Gujarat

ગાંધીનગરમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત ‘સ્કૂલ ઓફ ડ્રોન’નો આરંભ થયો

ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિ. (Gujarat National Law Univ) (જીએનએલયુ) ગાંધીનગર (Gandhinagar)ખાતે આજે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી(Kaushalya – The Skill University)અંતર્ગત ‘સ્કૂલ ઓફ ડ્રોન’નો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો. ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂતો તેમજ છેવાડાના સામાન્ય માનવીને મળી રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, એમ પટેલે કહ્યું હતું.

ડ્રોન ટેકનોલોજી સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે :મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી-લાભાર્થી સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ ભારતમાં ખેડૂતો, સામાન્ય માનવી અને યુવાનો પણ ડ્રોનનો વિવિધ ક્ષેત્રે હકારાત્મક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય સ્તરે ડ્રોનની નીતિમાં નોંધપાત્ર સુધારા-ફેરફાર કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ડ્રોન ટેકનોલોજીમાં ઇન્સ્ટ્રક્ટર, પાઇલટ, મેઇન્ટેનન્સ અને ઉત્પાદન ક્ષેત્રે નવીન તકો ઊભી કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી ભારતમાં ડીજીસીએ માન્ય ડ્રોન તાલીમ માટેની રાજ્ય કક્ષાની પ્રથમ યુનિવર્સિટી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિવિધ કંપનીઓ દ્વારા ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું
ગુજરાતમાં ડ્રોન ટેકનોલોજીના વિકાસ માટે આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ થકી આઝાદીના અમૃતકાળમાં ગુજરાત સહિત સમગ્ર દેશ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તેવા આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે. આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન – DGCA માન્ય ડ્રોન તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે ડ્રોન પાઇલટ લાયસન્સ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને ઉપસ્થિતિમાં જી.એન.એલ.યુ. કેમ્પસમાં ડ્રોન બનાવતી વિવિધ કંપનીઓ દ્વારા ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top