Sports

ICCએ ભારત-પાકિસ્તાન મેચની T-20 વર્લ્ડકપની અનરિઝર્વ્ડ ટિકીટ બહાર પાડી

દુબઈ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે રમાનારી ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની ટી-20 (T-20) વર્લ્ડ કપની મેચ માટે અનરિઝર્વ્ડ (સ્ટેન્ડિંગ) ટિકિટો જાહેર કરી છે. ફેબ્રુઆરીમાં આ મેચની સામાન્ય ટિકિટ પાંચ મિનિટમાં વેચાઈ ગઈ હતી. તેની હજુ 4000થી વધુ અનરિઝર્વ્ડ ટિકિટો 30 ઓસ્ટ્રેલિયન ડોલરના ભાવ ઉપલબ્ધ છે અને તે વહેલો તે પહેલોના ધોરણે વેચવામાં આવશે.

આઈસીસીએ જણાવ્યું હતું કે, આ ટિકિટોથી એ સુનિશ્ચિત થઇ શકશે કે શક્ય તેટલા વધુ ચાહકો મેચ જોઈ શકે. આઈસીસી હોસ્પિટાલિટી અને આઈસીસી ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રોગ્રામ દ્વારા મર્યાદિત સંખ્યામાં પેકેજો પણ ઉપલબ્ધ છે. આયોજકો 16 ઓક્ટોબરે પ્રથમ મેચ પહેલા રિસેલ પ્લેટફોર્મ પણ લોન્ચ કરશે. આઇસીસીએ કહ્યું હતું કે જે પ્રશંસકો અગાઉ ટિકિટ બુક કરાવવાનું ચૂકી ગયા છે તેઓ હજુ પણ ટિકિટ લઈ શકે છે. બાળકોની ટિકિટો 5 ડોલરના ભાવે અને પુખ્તો માટે 20 ડોલરના ભાવે ટિકીટ ઉપલબ્ધ છે.

બાઇચુંગ ભુટિયાએ AIFF પ્રમુખપદ માટે નવેસરથી ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હી : અનુભવી ફૂટબોલર અને માજી ભારતીય કેપ્ટન બાઈચુંગ ભૂટિયાએ ગુરુવારે 2 સપ્ટેમ્બરે યોજાનારી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ)ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નવેસરથી ઉમેદવારી નોંધાવી હતી. 45 વર્ષીય પદ્મશ્રી એવોર્ડીના નામનો પ્રસ્તાવ આંધ્રપ્રદેશ ફૂટબોલ એસોસિએશને મૂક્યો હતો જ્યારે રાજસ્થાન ફૂટબોલ એસોસિએશને તેને ટેકો આપ્યો હતો.

ભૂટિયાએ પીટીઆઈને કહ્યું હતું કે મેં એઆઇએપએફના પ્રમુખ પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે અને મને લાગે છે કે હું આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છું. તેણે એવું પણ કહ્યું હતું કે મેં ઘણી બધી મેચ રમી છે અને હું વહીવટ વિશે પણ થોડું જાણું છું કારણ કે હું રમત મંત્રાલયના મિશન, ઓલિમ્પિક વિભાગ અને અન્ય ઘણી સમિતિઓમાં હતો. હું ઈચ્છું છું કે ભારતીય ફૂટબોલ નવી ઊંચાઈઓ પર પહોંચે. ભુટિયાએ અગાઉ પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તે સમયે તેના નામનો પ્રસ્તાવ તેના ભૂતપૂર્વ સાથી દીપક મંડલે મૂક્યો હતો અને પ્રખ્યાત મહિલા ફૂટબોલર મધુ કુમારીએ તેને સમર્થન આપ્યું હતું.
મોહન બાગાન અને પૂર્વ બંગાળના માજી ગોલકીપર અને પશ્ચિમ બંગાળના ભાજપના નેતા કલ્યાણ ચૌબેને પણ પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ચૌબેના નામની દરખાસ્ત ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેને અરુણાચલ પ્રદેશ ફૂટબોલ એસોસિએશને તેને સમર્થન આપ્યું છે.

Most Popular

To Top