કીમ: અણીતા ગામે નિશાળ ફળિયામાં બે હળપતિ પરિવારના (Family) મહિલા અને પુરુષ વચ્ચે અંધશ્રદ્ધાના વહેમમાં થયેલા ઝઘડામાં યુવકે એક હળપતિ મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Murder) કરી એક મહિલાને ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા પોલીસે (Police) હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથધરી હતી.
- ‘તું ભૂવા પાસે દાણાઓ મંત્રાવી મારા ઘર પર નાખે છે’ કહી લોકોની નજર સામે મહિલાની હત્યા કરી
- બચાવવા આવેલી મહિલાને હાથમાં ચપ્પુ મારી ઈજા પહોંચાડી, હત્યારાની ધરપકડ
- ઓલપાડના અણીતા ગામે નિશાળ ફળિયામાં બે હળપતિ પરિવારમાં ઝઘડો
આ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના અણીતા ગામના નિશાળ ફળિયામાં રહેતા સૂકા ભાઈ મેલજી ભાઈ રાઠોડ (ઉ.વ.૪૭) ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની રેવા બેન રાઠોડે પડોશમાં રહેતા પંકજ ભાઈ ઉર્ફે પકો રામુ ભાઈ રાઠોડ પોતાના ઘર પરના છાપરા ઉપર પશુપક્ષીને દાણા નાખતો હોય જે દાણા નાખતા રેવાબેન જોતા તેમણે પંકજને જણાવ્યું હતું કે ‘ તું કાયમ ખોટી રીતે ભૂવા ભગત પાસે દાણાઓ મંત્રાવી મારા ઘરના છાપરા ઉપર કેમ નાખે છે ?. જેની અદાવત રાખી પંકજે રસ્તા ઉપરથી જતાં રેવાબેનને ચપ્પુનાર ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા.
આ જોતા ત્યાં બચાવવા પહોંચેલા લક્ષ્મીબેનને પણ પંકજે ચપ્પુથી હાથમાં ઇજા પહોંચાડી હતી. સુકાભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત થયેલા રેવા બેનને કીમની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ કીમ પોલીસને કરવામાં આવી હતી. કીમ પોલીસે સુકાભાઈની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.
ધોળે દિવસે કરવામાં આવેલી હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ
અણીતા ગામે નિશાળ ફળિયામાં વિસ્તારમાં ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. કીમથી વડોલી જતા રાજ્યધોરી માર્ગની વચ્ચે હત્યારો ચપ્પુના ઘા ઝીકતો રહ્યો અને માર્ગ પરથી પસાર થતા લોકો જોતા રહ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.