Gujarat

61માં જન્મદિવસે મુખ્યમંત્રીએ દેવદર્શન કર્યા, રાજ્યમાં પૂરને કારણે ઉજવણી ટાળી

ગાંધીનગર: તા. ૧૫મી જુલાઈ ૧૯૬૨ના દિવસે જન્મેલા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પોતાનો ૬૧મો જન્મદિવસ (Birthday) સાદગીપૂર્ણ રીતે ઉજવ્યો (Celevrate) હતો. ‘દાદા’ના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલ છેલ્લા દસ મહિનાથી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની (Gujarat) સેવા કરી રહ્યા છે. સાલસ અને સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલે અડાલજના ત્રિ-મંદિરે દેવ દર્શન કરી પોતાનો દિવસનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓ દિવસભર વહિવટી કામકાજમાં વ્યસ્ત રહ્યા હતાં. દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના 8 જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પૂરની સ્થિતિના પગલે મુખ્યપ્રધાને જન્મદિનની ઉજવણી ટાળી દીધી હતી.

મુખ્યમંત્રી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની વિગતો દિવસ દરમિયાન સતત મેળવતા રહ્યા હતાં. આ જિલ્લાઓના કલેક્ટરો અને તંત્રવાહકો સાથે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તેમણે પરામર્શ પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદના પાલડી ખાતે આવેલા અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્ય કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલી પોસ્ટ મોન્સુન કામગીરીની વિગતો આ મુલાકાત દરમ્યાન મેળવી હતી.

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સની રાજ્યમાં પ્રગતિની સમીક્ષા બેઠકનો દોર ગાંધીનગર નિવાસસ્થાને ચાલ્યો હતો. મુખ્યમંત્રીએ IIT RAM, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, મોઢેરા ડેવલોપમેન્ટ, અંબાજી મંદિર ડેવલોપમેન્ટ જેવા અતિ મહત્વના અને પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ્સ સમાન પ્રકલ્પોની સમિક્ષા કરી હતી.રાજ્યના મહાનગરોમાં મેટ્રોરેલના નિર્માણની કામગીરીનો ચિતાર પણ તેમણે આ સમીક્ષા બેઠકો દરમિયાન મેળવ્યો હતો.

મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોએ ટેલિફોન કરીને પાઠવી હતી. મુખ્યમંત્રીએ આ તબક્કે પીએમ મોદી સહિત સૌની શુભેચ્છાઓનો આભાર માન્યો હતો અને ગુજરાતની વિકાસ યાત્રાને વધુ ઉન્નત બનાવવામાં તે સૌનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

Most Popular

To Top