ગાંધીનગર : 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે ભારત તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી (Celebrate) કરી રહ્યું છે. આ અવસર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના સંઘર્ષને યાદ કરવાનો છે, જેમણે સેંકડો વર્ષોથી ગુલામીની જંજીરોમાં જકડાયેલી ભારત માતાને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા મહાન નાયકો અને નામી-અનામી શુરવીરોના યોગદાનને ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની 75મી વર્ષગાંઠને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું હતું. તેની શરૂઆત 12 માર્ચ, 2021 ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત આઝાદીના આ ‘અમૃત મહોત્સવ’ને પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યું છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના યોગદાનનો સુવર્ણ ઇતિહાસ રહેલો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિત ગુજરાતના અનેક સપૂતોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સાબરમતી આશ્રમ એ દિવસોમાં સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્રબિંદુ હતું. દેશભરમાંથી નેતાઓ, ચિંતકો, સમાજસેવકો અને કાર્યકરોનો મેળાવડો અહીં થતો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે વ્યૂહરચના અને કાર્યક્રમો બનાવવામાં આવ્યા હતા.
સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રાએ બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલે અંગ્રેજો સામેની લડતમાં બારડોલી સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું હતું. આ સફળ આંદોલન પછી તેમને ‘સરદાર’નું બિરુદ આપવામાં આવ્યું. સરદાર પટેલે 562 રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી અખંડ ભારતના નિર્માણનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. PM મોદીએ ભારતમાતાના આ સપૂતની દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યૂનિટી’ ના નિર્માણના માધ્યમથી તેમણે યથોચિત શ્રદ્ધાંજલિ અર્પી છે. આ ઉપરાંત શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા અને સરદારસિંહ રાણા જેવા અનેક ગુજરાતીઓએ દેશની આઝાદી માટે યોગદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે ગુજરાતની સાડા છ કરોડની જનતાના સપનાના ગુજરાતનું નિર્માણ કરવા કટિબદ્ધ છીયે.
ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પુરજોશમાં
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ સિદ્ધિઓ વર્ણવતા પટેલે કહ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રીના આહ્વાન પર જળ સંરક્ષણના માધ્યમથી રાજ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સંપૂર્ણ ગુજરાત દેશભક્તિની ભાવના સાથે તિરંગામય બની ગયું છે. આઝાદીના આ ‘અમૃત કાળ’માં ગુજરાત વિકાસના નવા આયામો સર કરવા સંકલ્પબદ્ધ છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ છે. અમે ગુજરાતની સાડા છ કરોડની જનતાના સપનાના ગુજરાતનું નિર્માણ કરવા કટિબદ્ધ છીયે.