Columns

મ્યુઝિયમની સાથે હવે ઝૂને પણ કરો ગુડબાય…?!

એક જમાનામાં જે અગત્યનું જણાતું હોય એ સમય વીતતા જરીપુરાણું થઈ જાય. એક સમય એવો હતો જ્યારે દરેક દેશ માટે મ્યુઝિયમ અતિ અગત્યનાં ગણાતાં. આપણી સંસ્કૃતિ-કળા-ઈતિહાસને જાળવી રાખવા માટે સંગ્રહસ્થાન ભવ્ય ભૂતકાળ – વર્તમાનથી લઈને ભાવિને સાંકળી લેતી એક અતિ અગત્યની કડી ગણાતી. વિરાસત-વારસાને અકબંધ જાળવી રાખવા વિધિસર સંગ્રહાલય ઊભાં કરવાં-રચવાં એ પ્રત્યેક દેશનો રાષ્ટ્રીય ધર્મ ગણાતો. આનું પાલન જબરાં સંશોધન અને ચુસ્ત અનુશાસન સાથે થતું. સમય પલટાયો. ઈલેકટ્રોનિક શોધખોળના પગલે પગલે ડિજિટલ યુગ પણ પ્રવેશી ગયો. આ ડિજિટલ વિજ્ઞાને અનેક કામ સરળ-સસ્તા ને ઝડપી કરી દીધા. આને કારણે હવે આજની યુવા પેઢીમાં એક નવો જ વિચાર રમવા માંડયો કે આટલી વિશાળ જગ્યામાં પથરાયેલાં અસંખ્ય-અગણિત ઐતિહાસિક વસ્તુઓની ગોઠવણી-જાળવણી પાછળ અનેક લોકોની જબરી જહેમત અને એ પણ વર્ષોથી વધતા જ્તાં લખલૂટ ખર્ચાની હવે જરૂર છે ખરી?

 જો કે બીજી તરફ, આવાં સંગ્રહાલયોની તરફેણ કરતો પણ એક વર્ગ છે. એ કહે છે કે ઈતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં વાંચેલા કે પછી ફિલ્મોમાં જોવાં મળેલાં અકબરનાં ભારેખમ બખ્તર કે ટીપુ સુલતાનની જીવલેણ તીક્ષ્ણ તલવાર કે પછી ઈજિપ્તનાં અતિ પ્રાચીન મમીથી લઈને સૌ પ્રથમ ચન્દ્રયાત્રા કરી ધરતી પર પરત થયેલું ‘એપોલો-૧૧’ યાન આજે આપણને મ્યુઝિયમમાં સાક્ષાત નજરોનજર નિહાળવા મળે છે. એના જેવી અનેક ઐતિહાસિક ક્ષણ સાક્ષાત જીવવાનો કેવો અનન્ય રોમાંચ થાય?!  સામે પક્ષે એક વર્ગ એવો પણ છે જે કહે છે આપણી કળા-સંસ્કૃતિની આ બધી વિરાસત આપણે ડિજિટલરૂપે સાચવી શકીએ અને ઈચ્છો ત્યારે માત્ર એક ક્લિક દ્વારા એને જોઈ શકીએ- જોઈતી માહિતી મેળવી પણ શકીએ…. જો આ બધું આટલું સહજ રીતે પ્રાપ્ત થઈ શકતું હોય તો પછી લાંબાં-પહોળાં- ખર્ચાળ મ્યુઝિયમની શું જરૂર?

