બારડોલી: બારડોલીમાં (Bardoli) મિનારા મસ્જિદ પાસે દીવો પ્રગટાવી મસ્જિદના દરવાજા પર ગુલાલ ફેંકવાની ઘટનામાં પોલીસે (Police) જાતે ફરિયાદી બની અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી એકની અટકાયત કરવામાં આવી છે. દશામાની વિસર્જન યાત્રા દરમિયાન 6 ઓગસ્ટની રાત્રિએ મિનારા મસ્જિદ પાસે દીવો અને મસ્જિદ પર ગુલાલ નજરે પડતાં મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
મસ્જિદની સામેના મકાનમાં CCTV ચેક કરતાં તેમાં રાત્રિના બેથી અઢી વાગ્યાની આસપાસ કેટલાક ઇસમો વિસર્જનમાં ચાલતા જતા દેખાતા હતા, એ પૈકી એક ઇસમ ગુલાલ મસ્જિદ પર નાંખતો નજરે પડે છે. તો કેટલીક યુવતીઓ દીવો પ્રગટાવી રહી નજરે પડતી હતી. શહેરમાં કોમી શાંતિ ડહોળવા માટે કોઈ અસમાજિક તત્ત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. પોલીસે CCTV ફૂટેજ કબજે લીધા હતા. બાદમાં બારડોલી ફાયર વિભાગથી મસ્જિદની સફાઈ કરાવી હતી. ગંભીર ઘટનાને પગલે બારડોલી ટાઉન પોલીસમથકના પી.એસ.આઇ. બી.કે.પટેલ જાતે ફરિયાદી બન્યા હતા. તેમણે અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે સમુદાય વચ્ચે વિખવાદ ઊભો કરી શાંતિભર્યું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવો અને ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી એકની અટકાયત કરી છે.
પોલીસને જોઇને ચોરે તોફાન મચાવી પોતાના જ માથામાં ઇંટ મારી દીધી
સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ચોરીના બનાવ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. દરમિયાન આજે એક દર્દીના સંબંધીનો મોબઇલ ચોરી કરતા એક યુવકને સિક્યુરીટી ગાર્ડએ પકડી પાડ્યો હતો. ખટોદરા પોલીસની પીસીઆરને બનાવની જાણ કરાતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જોકે તેણે તોફાન મચાવ્યું હતું. પોતાના જ માથામાં ઇંટ લઇને મારવા લાગતા અંતે તેને જવા દેવાયો હતો.
નવી સિવિલ હોસ્પિટલના ઇ-2 વિભાગમાં બપોરે દર્દીના સંબંધીનો મોબાઇલ ચોરી કરવાનો પ્રયાસ કરતા ચોર અંગે સંબંધીને જાણ થઇ જતા તેને પકડીને સિક્યુરીટી કર્મચારીને સોંપ્યો હતો. દરમિયાન ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસની પીસીઆર વાન સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ચોરે તોફાન મચાવી પોતાના માથામાં ઇંટ વડે ઇજા પહોંચાડી હતી. અંતે તેને જવા દેવાયો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.