શું રાજકુમાર રાવનું બોક્સઓફિસ પર સ્ટારડમ ઓછું પડે છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે તેની ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ નામની થ્રીલર ફિલ્મ પણ બોક્સઓફિસ પર ફ્લોપ થઇ ગઇ છે. આમ તો રાજકુમારના નામ પર દર્શકો થિયેટર સુધી આવવા તૈયાર છે. છેલ્લે ‘રૂહી’ ને સારું ઓપનિંગ મળ્યું જ હતું. રાજકુમારે એ વાત સ્વીકારી જ હતી કે એના નામ પર ફિલ્મ જોવા આવતા દર્શકો નિરાશ થશે તો એની ફિલ્મ જોવાનું બંધ કરી દેશે. રાજકુમારની છેલ્લી 6 ફિલ્મો ફ્લોપ રહી હોવા છતાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. દર્શકો લાંબા સમય સુધી તેના નામ પર ફિલ્મ જોવા જવાના નથી. ફિલ્મોની પસંદગીમાં એણે સાવધાન રહેવાની જરૂર છે. ‘હિટ’ થી તેના અભિનય પર કોઇએ સવાલ કર્યો નથી પરંતુ એમાં ઘણા સવાલોના જવાબ મળતા નથી એવી ફરિયાદ છે. એમાં નિર્દેશકની જ વધારે ખામીઓ દેખાય છે. એ કારણે એક હિટ તેલુગુ ફિલ્મની રીમેકમાં રાજકુમારનો ઉચ્ચસ્તરીય અભિનય પણ દર્શકોને આકર્ષી શક્યો નથી. રાજકુમાર રાવ અભિનયમાં કોઇ કસર બાકી રાખતો નથી. આ વખતે એક્શન દ્રશ્યોમાં તેણે પ્રભાવિત કર્યા છે. તેમ છતાં રાજકુમારે પોતાના અભિનયમાં પરિવર્તન લાવવાની જરૂર હોવાનું સમીક્ષકો માની રહ્યા છે. કેટલાક દ્રશ્યોમાં દર્શક હવે શરૂઆતથી જ કહી શકે એમ હોય છે કે એના ચહેરા પર કેવા હાવભાવ દેખાશે. બધી જ ફિલ્મોમાં એ પાત્રને ન્યાય આપતો હોવા છતાં સંવાદ બોલવાનો ટોન એકસરખો હોય છે. જો કે, ફિલ્મની સફળતા – નિષ્ફળતા એના હાથમાં હોતી નથી.
એક જીનિયસ પોલીસ અધિકારી તરીકે તેણે ‘હિટ’ માં સ્ક્રીપ્ટને અનુરૂપ જ કામ કર્યું હતું. મુશ્કેલી એ હતી કે તેલુગુના જ નિર્દેશક શૈલેષ કોલાનુએ એને બનાવી હોવા છતાં હિન્દી રીમેકમાં તે સફળ થયા નથી કેમ કે તેમણે વાર્તા અને ક્લાઇમેક્સમાં ફેરફાર કર્યો હતો. ફિલ્મને મર્ડર મિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવી હતી પરંતુ એમાં કોઇ હત્યા જ થતી નથી. ઘણા એવા દ્રશ્યો છે જેમાં નબળી સ્ક્રીપ્ટને કારણે રાજકુમાર પ્રભાવ પાડી શક્યો નથી. જેમ કે દિલીપ તાહિલ સાથેનું એક દ્રશ્ય જબરદસ્ત બની શકે એવું હતું પરંતુ નિર્દેશકે એને સરળતાથી બતાવી દીધું છે. રાજકુમાર પાસે અત્યારે મિ.એન્ડ મિસિસ માહી, સ્ત્રી 2, સ્વાગત હૈ જેવી ઘણી ફિલ્મો છે. પરંતુ એ મોટા બેનરની કે કોઇ વિશેષ પ્રકારની ન હોવાથી સ્ટારડમને જાળવી રાખવાનું અને બોક્સઓફિસ પર સફળતા મેળવવાનું સરળ નહીં હોય.