સંસદના ચોમાસુ સત્રનો આ સોમવારે અંત આવ્યો હતો, જે અંત તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબના સમાપનના ચાર દિવસ પહેલા જ આવી ગયો. જે સત્રમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ભાવવધારા, ૨૭ સાંસદોના સસ્પેન્શન અને એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટના પગલા તથા વિવાદાસ્પદ રાષ્ટ્રપત્ની ટિપ્પણી જેવા મુદ્દાઓને લઇને ભારે ધમાલ અને તનાવના દ્રશ્યો સર્જાયા હતા અને તેના બંને ગૃહોમાં વારંવાર સભામોકૂફીઓ થઇ હતી.
સંસદના ઇતિહાસમાં સૌથી તોફાની અને ઝંઝાવાતી સત્રોમાંનુ એક સત્ર એ હાલમાં સમાપ્ત થયેલું વર્તમાન સંસદનું ચોમાસુ સત્ર હશે અને આ સત્ર અનેક સારા, નરસા કારણોસર યાદગાર બની રહેશે, પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે સારા કરતા નરસા કારણોસર જ આ સત્ર વધુ યાદ રહેશે. સંસદના ભૂતકાળના અનેક સત્રો પણ ધાંધલ ધમાલથી ભરપૂર રહ્યા છે પરંતુ જેમાં ભારે તનાવના દ્રશ્યો સર્જાયા હોય તેવા સત્રો ઓછા છે અને હાલમાં સમાપ્ત થયેલ સંસદીય સત્રમાં જે તનાવના દ્રશ્યો, ખાસ કરીને લોકસભામાં શાસક અને વિપક્ષના મહિલા સાંસદો વચ્ચે જે તનાવના અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા તે ખૂબ જ આઘાતજનક હતા.
જુલાઇ મહિનાની ૧૮મી તારીખથી શરૂ થયેલુ ચોમાસુ સત્ર ૧૨ ઓગસ્ટે સમાપ્ત થવાનું હતું. આ સત્ર શરૂ થાય તે પહેલા જ એવી અટકળો હતી કે આ સત્ર ભારે તોફાની બની રહેશે પરંતુ તે ધાર્યા કરતા વધુ તોફાની બની રહ્યું. સંસદના બંને ગૃહોમાં વિવિધ કારણોસર ખૂબ ધમાલ થઇ અને કામકાજના અનેક કલાકો વેડફાયા. સૌથી શરમજનક ઘટનાઓ તો લોકસભામાં સર્જાઇ. એક વિપક્ષી નેતાએ દેશના નવા મહિલા રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રપત્ની શબ્દ ઉચ્ચાર્યો અને તેને પગલે જે ઉગ્ર વિવાદ થયો અને તેમાંથી ખાસ કરીને શાસક અને વિપક્ષના મહિલા સાંસદો વચ્ચે જે શેરી લડાઇ જેવા દ્રશ્યો સર્જાયા તે ઘણી જ શરમજનક બાબત હતી અને સંસદની ગરિમાને ખૂબ લાંછન લગાડનારી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપત્ની શબ્દ ઉચ્ચાર્યો, સ્વાભાવિક રીતે જ આ મુદ્દે ભારે વિવાદ થયો.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી જ્યારે આ બાબતમાં પોતાને શા માટે ઘસડવામાં આવી રહ્યા છે તેવું પૂછવા માટે ભાજપના મહિલા નેતા રમાદેવીની બેઠક પાસે ગયા ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વચ્ચે ઝંપલાવ્યું, તેમાંથી બોલાચાલી થઇ અને શેરીમાં મહિલાઓ લડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, શાસક પક્ષના કેટલાક સભ્યોએ સોનિયા ગાંધીને ઘેરી લીધા અને તેમને બચાવવા અન્ય વિપક્ષના કેટલાક મહિલા સાંસદોએ આવવું પડયું, આ બધું ખૂબ જ શરમજનક હતું. વિરોધ પ્રદર્શનો અને આવી બધી ધમાલને કારણે સંસદના બંને ગૃહોમાં અનેક કલાકો વેડફાયા.
લોકસભા અને રાજ્યસભાને સોમવારે બપોરે અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ રાખવામાં આવ્યા, એટલે કે ચોમાસુ સત્ર સમાપ્ત કરવામાં આવ્યું. આ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે સાત અને પાંચ ખરડાઓ આ સત્રમાં પસાર થયા હતા. લોકસભામાં કુલ ૧૬ બેઠકો યોજાઇ હતી અને તે ગૃહમાં ૪૪ કલાક અને ૨૯ મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી, જ્યારે ઉપલુ ગૃહ એવી રાજ્યસભામાં કુલ ૩૮ કલાક કામગીરી થઇ હતી જ્યારે કે ગૃહ ખોરવાવાને કારણે તેમાં ૪૭ જેટલા કલાકો વેડફાઇ ગયા હતા, જે મુદ્દો આ ગૃહના વિદાય લઇ રહેલા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ઉપાડ્યો હતો જેઓ ગૃહની કાર્યવાહીઓ ખોરવવા અંગે વારંવાર નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. રાજ્યસભાએ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિદાય આપી હતી જેઓ આ ગૃહના અધ્યક્ષ પણ છે અને તેમનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટે સમાપ્ત થઇ રહ્યો છે. પક્ષીય ભેદભાવોથી ઉપર ઉઠીને સભ્યોએ તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ એક સારી બાબત બની રહી. દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદને પણ સંસદના બંને ગૃહોના સભ્યોએ સંયુક્ત રીતે વિદાય આપી. પરંતુ થોડીક સારી બાબત સિવાય આ સત્ર મોટે ભાગે ખરાબ બાબતો માટે જ યાદ રહે તેવું બની રહ્યું.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ પક્ષોના સભ્યો સત્ર વહેલુ સમાપ્ત કરવાની તરફેણમાં હતા કારણ કે તેઓ આગામી ઉત્સવો માટે તેમના મતવિસ્તારોની મુલાકાત લેવા માગતા હતા ત્યારે અલબત્ત, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રિયાને સત્ર ટૂંકાવવા બદલ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ પહેલા પણ આ સરકારના સમયમાં અનેક સત્રો વહેલા સમાપ્ત કરવામાં આવ્યા છે. કામગીરી સુપેરે પૂર્ણ થાય અને સત્ર વાજબી કારણોસર એક-બે દિવસ વહેલુ સમાપ્ત કરવામાં આવે તે સમજ્યા. પરંતુ ધાંધલ ધમાલમાં કલાકો વેડફાયા પછી પણ સત્ર વહેલુ સમાપ્ત કરવું પડે તે થોડુ કઠે તેવું છે. અને છેલ્લા કેટલાક દાયકાઓથી સંસદની ગરિમા જાળવવાનું તો સાંસદો જાણે ભૂલવા જ માંડ્યા છે. હાલ પુરા થયેલા સત્રના વરવા દ્રશ્યો તેનો પુરાવો છે. આશા રાખીએ કે હવે પછી સંસદના કોઇ સત્રમાં આવા દશ્યો નહીં સર્જાય.