આ વિચારધારાને અનુસરીને અસંખ્ય ઐતિહાસિક વસ્તુઓને ડિજિટલરૂપે અકબંધ સાચવી લઈને ઘણા દેશમાં નાનાં નાનાં મ્યુઝિયમ આટોપી લેવામાં આવ્યાં છે. એક અંદાજ મુજબ અનેકવિધ વિષયને આવરી લેતા વિશાળથી લઈને નાનાં કદનાં પણ આજે જગતના 202 દેશમાં 55,000થી વધુ મ્યુઝિયમ છે. એ જ રીતે,પૌરાણિક વારસો ધરાવતા આપણા દેશમાં પણ આશરે 800 સંગ્રહાલય આજે મોજૂદ છે.એટલું સારું છે કે આપણે ત્યાં આ મ્યુઝિયમો પર તાળા લગાડી દેવાની કોઈ વૈચારિક ચળવળ હજુ શરૂ નથી થઈ…. જો કેજેમ મ્યુઝિયમોને આટોપી લેવાની ચર્ચા ચાલી રહી છે એ જ રીતે બીજી પણ એક અમુક અંશે રસપ્રદ છતાં વિવાદાસ્પદ ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે. એ છે આજના જમાનામાં ઝૂ એટલે કે પ્રાણીસંગ્રહાલયોની પણ જરૂર કેટલી?!

આ વાત કે ચર્ચા પણ જિજ્ઞાસા જગાડે એવી છે કારણ કે પ્રાણીસંગ્રહાલયોની સાથે પર્યાવરણની વાત પણ અનાયાસ સંકળાઈ ગઈ છે. એ બન્ને કઈ રીતે સંકળાઈ ગયા એની વાત પર પછી આવીએ. એ પહેલાં જાણી લેવું જરૂરી છે કે ઝૂની જરૂર કેમ પડી? આની પાછળ સરળ તર્ક એવો છે કે આદિ જમાનાના માનવના શક્તિશાળી શત્રુ કેટલાંક જંગલી પશુ-પ્રાણી હતાં, જેમની સાથે પોતાના અસ્તિત્વ માટે માનવીએ ઝઝૂમવું પડતું. કાળક્રમે કેટલાંકને હંફાવીને એના પર કબજો મેળવી એમને પાળતું બનાવ્યાં તો જેમને આસાનીથી પાળી ન શકાય એવાં અમુક ખૂંખારને એક યા બીજી રીતે પરાજિત કરી બંધક બનાવ્યાં. આમ સમય જતાં પોતાનાં શૌર્ય વત્તા અહમમાંથી પ્રાણીસંગ્રહાલય ‘પેદા’ થયાં.

આમ જુઓ તો આવાં આવાં સંગ્રહાલયનો પ્રારંભ છેક ઈશુ જન્મના 2500 વર્ષ પૂર્વે ઈજિપ્ત -મેસોપોટેમિયામાં થયો હતો એવું ઈતિહાસે નોંધ્યું છે. એ જમાનામાં જીરાફ-રીંછ-હાથી ઈત્યાદિને શ્રીમંતો પોતાને ત્યાં રાખતાં. એ પછી 1752માં વિશ્વનું સર્વ પ્રથમ સત્તાવાર ઝૂ વિયેનામાં શરૂ થયું જે આજે પણ કાર્યરત છે…! ત્યાર બાદ તો યુરોપમાં ઝૂની હારમાળા શરૂ થઈ. એમાંથી મોટાભાગનાં પ્રાણીસંગ્રહાલય લંડનના સૌથી જૂના રિજન્ટ પાર્ક ઝૂને નજર સામે રાખીને બનાવવામાં આવ્યાં છે અને છેલ્લામાં છેલ્લા 2021ના સર્વે મુજબ આજે જગતમાં 10 હજારથી વધુ પ્રાણીસંગ્રહાલય છે,જેમાં સૌથી વધુ (371) અમેરિકામાં છે. ત્યાર પછી જર્મનીમાં (309) ઝૂ છે. એ જ રીતે જપાન પણ 89 ઝૂ ધરાવે છે. ભારતમાં 347 જેટલાં ઝૂ છે પણ એમાંથી માત્ર 164ને સત્તાવાર માન્યતા મળી છે. આ બધા વચ્ચે, મ્યુઝિયમની જેમ – એના સમાંતરે ઝૂની પણ જે ચર્ચા-વિચારણા ચાલી રહી છે કે આજના જમાનામાં નવાં પ્રાણીસંગ્રહાલય બનાવવાની કે હયાત છે એની જાળવણી કરવી કેટલી જરૂરી?

