સુરત: ઇચ્છાપોરમાં રહેતી મહિલાએ ફોટો (Photo) ફેસબુક (Facebook) ઉપર વાયરલ કરી તેમાં વિવાદાસ્પદ લખાણ લખનાર તેની ભાભી સામે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી. ઇચ્છાપોર ખાતે રહેતી 38 વર્ષીય આરતી (નામ બદલ્યું છે) ટીફીન સર્વિસનું કામ કરી પોતાનું અને તેની 12 વર્ષની દિકરીનું ગુજરાન ચલાવે છે. આરતીએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં તેની સગી ભાભી કિરણપ્રીત કૌર જગતારસીંગ રસપાલસીંગ ગીલ (રહે, આર.જે.ડી ટેક્ષટાઈલ પાર્ક, ઇચ્છાપોર)ની સામે ફરિયાદ નોંધાવી હતી.
આરતીના વર્ષ 2007 માં ઝારખંડ ખાતે જમસેદપુરમાં લગ્ન થયા હતા. વર્ષ 2019 માં તેમના છુટાછેડા થતા આરતી તેની દિકરી સાથે સુરત ઇચ્છાપોર ગામમાં રહેતી હતી. આરતીનો ભાઈ જગતારસીંગ અને ભાભી કિરણપ્રીત કૌર સાથે તેના બોલવાના પણ સંબંધ નહોતા. 11 ઓગસ્ટ 2022ના રોજ આરતીની માતાએ ફોન કરીને કિરણપ્રીતે તેનો ફોટો ફેસબુક ઉપર ‘હું હેકર છું અને આ ફોટો વાયરલ કરો’ તેવું લખાણ લખ્યું હતું હોવાનું કહ્યું હતું. આરતીની માતાએ આ પોસ્ટનો સ્ક્રિન શોટ મોકલતા તેમાં ‘ફ્રેન્ડ ઇસ પોસ્ટ કો જાદા જાદા શેર કરો, ઇસને મેરે ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કી હૈ, ઓર ઇસકા યહી કામ હે લોકો કી આઈડી હેક કરકે ઉનકો બદનામ કરને કા ઇસકો શેર કરો તાકી ઓર કીસી કે સાથ એસા ના હો શકે’ તેવું લાખણ લખ્યું હતું.
દશેક દિવસ પહેલા આરતી તેની માતાના ઘરે રામનગર ખાતે ગઈ હતી. ત્યારે આરતીએ તેની માતાના ફોનમાં જોતા તેની દિકરીના ફોટા તેની ભાભીના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ કરેલા હતા. જેથી આરતીએ ફોટા ડિલીટ કરી દીધા હતા. આરતીનો ભાઈ અને ભાભી તેના બીજા લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવવા માંગતા હોવાથી તે વિરોધ કરતી હતી. અને જેને કારણે આરતીને બદનામ કરવા તેની ભાભીએ સોશિયલ મિડીયામાં વાયરલ કરી ટ્રુ કોલર એપ્લીકેશન પરથી બિભત્સ ગાળોના મેસેજ મોકલ્યા હતા.