જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સ્વતંત્રતા દિવસ પહેલા એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુના પરગલમાં ઉરી હુમલા જેવા કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. રાજૌરીથી 25 કિમી દૂર આતંકવાદી હુમલામાં (Attack) બે આતંકવાદીઓએ આર્મી કંપનીના ઓપરેટિંગ બેઝ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. સેના કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. જો કે આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. જો કે ઓપરેશન (Operation) હજુ ચાલુ છે.
મળતી માહિતી મુજબ આતંકવાદીઓ અંધારામાં પરગલની ચોકીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જવાનોએ બંને આતંકીઓને ઠાર કર્યા હતા. આ કાર્યવાહીમાં 5 સૈનિકો પણ ઘાયલ થયા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. સતર્ક સૈનિકોએ શકમંદોને જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ પણ ગોળીબાર કર્યો હતો. બંને તરફથી થયેલા ગોળીબારમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે ત્રણ જવાનો શહીદ થયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે દારહાલ પોલીસ સ્ટેશનથી 6 કિમી દૂર અન્ય પાર્ટીઓને પણ કેમ્પ તરફ મોકલવામાં આવી છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
બડગામમાં એન્કાઉન્ટરમાં લતીફ સહિત લશ્કરના 3 આતંકવાદીઓ માર્યા ગયા
બુધવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં લગભગ 12 કલાક ચાલેલા ઓપરેશનમાં સુરક્ષા દળો દ્વારા લતીફ રાથેર સહિત ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા. લતીફ રાથેર કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટ અને કાશ્મીરી અભિનેત્રી અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ હતો. અન્ય બે આતંકવાદીઓની ઓળખ હજુ બાકી છે. સુરક્ષા દળો દ્વારા ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
પુલવામામાં 30 કિલો IED મળી આવ્યો
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં, સુરક્ષા દળોએ બુધવારે 30 કિલો IED રિકવર કરીને સ્વતંત્રતા દિવસ પહેલા એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. આ IED સર્ક્યુલર રોડ પર તહાબ ક્રોસિંગ પાસે લગાવવામાં આવ્યો હતો. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે આર્મી રોડ ઓપનિંગ પાર્ટીના સૈનિકોએ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તાની બાજુમાં એક શંકાસ્પદ વસ્તુ જોઈ. તેણે તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસને આની જાણ કરી. થોડી જ વારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી અને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી. અધિકારીના જણાવ્યા અનુસાર આ દરમિયાન આ માર્ગની બંને તરફનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં આ IED નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.