SURAT

સુરત સિવિલમાં કોરોનાની સારવાર હેઠળનાં 3 દર્દીનાં મોત, પણ હેલ્થ ડિપાર્ટમેન્ટે યાદી જાહેર ન કરી!

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કોરોનાની (Corona) સારવાર લઇ રહેલા ત્રણ દર્દી મંગળવારે મોતને (Death) ભેટ્યા હતા. હેલ્થ ડિપાર્ટમેન્ટ (Health Department) દ્વારા મોતને ભેટેલા દર્દીઓની વિગતો જાહેર કરાઇ ન હતી. સૂત્રોનું માનીએ તો રાત સુધીમાં મોતને ભેટેલા 44 વર્ષિય પુરુષ, 67 વર્ષિય આધેડ અને 70 વર્ષિય વૃદ્ધના મૃતદેહની કોવિડની ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયા કરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મંગળવારે સુરત શહેરમાં કોરોનામાં ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. આ ત્રણેય દર્દીની રાત્રિ સુધીમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જો કે, મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા કોવિડના ડેઇલી રિપોર્ટમાં આ મોત દર્શાવવામાં આવ્યાં ન હતાં. નવી સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં મંગળવારે સાંજે સાડા સાત વાગ્યા સુધીમાં નવસારી બજાર વિસ્તારના 67 વર્ષિય આધેડ કે જેમણે કોરોનાના બંને ડોઝ લીધા હતા તેમનું મોત થયું હતું. આ ઉપરાંત વેડ રોડનો 44 વર્ષિય પુરુષ પણ મોતને ભેટ્યો હતો. તેમણે પણ કોરોનાની રસી લીધી હતી. ઉપરાંત એક 70 વર્ષિય વૃદ્ધ પણ મોતને ભેટ્યો હતો તેમણે કોરોનાની વેક્સિન લીધી ન હતી.

સુરત જિલ્લામાં કોરોનાના નવા 28 પોઝિટિવ કેસ મળ્યાં
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના નવા 28 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 43407 થઇ છે. જિલ્લામાં તાલુકાવાર કેસ જોઇએ તો બારડોલી તાલુકામાં 3, ચોર્યાસી તાલુકામાં 5, કામરેજ તાલુકામાં 8, માંડવી તાલુકામાં 1, માંગરોળ તાલુકામાં 2, ઓલપાડ તાલુકામાં 5 અને પલસાણા તાલુકામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા કુલ એક્ટિવ કેસની સંખ્યા 174 અને મરણાંક 559 થયો છે. જિલ્લામાં આજે 12 પેશન્ટ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે કુલ સાજા થયેલા પેશન્ટની સંખ્યા 42674 થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રોજે રોજ કોરોનાના કેસમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.

અમદાવાદ મનપામાં 308 સહિત રાજ્યમાં કોરોનાના નવા 787 કેસ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધીને 787 થઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 308 કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 659 કોરોના દર્દી સાજા પણ થયા છે. કોરોનાના નવા કેસ નોંધાવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 4,896 થઈ છે. જેમાંથી પાંચ દર્દી વેન્ટિલેટર પર છે. મંગળવારે અમદાવાદ મનપામાં 308, સુરત મનપામાં 57, મહેસાણામાં 55, વડોદરા મનપામાં 44, રાજકોટ મનપામાં 39, સુરત ગ્રામ્યમાં 28, ગાંધીનગર મનપામાં 25, ભાવનગર મનપામાં 22, ભરૂચ, વડોદરા ગ્રામ્યમાં 21, જામનગર મનપામાં 19, ગાંધીનગર ગ્રામ્યમાં 17, કચ્છ, પાટણમાં 16, રાજકોટ ગ્રામ્યમાં 14, વલસાડમાં 12, મોરબી, નવસારીમાં 10, આણંદમાં 9, અમદાવાદ ગ્રામ્યમાં 7, અમરેલીમાં 6, ખેડા, સુરેન્દ્રનગરમાં 5, બનાસકાંઠામાં 4, અરવલ્લી, પોરબંદરમાં 3, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, સાબરકાંઠા, તાપીમાં 2, દાહોદ, જૂનાગઢ મનપા, મહીસાગરમાં 1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં વધુ 71,862 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 11,26,39,058 લોકોને રસી અપાઈ છે.

Most Popular

To Top