ગાંધીનગર(Gandhinagar): આજની યુવા પેઢી બંધારણની સમજ કેળવી શકે તેમજ રાજનીતિથી વાકેફ થઇ શકે તે માટે ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય(Dr. Nimaben Achrya) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજે ગુજરાત વિધાનસભામાં એક મોક એસેમ્બલીનું આયોજન કરાયું હતું. જેમાં આજે વિદ્યાર્થીઓ(Students)ને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય (MLA) અને મંત્રી બન્યા છે. વિદ્યાર્થીઓને લોકશાહીની (Democracy) પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેથી આજની વિધાનસભા 182 મંત્રીઓએ નહિ પરંતુ શાળાના વિદ્યાર્થીઓએ ચલાવી હતી. ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ યુવા મોક એસેમ્બલીનો પ્રારંભ કરાવ્યો હતો
રોહન રાવલ બન્યો મુખ્યમંત્રી
વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદનાં ધોરણ 12માં અભ્યાસ કરતા રોહન રાવલની પસંદગી થઈ છે. પસંગી પહેલા રોહને 6 પ્રકારનાં ઈન્ટરવ્યુ આપ્યા હતા. ત્યારબાદ તેની પસંદગી કરવામાં આવી હતી. વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે. તેમજ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે. એક દિવસીય વિધાનસભામાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે.
ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ આજે મોક એસેમ્બલી રચીને જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાનાં છે. ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે તેની સાથે સૌથી જુની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. લોકશાહીમાં મતગાલ એક પાયાનો એકમ છે તો જનપ્રતિનિધિ સૌથી મહત્વનો એકમ છે.
આજનો દિવસ વિદ્યાર્થીઓને આજીવન યાદ રહેશે: વિધાનસભા અધ્યક્ષ
વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ કહ્યું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ અનોખું આયોજન કરાયું છે. આજે એક દિવસ માટે વિધાનસભા વિદ્યાર્થીઓ ચલાવશે. સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે. આજનો દિવસ વિદ્યાર્થીઓને આજીવન યાદ રહેશે. અહીં આવેલા વિદ્યાર્થીઓને હું આવકારું છું. આપણું યુવાધન શક્તિશાળી બને અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે એવા આશયથી હું વિદ્યાર્થીઓનું સ્વાગત કરૂં છું. યુવા વિધાનસભા કાર્યક્રમ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.