નવી દિલ્હી : છેલ્લા બે વર્ષથી વિરાટ કોહલી રન (Run) બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે છતાં પાકિસ્તાની (Pakistan) દિગ્ગજ વસીમ અકરમના મતે ભારતીય ટીમનો (Indian Team) આ માજી કેપ્ટન સર્વકાલિન શ્રેષ્ઠ છે અને તેની સાથે બાબર આઝમની તુલના એ ઘણી વહેલી કરી શકાશે. દુબઇમાં જ્યારે એશિયા કપની પોતપોતાની પહેલી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે ત્યારે બધાની નજર વિરાટ કોહલી પર હશે. કોહલી ક્રિકેટમાંથી લાંબો સમય બ્રેક લઇને આ મેચ સાથે ક્રિકેટમાં વાપસી કરશે.
- અકરમના મતે સર્વશેષ્ઠ બેટ્સમેનોમાંથી એક એવા વિરાટ કોહલીની ભારતીય ચાહકો દ્વારા થતી ટીકા બિનજરૂરી છે, તેના જેટલું ફિટ ટીમમાં કોઇ નથી
- બાબર સાતત્યપૂર્ણ બેટ્સેન છે અને તે દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ થવાના ટ્રેક પર છે, વિરાટ સાથેની તેની તુલના હાલ વહેલી ગણાશે : અકરમ
કોહલી જ્યારે નવેમ્બર 2019થી એકપણ સદી ફટકાર્યા વગર પોતાની કેરિયરના ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે તેનાથી ઘણો યુવા બાબર તમામ ફોર્મેટમાં પોતાની કેરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે. અકરમે કહ્યું હતું કે સૌથી પહેલા હું એવું કહેવા માગુ છું કે સર્વશ્રેષ્ઠમાંથી એક એવા કોહલીની ભારતીય ચાહકો દ્વારા જે ટીકા થાય છે તે બિનજરૂરી છે. તે સર્વકાલિન શ્રેષ્ઠ છે અને હજુ પણ ફિટ છે. આજે પણ તે ટીમ ઇન્ડિયાના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. જ્યારે લોકો કહે છે કે ક્લાસ કાયમી હોય છે તો તે વિરાટ કોહલી માટે કહી શકાય છે. બાબરની વિરાટ સાથેની તુલના અંગે અકરમે કહ્યું હતું કે આમ થવું સ્વાભાવિક છે. બાબર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યો છે અને તે હાલમાં દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ થવાના યોગ્ય ટ્રેક પર છે, પણ વિરાટ સાથેની તુલના હજુ ઘણી વહેલી કહેવાશે.