Editorial

હવે હિંદ મહાસાગરમાં આવી રહેલુ ચીની જાસૂસી જહાજ ભારતની ચિંતા વધારી રહ્યું છે

આપણો પાડોશી દેશ ચીન એક અદકપાંસળી દેશ છે. તેને ભારત સાથે જ નહીં, દુનિયાના અનેક દેશો સાથે સરહદી વિવાદો ચાલી રહ્યા છે. લડાખના પ્રદેશમાં તેને ભારત સાથે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે અને એક વખત તો ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઉગ્ર હિંસક સંઘર્ષ પણ થઇ ગયો છે. તનાવ ઘટાડવા માટે ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી અને લશ્કરી મંત્રણાઓના અનેક દોર યોજાઇ ચુક્યા છે પરંતુ કોઇ નક્કર પરિણામ આવ્યું નથી.

થોડા ઘણા દળો પાછા ખેંચી શકાયા છે પણ સંઘર્ષના બિંદુઓ પરથી લશ્કરી દળો સંપૂર્ણપણે પાછા ખેંચવાનું તો શક્ય બનતું જ નથી. ઉત્તરે લડાખમાં જમીન સરહદે તો મડાગાંઠ ચાલુ જ છે ત્યારે હવે ચીન દક્ષિણમાં સમુદ્રી વિસ્તારમાં પણ ભારતની ચિંતા વધે તેવા સંજોગો ઉભા કરી રહ્યું છે. શ્રીલંકાનું હંબનટોટા બંદર તો ચીને લીઝ પર લીધું છે તે તો ભારત માટે ચિંતાનો વિષય છે જ્ ત્યારે હવે નજીકના ભવિષ્યમાં ચીનનું આધુનિક ઉપકરણોથી સજ્જ એક જાસૂસી જહાજ થોડા દિવસ માટે શ્રીલંકાના આ બંદરે અને ત્યારબાદ હિંદ મહાસાગરમાં કથિત સંશોધનો માટે તરણ પ્રવૃતિ કરવાનું છે અને તે બાબત ભારતની ચિંતાઓ સ્વાભાવિક રીતે વધારી રહી છે.

ચીનનું યુઆન વાંગ-પ નામનું જહાજ આ મહિને હિંદ મહાસાગરમાં આવી રહ્યું છે. બેવડા ઉપયોગનું જાસૂસી જહાજ આ ૧૧મી ઓગસ્ટે શ્રીલંકાના હંબનટોટા બંદરે આવી રહ્યું છે અને તે ત્યાં ૧૭મી ઓગસ્ટ સુધી રોકાવાનું છે અને ત્યારબાદ હિંદ મહાસાગરમાં કેટલીક સંશોધન પ્રવૃતિ કરવાનું છે અને આ બાબતે ભારત માટે મોટી ચિંતા સર્જી છે. યુઆન વાંગ-પ એ ચીનના લશ્કર પીએલએના કાબૂ હેઠળનું જહાજ છે. તેની કામગીરી સ્પેસ અને સેટેલાઇટ ટ્રેકિંગની છે અને તેનો ઉપયોગ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ છોડવા માટે પણ થઇ શકે છે.

આ જહાજ હિંદ મહાસાગરમાં પણ તરણ કરનાર છે જ્યાં તે અન્ય સંશોધનો જેવા કે સ્પેસ ટ્રેકિંગ અને સેટેલાઇટ ઓપરેશન મોનિટરિંગ પણ કરશે એમ ઉપલબ્ધ ગુપ્તચર માહિતી જણાવે છે. હિન્દ મહાસાગરમાં તે આંતરરાષ્ટ્રીય જળ પ્રદેશમાં વિહાર કરશે તેથી તેની આ પ્રવૃતિ સામે વિરોધ તો કરી શકાય તેમ નથી, પરંતુ આ જહાજ આધુનિક ઉપકરણોથી સજ્જ છે અને હિંદ મહાસાગરમાં તેના તરણ વખતે તે ભારતની લશ્કરી અને અવકાશ સવલતો પર આ સાધનો વડે જાસૂસી કરીને કેટલીક સંવેદનશીલ માહિતીઓ ભેગી કરી શકે છે અને તે એક ચિંતાનો વિષય છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જહાજ હાઇ-ટેક સાધનો ધરાવે છે અને ભારતીય પ્રદેશમાં ઉંડે સુધી જાસૂસી કરી શકે છે.

પૂર્વ કાંઠાના ભારતીય નૌકાદળના થાણાઓ અને ચાંદીપુર ખાતેનું ઇસરોનું લોન્ચ સ્ટેશન આ જહાજ દ્વારા જાસૂસીનો ભોગ બની શકે તેવો ભય છે. આ જહાજ ૧૧થી ૧૭ ઓગસ્ટ સુધી શ્રીલંકાના હંબનટોટા બંદરે રોકાનાર છે અને તેણે આ સમય માટે ઇંધણ અને પુરવઠા માટેની વિનંતી શ્રીલંકાને કરી છે. આર્થિક કટોકટીમાં ભારતે કરેલી મદદને અવગણીને શ્રીલંકાએ આ જહાજને પરવાનગી આપી તે વળી ભારત માટે બીજી એક ચિંતાની બાબત છે. ચીને જો કે આ જહાજ પ્રવાસને રાબેતા મુજબનો ગણાવ્યો છે પણ ભારતને તેના ઇરાદાઓ અંગે શંકા છે અને ચીનનું વર્તન જતા આવી શંકા થવી સ્વાભાવિક પણ છે.

હાલમાં ચીનને અમેરિકા સાથે ભારે તનાવ તાઇવાનના મુદ્દે સર્જાયો છે. અમેરિકી સંસદના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાતે ચીનની ચેતવણીને અવગણીને પહોંચ્યા તે પછી ચીને કેટલાક આકરા પગલા ભર્યા અને આને કારણે તાઇવાનના મુદ્દે ચીન સાથે અમેરિકાનો તનાવ ભારે વધ્યો. દક્ષિણ ચીની સમુદ્રમાં તો ચીનને અનેક દેશો સાથે વિવાદ છે જ. આ પ્રદેશમાં આવેલા કેટલાક નાના મોટા દેશો સાથે ચીનને વિવાદ છે, તો બીજી બાજુ ચીન દક્ષિણ ચીની સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય વહાણવટામાં પણ અવરોધ ઉભો કરે છે અને તેને કારણે અમેરિકા સાથે પણ તેને સંઘર્ષ સર્જાય છે. ભારતને દક્ષિણ ચીની સમુદ્રમાં તેલ સંશોધન માટે શારકામ બાબતે ચીન સાથે સંઘર્ષ સર્જાય છે.

દક્ષિણ ચીની સમુદ્રમાંની ચીનની ગતિવિધિઓનો સામનો કરવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનનું ચાર દેશોનું સંગઠન ક્વાડના નામે રચવામાં આવ્યું છે. ચીન અન્ય દેશો માટે દક્ષિણ ચીની સમુદ્રમાં અવરોધો ઉભા કરે છે પરંતુ હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય જળ પ્રદેશના નામે તે પોતાના જાસૂસી જહાજને બેધડક મોકલે છે. તે આ જહાજને સંશોધન માટે મોકલે તેનો ભારતને વાંધો હોય નહી પણ આ જહાજ જાસૂસી કરી જાય તે બાબત ભારત માટે ચિંતાનો વિષય છે.

Most Popular

To Top