પ્રાણીપ્રેમીઓ તથા મૂંગાં પશુ-પ્રાણી પર થતાં અત્યાચાર વિરૂદ્ધ ઝુંબેશ ચલાવનારી સંસ્થાઓ પહેલેથી જ ઝૂને એક ‘કાયમી નજરકેદ’ રાખવાનાં સ્થળ તરીકે ઓળખાવે છે. આમ છતાં, પ્રાણીના સંગ્રહાલયના પક્ષમાં અને એની વિરૂદ્ધમાં સતત જાતભાતની દાખલા-દલીલો ચાલ્યા જ કરે છે. ઝૂની તરફેણ કરનારા કહે છે : ‘શહેરી ઉછેર થયો છે એવાં બાળકો TV શોમાં પશુ-પ્રાણીને જરૂર નિહાળે છે પણ જંગલમાં વસતાં પ્રાણીને આટલા નજીકથી રૂબરૂ જોવાં-સમજવાં માટે આવાં ઝૂની તાતી જરૂર છે…’. એમની બીજી દલીલ એ છે કે વધતાં જતાં પ્રદૂષણને તથા વણસી રહેલાં પર્યાવરણને લીધે જંગલનાં અનેક પ્રાણીઓની વસતિ ઝડપભેર ઘટી રહી છે.

એમનું અસ્તિત્વ ખતરામાં છે. નિષ્ણાતોના અંદાજ મુજબ છેલ્લાં 500 વર્ષમાં 800 જેટલાં જાનવરોની પ્રજાતિ – વંશજ લુપ્ત થઈ ગયાં છે અને જે ઓછાં બચ્યાં છે એ પણ ઝડપથી નિકંદનના આરે પહોંચી ગયાં છે. એમને અને એનાં જેવાં બીજાંને ઉગારવા માટે પણ આધુનિક પ્રાણીસંગ્રહાલયની તાકીદે જરૂર છે.… ઝૂના તરફેણકારોની ત્રીજી દલીલ એવી છે કે આવાં સુરક્ષિત સ્થળે જ એમની આયુ કેમ વધારવી એને લગતાં વૈજ્ઞાનિક પ્રયોગ- સંશોધન થઈ શકે. અમેરિકા તો વાર્ષિક 2.50 કરોડ ડોલરથી પણ વધુ ખર્ચે આવાં સંશોધન કરે છે અને જાનવર દ્વારા માનવીને થતાં રોગ-બીમારીનાં પગેરું અને એને નિવારવાના તબીબી ઉકેલ પણ શોધે છે….

હકીકતમાં ‘આજે ઝૂની જરૂર કેટલી?’ની ચર્ચા તાજેતરમાં એટલા માટે શરૂ થઈ કારણ કે બિહાર સરકારે એના રાજગીર જેવા રમણીય પર્વતીય વિસ્તારમાં ઝૂ તેમજ સફારી પાર્કનું આયોજન કર્યું છે. આના માટે સ્થાનિક સરકારે આફ્રિકાથી કેટલાંક પ્રાણી મંગાવ્યાં છે. એને લઈને પ્રાણીપ્રેમી-જીવદયા સંસ્થાઓએ ઊહાપોહ શરૂ કર્યો છે. બિહાર સરકારની સમાંતરે ઉદ્યોગસાહસિક મુકેશ અંબાણીનું ‘રિલાયન્સ’ જૂથ પણ જામનગરમાં તૈયાર થઈ રહેલાં ઝૂ માટે જ્થ્થાબંધ પ્રાણીઓ આયાત કરી રહ્યું છે એટલે એ પણ સમાચારોમાં ચમક્યું છે. અંબાણી પરિવારના સૌથી નાના નબીરા અનંતના નેજા હેઠળ આકાર લઈ રહેલાં ભારતના આ 330 એકરના સૌથી વિશાળ ઝૂ માટે અનેક દેશમાંથી આપણાં પ્રાણીસંગ્રહાલયમાં જોવા ન મળે એવાં આફ્રિકા-રશિયા-મેક્સિકો જેવા દેશોમાંથી વનરાજ-વાઘ- ચિત્તા-રીંછ-કાળાં હરણ–એનાકૉન્ડા(સૌથી તગડો-વિકરાળ અજગર્)- શિયાળ ઈત્યાદિ એવાં જાતભાતનાં 300 જેટલાં પ્રાણી વારાફરતી ભારત આવી રહ્યાં છે….

