ગણદેવી : સેંકડો વર્ષો અગાઉ આપણા પૂર્વજોએ પોતાના અનુભવ અને આગવી કોઠાસૂઝ થકી પગથિયાંવાળા કુવા એટલે કે વાવ(step-well)નું નિર્માણ કર્યું હતું. જે આજપર્યંત જીવંત છે. ગણદેવી(Gandevi) તાલુકામાં આજે પણ ત્રણ વાવનાં જળસ્રોત પાંચ વર્ષે જીવંત થયા છે. આ ઐતિહાસિક ધરોહર(Historical heritage) વાવ છલકાતા લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો. વાવ એટલે પગથિયાં વાળો કૂવો, પગથિયાં ઉતરી ભૂગર્ભ જળ સુધી સરળતા થઈ પહોંચી શકાય એવી આગવી વ્યવસ્થા કહી શકાય. માનવ સંસ્કૃતિમાં વાસણ કે દોરી જેવી શોધ થઈ ન હતી. તે વેળા વટેમાર્ગુ કે તરસ્યા પગથિયાં ઉતરી હાથના ખોબા વડે પાણી પી શકે એવી અદભૂત વ્યવસ્થા એટલે વાવ, આવી પ્રાચીન ધરોહરને જાળવવા અને તેના માહાત્મ્ય અંગે જાગૃતિ લાવવા પ્રતિવર્ષ 18મી એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે.
- ગણદેવી તાલુકાની ત્રણ પ્રાચીન જળસ્રોત વાવ પાંચ વર્ષે છલકાઈ
- ગણદેવી તાલુકાના વલોટી, દેસાડ અને દુવાડા ગામમાં આજે પણ વાવ અડીખમ
- વાવના પાણીનો જળાભિષેક પવિત્ર માનવામાં આવે છે ત્યારે વારસારૂપ જળસ્રોતને ખંડેર બનતો અટકાવવાની જરૂરીયાત
ગણદેવી તાલુકામાં આ ઐતિહાસિક વારસાનાં જળસ્રોતને જીવંત રાખવા જાળવણીની તાતી જરૂરીયાત છે. ગણદેવીના વલોટી ગામની વાવ વણઝારી વાવ તરીકે જાણીતી છે. જે 80 ફૂટ લાંબી, 12 ફૂટ પહોળી અને 50 થી 70 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવે છે. વાવ નજીક વિશ્વેશ્વર મહાદેવ મંદિર છે. બીજી વાવ તાલુકાના દેસાડ ગામે આવેલી છે. ગણદેવીથી કલવાચ ગામ તરફ જતા મુખ્ય માર્ગ લગોલગ વાવ આવેલી છે. જે 33 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી, 40 ફૂટ ઊંડાઈ ધરાવે છે. આ વિસ્તાર વાવ ફળીયા તરીકે જાણીતો છે. ગણદેવીમાં ત્રીજી વાવ દુવાડા ગામના વાંગરી ફળીયામાં મુખ્ય માર્ગ લગોલગ આવેલી છે. જે નારણજી વાવ તરીકે જાણીતી છે. જેનો જીર્ણોધ્ધાર 12 વર્ષ અગાઉ ડો. લલ્લુભાઇ દુર્લભભાઈ પટેલના પરિવારે કરાવ્યો હતો. શિલ્પકળા, કોતરણી કામ વાળી આ વાવ 40 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી છે.
નોટબંધી બાદ મોદી સરકારે રૂ. 100 ની ચલણી નોટ ઉપર વાવને સ્થાન આપ્યું
ત્રણેય વાવોના જળસ્રોત આજે પણ જીવંત છે. જે અનેક ધાર્મિક માન્યતા ધરાવે છે. વાવના પાણીનો જળાભિષેક પવિત્ર માનવામાં આવે છે. વાંઝિયાપણાના મહેણાં વાવના પાણીની બાધા, આખળી, મન્નત માનવામાં આવતી. પ્રસુતા મહિલાઓને ધાવણ ન આવતું હોય ત્યારે વાવના પાણીમાં ઉપવસ્ત્રો ભીંજવી થાનકે લગાવતા દૂધની ધાર વછુટતી હોવાની દંતકથા માન્યતાઓ જાણીતી છે. નોટબંધી બાદ મોદી સરકારે રૂ. 100 ની ચલણી નોટ ઉપર વાવને સ્થાન આપ્યું હતું. ત્યારે પ્રાચીન વારસારૂપ આ જળસ્રોતને ખંડેર બનતો અટકાવવાની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે.
ગણદેવી તાલુકામાં 1275 મીમી વરસાદ સાથે પ્રાચીન વાવ છલકાઈ
ગણદેવી તાલુકામાં જીવંત ત્રણેય વાવ ચોક્કસ ક્યા સમયે બની તેનો લેખિત આધાર પ્રાપ્ત નથી. ચારેક સદી અગાઉ આ વાવો વણઝારા સમુદાયે બાંધી હોવાની લોકવાયકા છે. તે સમયે ભૂગર્ભ પાણી સુધી પહોંચી પોતાની અને પાલતુ પ્રાણીઓની પાણીની જરૂરીયાત પુરી કરાતી હતી. જોકે માનવ જીવન સંસ્કૃતિમાં અવનવી શોધો બાદ આજે ભૂગર્ભ જળ ઉલેચવા આસાન છે. ગણદેવી તાલુકામાં 1275 મીમી વરસાદ સાથે પ્રાચીન વાવ છલકાઈ હતી.