભારત માટે 173 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર માજી ક્રિકેટરે ટ્વિટર પર પોતાની પીડાને શેર કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

  • મુંબઇથી દુબઇની ટિકીટ કન્ફર્મ હોવા છતાં ટિકીટ કેટેગરીને ડાઉનગ્રેડ કરવામાં આવી હોવાનો ઇરફાનનો આરોપ
  • પોતાની ટિકીટ અન્યને ફાળવી હોવાનો આરોપ મૂકીને ઇરફાને લખ્યુ, નિરાકરણ માટે સ્ટાફે દોઢ કલાક સુધી રખડાવ્યો

ઇરફાને વિસ્તારા એરલાઈન્સ વિરુદ્ધ ટ્વીટ કરતાં લખ્યું હતું કે આજે હું વિસ્તારા ફ્લાઈટ UK-201માં મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો. ચેક-ઇન કાઉન્ટર પર, મને ખૂબ જ ખરાબ અનુભવ થયો, વિસ્તારા મારી ટિકિટ જે કન્ફર્મ બુકીંગ હતી તેની કેટેગરીને ડાઉનગ્રેડ કરી રહી હતી. આ બાબતના નિરાકરણ માટે મારે કાઉન્ટર પર દોઢ કલાક રાહ જોવી પડી હતી. મારી સાથે મારી પત્ની, મારો 5 વર્ષનો અને 8 મહિનાનો બાળક પણ તેમના કારણે અટવાયા હતા.

ઈરફાને વધુમાં જણાવ્યું હતું કે એરલાઈન્સનો સ્ટાફ માત્ર તેની સાથે જ નહીં પરંતુ અન્ય મુસાફરો સાથે પણ ખૂબ જ અભદ્ર વર્તન કરી રહ્યો હતો. તેણે અધિકારીઓને આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવાની માગ કરી હતી. ઈરફાને કહ્યું કે એરલાઈન્સે વધુ ટિકિટો વેચી દીધી હોવાથી તેના કારણે મુસાફરોએ સહન કરવાનો વારો આવ્યો હતો.

Most Popular

To Top