સામાન્ય રીતે આજના મૉર્ડન ઝૂમાં પશુ કે પ્રાણી જેતે સ્થળેથી કે દેશમાંથી સ્થળાંતર કરી પ્રાણીસંગ્રહાલયમાં આવ્યું હોય એને જન્મસ્થળ જેવું જ આબેહૂબ વાતાવરણ-માહોલ વચ્ચે જ રાખવાની ગોઠવણ કરવામાં આવે છે. આમ છતાં,આવાં આયાતી કે દેશી જાનવર -પ્રાણીઓને એમનાં નૈસર્ગિક વાતાવરણમાંથી વિખૂટાં પાડી પિંજરામાં કેદ કરવાની માનવવૃત્તિનો અનેક ‘ઍનિમલ લવર્સ’ ગ્રુપ સખત વિરોધ કરે છે. એ લોકો કહે છે કે લૅટેસ્ટમાં લૅટેસ્ટ ટેક્નિકથી ઝૂને ગમે તેટલું અતિ આધુનિક બનાવીએ છતાં નૈસર્ગિક -કુદરતી વાતાવરણમાંથી છૂટું પડીને ઝૂના કૃત્રિમ વાતાવરણમાં એને ગોઠતું નથી એ હકીકત છે.

થોકબંધ વૈજ્ઞાનિક -તબીબી તારણો દર્શાવી ઝૂનો પ્રતિરોધ કરનારા અભ્યાસુઓ કહે છે કે સંગ્રાલયમાં પ્રાણીનું બહુ ઝડપથી વજન વધે છે. પરિણામે માણસની જેમ જ એ પણ ઢગલાબંધ તબીબી સમસ્યાથી પીડાય છે. હૃદયરોગનું એ ભોગ બને છે. પીંજરું ગમે તેટલું મોટું હોય છતાં એ બંધિયાર જગ્યાને લીધે મનોમન અકળાય છે. હાડકાં-દાંતની બીમારી એને વધુ પજવે છે. ઝૂની અંદર પ્રાણીની સાયુજય અને પ્રજનનશક્તિ ક્ષીણ થાય છે- પ્રજોત્પત્તિ ઘટે છે. ટૂંકમાં,અહીં એની આવરદા ટૂંકાઈ જાય છે. જંગલ કરતાં અહીં એ ઓછું જીવે છે. …આ વિષમ હકીકત આંકડાથી પણ પુરવાર થઈ છે.

પશુ-પ્રાણીના મુકત જીવન માટે હિમાયત કરતા લોકો આજે એક વાત વારંવાર કહે છે : ‘આપણી આસપાસના વાતાવરણને પ્રદૂષણમુકત કરી ધરતીનું પર્યાવરણ વધુ ચોક્ખું કરવા આપણે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે પ્રાણીને કેદ કરી એનાં પીંજરાને વધુ આધુનિક બનાવવા સતત જંગી ખર્ચ કરીએ છીએ. એને બદલે પ્રાણીને જયાંથી આપણે લાવ્યાં છીએ એ જ વન-જંગલને વધુ ને વધુ સ્વચ્છ બનાવીએ તો માનવી અને પ્રાણી બન્નેને જિંદગીનાં અનેક વણમાંગ્યાં બૉનસ મળી જશે…!

Most Popular

To Top