અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ (Congress) ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓમાં લાગી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સોમવારથી ત્રણ દિવસે ગુજરાતના પ્રવાસે આવનાર હતા, પરંતુ ભારે વરસાદને કારણે મંગળવારે પ્રથમ દિવસે સુરત અને રાજકોટનો તેમનો કાર્યક્રમ રદ કરાયો હતો. જોકે કોંગ્રેસ અગ્રણીઓની ચૂંટણીલક્ષી બેઠકો યોજાઇ હતી. અશોક ગેહલોટનો બુધવારનો સવારનો વડોદરા અને બપોરે અમદાવાદનો કાર્યક્રમ યથાવત રખાયો છે.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ખરાબ વાતાવરણ અને ભારે વરસાદને કારણે અશોક ગેહલોટનો દક્ષિણ ગુજરાત ઝોન સુરત ખાતેનો તેમજ સૌરાષ્ટ્ર ઝોનનો રાજકોટ ખાતેનો કાર્યક્રમ મંગળવારે મુલત્વી રહ્યો હતો. સુરત અને રાજકોટ ખાતે નક્કી થયેલી બેઠકો કોંગ્રેસના સિનિયર આગેવાનોની હાજરીમાં મળી હતી અને ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. આવતીકાલ તા. 17મી ઓગષ્ટનો અશોક ગેહલોટનો વડોદરા અને અમદાવાદનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. બુધવારે સવારે તેઓ મધ્ય ગુજરાતના અગ્રણી કોંગ્રેસના નેતાઓ સાથે સવારે વડોદરા ખાતે બેઠક યોજશે. ત્યારબાદ બપોર પછી ઉત્તર ગુજરાતના અગ્રણી કોંગ્રેસી નેતાઓ સાથે અમદાવાદમાં બેઠક યોજશે. અમદાવાદમાં રાત્રે રોકાણ કરાયા બાદ, બીજા દિવસે તા. 18મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં તેઓ પત્રકારોને મળશે.