ગણદેવી-નવસારી : ગણદેવીમાં (Gandevi) સાડા પાંચ દાયકાથી કાર્યરત એસ.ટી. બસ (St Bus) સ્ટેન્ડની દશા દુર્દશામાં ફેરવાઈ છે. તાલુકા(Taluka) ના મુખ્ય મથક સ્થિત આ સ્ટેન્ડ ઉપરથી રોજિંદી (daily) 65 જેટલી બસો પસાર થાય છે. અને રોજિંદા 600 મુસાફરોની આવન જાવન વચ્ચે અંદાજિત 3.50 લાખની આવક હોવા છતાં સુવિધાઓના નામે મીંડું છે.
પતરાના શેડમાં એસ.ટી. બસ સ્ટેન્ડ કાર્યરત
ગણદેવીમાં સાડા પાંચ દાયકાથી પતરાના શેડમાં એસ.ટી. બસ સ્ટેન્ડ કાર્યરત છે. જેનો ગણદેવી તાલુકાના 65 ગામો અને શહેરના લોકો લાભ લે છે. અહીંથી જુદી-જુદી રૂટોની 65 બસ પસાર થાય છે. જ્યારે 24 જેટલી બસો ચાર રસ્તા વંદેમાતરમ ચોક થઇ બારોબાર પસાર થાય છે. જે સ્થાનિક ગામો અને સુરત, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મોડાસા, જૂનાગઢ સહિત અનેક સ્થળોએ પહોંચે છે. જેમાં 600થી વધુ રોજિંદા મુસાફરો મુસાફરી કરે છે. તેમ છતાં ગણદેવી સ્ટેન્ડ ઉપર એક જ કર્મચારી મહેશ પટેલ (કંટ્રોલર) થકી બસ સ્ટેન્ડનું ગાડુ ગબડાવવામાં આવે છે.
માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ
તો બીજી તરફ 300 પાસ હોલ્ડર અને 600 રોજિંદા મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ચાલુ વર્ષે ચોમાસામાં ભેજ અને વરસાદી પાણી ગળતા બે કોમ્પ્યુટરો બગડી ગયા હતા. તેમજ એસ.ટી. સ્ટેન્ડની સફાઈ માટે સફાઈ કામદાર સુધ્ધાં નથી. આ સિવાય ડેપો તરફથી પીવાના પાણીની સુવિધા પણ નથી. સ્ટેન્ડમાં મુસાફરોની બેઠક ઉપર તૂટેલા પતરામાંથી પાણી ગળી રહ્યું છે. પરીણામે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ગણદેવીના રહીશો વર્ષોથી જર્જરિત એસ.ટી સ્ટેન્ડના સ્થાને જૂની મામલતદાર કચેરીવાળા સ્થાને અદ્યતન ડેપો ઝંખી રહ્યા છે.
ગણદેવી મુખ્ય મથક છતાં અદ્યતન એસ.ટી. ડેપો નથી
ગણદેવી તાલુકાનું મુખ્ય મથક છે. તે સાથે પાલિકા વિસ્તાર પણ છે. પરંતુ અદ્યતન એસટી ડેપો નથી. જ્યારે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ, સહિત અનેક સુવિધાઓ છે. તાલુકામાં 4 વર્ષ અગાઉ બીલીમોરામાં રૂ. 4.12 કરોડના ખર્ચે તત્કાલિન મંત્રી ઈશ્વરસિંહ પટેલે અદ્યતન ડેપો લોકાર્પણ કર્યું હતું. પરંતુ ગણદેવીના એસ.ટી. બસ સ્ટેન્ડ પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે.
ગણદેવી તાલુકો 2 વિધાનસભામાં વહેંચાયેલો, પણ એસ.ટી.ની સુવિધા નથી
ગણદેવી તાલુકાના 65 ગામો 2 વિધાનસભા વિસ્તારમાં વહેંચાયેલા છે. જેમાં ગણદેવી ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલના વિસ્તારમાં 34 ગામો અને નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈના વિસ્તારમાં 31 ગામોનો સમાવેશ થાય છે. તેમજ નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો મત વિસ્તાર છે. તેમ છતાં તંત્ર એસ.ટી. ડેપોની સુવિધા આપવામાં સતત વામણું પુરવાર થઇ રહ્યુ છે