સુરત : એસબીઆઈ બેંકના (SBI Bank) એટીએમ (ATM) મશીનમાં તથા કોમ્પ્યુટર સિસ્ટમના (Computer Network) નેટવર્કના ડેટાબેઝમાં તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામ સાથે છેડછાડ કરી રૂપિયા (Money) ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતા આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને અલગ-અલગ બેંકોના 26 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. શહેરમાં અલગ-અલગ એટીએમ મશીન સાથે છેડછાડ કરી રૂપિયા ઉપાડી લઇ બેંક સાથે છેતરપિંડીના બનાવો સામે આવ્યા હતા. આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસની ટીમો કામે લાગી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને આ ગેંગને પકડી પાડવામાં સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમને આ ગુનાનો આરોપી બેગમપુરા મોતી ટોકીઝ પાસે ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી દિલીપ દયાશંકર પ્રજાપતિ તથા સુરજ ધર્મનારાયણ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા.
- બંને આરોપીઓ સગા-સબંધી કે મિત્રો પાસેથી કોઇ બહાના હેઠળ એટીએમ કાર્ડ અને પીનનંબર મેળવી લેતા હતા
- આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના 26 એટીએમ કબજે કરાયા
આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બન્ને આરોપીઓ સગા-સબંધી કે મિત્રો પાસેથી કોઇ બહાના હેઠળ એટીએમ કાર્ડ અને પીનનંબર મેળવી લેતા હતા. જે એટીએમ કાર્ડનો ઉપયોગ કરી જુલાઈ મહિનામાં કડોદરા તથા સુરત શહેરમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં વારંવાર રૂપિયા ઉપાડવા માટે આવતા હતા. એટીએમ મશીન સાથે છેડછાડ કરી એટીએમ / કોમ્પ્યુટર સિસ્ટમના નેટવર્કના ડેટાબેઝ તથા અન્ય સોફ્ટવેર પ્રોગ્રામને નુકશાન કરી તેમાની કોઇપણ માહીતીનો નાશ કરી રૂપિયા ઉપાડી લેતા હતા. ત્યારબાદ જે તે એટીએમ કાર્ડ દ્વારા વિડ્રોઅલ કરવામાં આવેલા પૈસા ઉપડેલા નહીં તેવી ખોટી ફરીયાદ એટીએમ કાર્ડના પાછળના ભાગે લખેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરીને કરતા હતા. જે તે એટીએમ કાર્ડના ધારકનું નામ તથા બેંકની વિગત આપી ફરીયાદ લખાવતો હતો. આ ફરીયાદ લખાવ્યા બાદ આઠથી દસ દિવસમાં તે પૈસા જે તે બેંક એકાઉન્ટમાં પરત જમાં થઇ જતા હતા. બંને આરોપીને પકડતા ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. બંને આરોપીઓ પાસેથી રોકડા 19 હજાર, બે મોબાઈલ ફોન અને અલગ અલગ બેંકોના 26 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.