Editorial

વિશ્વ એક મોટી આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યું છે?

છેલ્લા અનેક સપ્તાહોથી દુનિયાભરમાં અનેક દેશોમાં સખત મોંઘવારી પ્રવર્તી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના અને અનાજ, ખાદ્ય તેલો વગેરેના ભાવોમાં ઉછાળો આવ્યો છે. જો કે આ મોંઘવારી માટે, ખાસ કરીને  અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં ફક્ત યુદ્ધ જ જવાબદાર જણાતુ નથી પરંતુ ખોરવાયેલી સપ્લાય ચેઇન પણ ઘણે અંશે જવાબદાર મનાય છે. સપ્લાય ચેઇન એટલે કે માલ સામાનનો પુરવઠો ઉત્પાદન સ્થળેથી છેવટના વેચાણ  સ્થળ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કોવિડ-૧૯ના રોગચાળા પછીથી અનેક પશ્ચિમી દેશોમાં ખોરવાઇ ગઇ છે.

ખરેખર તો વૈશ્વિક અર્થતંત્રમાં કોવિડના રોગચાળાની શરૂઆત સાથે જ તકલીફોની શરૂઆત થઇ ગઇ હતી. રોગચાળાને  અંકુશમાં રાખવા માટે લાદવામાં આવેલા લૉકડાઉન જેવા નિયંત્રણોને કારણે વિશ્વના અનેક દેશોમાં આર્થિક પ્રવૃતિઓ થંભી ગઇ કે ખોરવાઇ ગઇ. રોગચાળાના નિયંત્રણો હળવા બનવા માંડ્યા પછી વૈશ્વિક અર્થતંત્ર ધીમે ધીમે બેઠું થઇ રહ્યું  હતું, ત્યાં આ વર્ષના ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને આ યુદ્ધે વિશ્વના અર્થતંત્રને મોટો ફટકો માર્યો છે, અને હાલના સંજોગો જોતા વૈશ્વિક નાણા ભંડોળ સંસ્થા આઇએમએફ દ્વારા વૈશ્વિક મંદીની શક્યતાની પણ  ચેતવણી આપી દેવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ દ્વારા આ મહિને ફરીથી વૈશ્વિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ દર વધુ ઘટાડીને ૩.૨ ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ સંસ્થાએ ચેતવણી આપવામાં આવી છે કે  દુનિયાભરમાં પ્રવર્તી રહેલા ઉંચા ફુગાવાની અને યુક્રેનના યુદ્ધની અસરો સ્પષ્ટ દેખાવા માંડી છે અને જો આને રોકવામાં નહીં આવે  તો વિશ્વ મંદીની કગાર પર આવીને ઉભુ રહી જશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)ના અંદાજ  પ્રમાણે વૈશ્વિક રીઅલ જીડીપી વિકાસ ધીમો પડીને ૩.૨ ટકા થશે, જેની સામે એપ્રિલમાં આ દરની ૩.૬ ટકાની આગાહી હતી.

આઇએમએફે વધુમાં જણાવ્યું હતું કે ખરેખર તો બીજા ત્રિમાસિક ગાળામાં ચીન અને રશિયામાં ડાઉનટર્નને  કારણે વૈશ્વિક જીડીપી સંકોચાયો છે. આ ઉપરાંત આ ભંડોળે વિશ્વના ૨૦૨૩ના વિકાસદરની આગાહી ઘટાડીને ૨.૯ ટકા કરી છે જેની સામે એપ્રિલમાં આનો અંદાજ ૩.૬ ટકાનો હતો. આ માટે આઇએમએફે કડક નાણાકીય નીતિને  જવાબદાર ગણાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના રોગચાળાને કારણે વૈશ્વિક ઉત્પાદન ૨૦૨૦ના વર્ષમાં ૩.૧ ટકાથી સંકોચાયું હતું, જેના પછી ૨૦૨૧માં વૈશ્વિક વિકાસ વધીને ૬.૧ ટકા થયો હતો.

આઇએમએફના મુખ્ય  અર્થશાસ્ત્રી પિઅરે ઓલિવિયરે એક નિવેદનમાં જણાવ્યું છે કે એપ્રિલથી દેખાવ ઘેરો બન્યો છે. વિશ્વ ટૂંક સમયમાં મંદી તરફ સરકી શકે છે. વિશ્વમાં અત્યારે અસાધારણ સંજોગો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઇંધણ અને ખોરાકી  ચીજવસ્તુઓના ભાવો ઉંચા ગયા છે, આને કારણે દુનિયાભરમાં મોંઘવારી વકરી છે અને તેના પછી વધુ કડક પોલીસી ટાઇટનિંગ આવી શકે છે. હાલમાં પણ અમેરિકા અને ભારત સહિતના દેશો પોત પોતાની રીતે પોતાની નાણાકીય નીતિ  સખત બનાવી રહ્યા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ અને ભારતની મધ્યસ્થ બેન્ક આરબીઆઇ તેમના વ્યાજ દરો એકથી વધુ વખત વધારી ચુક્યા છે.

હાલમાં દુનિયાભરમાં અનેક દેશોમાં મોંઘવારીનું મોજું પ્રવર્તી રહ્યું છે. મોંઘવારી કે ફુગાવાને નાથવા વિશ્વના વિવિધ દેશો પોતાની નાણાકીય નીતિઓ કડક બનાવી રહ્યા છે જેને પોલિસી ટાઇટનિંગ કહેવામાં આવે છે. ફુગાવાને નાથવા માટે  વ્યાજ દરો વધારવામાં આવે છે, જેથી ધિરાણ મોંઘુ થતા બજારમાં નાણા ફરતા ઓછા થાય છે. પરંતુ આ સાથે લોકોની ખર્ચ શક્તિ ઘટવાથી બજારમાં વ્યાપાર પણ ઘટતો જાય છે. બેરોજગારી વધે, વપરાશ ઘટે અને તે સાથે અર્થતંત્રમાં મંદી  તરફ ધકેલાવા માંડે છે. વિશ્વ અત્યારે આ રીતે જ એક આર્થિક મંદી તરફ ધકેલાઇ શકે છે તેવી ચેતવણી આઇએમએફ દ્વારા આપવામાં આવી છે અને આ ચેતવણીને અવગણવા જેવી નથી. દુનિયાએ ૧૯૩૦માં મહામંદી જોઇ હતી. તેના  પછી પણ નાની મોટી અનેક મંદીઓ આવી ગઇ છે. હાલ છેલ્લે વિશ્વમાં ૨૦૦૭-૦૮માં મોટી નાણાકીય કટોકટી આવી ગઇ અને છેલ્લે હાલ ૨૦૨૦માં કોવિડના રોગચાળાને કારણે નાની અને ટૂંકી મંદી આવી ગઇ. હાલના સંજોગો વધુ ગંભીર  જણાય છે અને વિશ્વના દેશો જો સમયસર સમજદારીથી પગલા નહીં ભરે તો મોટી મંદી આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top