નવી દિલ્હી(New Delhi): છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતીય ચલણ(Indian Currency)ની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રૂપિયો સતત નીચલી સપાટીએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર નિશાન સાધી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન, ડોલર (USD) સામે રૂપિયો 5 રૂપિયાથી વધુ તૂટ્યો છે અને પ્રથમ વખત તે ડોલર(Dollar) સામે 80ને પાર કરવાની નજીક છે. જો આપણે અન્ય ઘણા દેશો પર નજર કરીએ તો, ડૉલર હજુ પણ તેમના ચલણ કરતાં વધુ સારી સ્થિતિમાં છે.
આ કારણોસર ડૉલર મજબૂત થઈ રહ્યો છે
હકીકતમાં બદલાતી પરિસ્થિતિએ સમગ્ર વિશ્વ પર મંદીનું જોખમ ઊભું કર્યું છે. અમેરિકામાં મોંઘવારી(US Inflation) 41 વર્ષની ટોચે છે. આને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજદર(Federal Reserve Rate Hike)માં ઝડપથી વધારો કરી રહ્યું છે. ફુગાવાના તાજેતરના આંકડા બાદ અમેરિકામાં વ્યાજ દરમાં એક ટકાનો વધારો થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા(America)માં વ્યાજદરમાં વધારાનો ફાયદો ડોલરને મળી રહ્યો છે. મંદીના ડરથી વિદેશી રોકાણકારો ઊભરતાં બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે અને સલામત રોકાણ તરીકે ડૉલર ખરીદી રહ્યાં છે. આ ઘટનાએ ડોલરને અણધારી રીતે મજબૂત બનાવ્યો છે. આ કારણોસર ઘણા દાયકાઓ પછી પ્રથમ વખત ડોલર અને યુરો લગભગ સમાન થઈ ગયા છે, જ્યારે યુરો(Euro) ડોલર કરતાં વધુ મોંઘું ચલણ હતું.
રૂપિયાની કિંમત આટલી ઘટી ગઈ
ભારતની વાત કરીએ તો એક વર્ષ પહેલા ડોલર સામે રૂપિયો 74.54 ના સ્તરે હતો. અત્યારે તે 79.90 પર પહોંચી ગયો છે અને ગમે ત્યારે 80ને પાર કરી શકે છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો ડોલર સામે 6.6 ટકા નબળો પડ્યો છે. જો અન્ય પાડોશી દેશોની કરન્સીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન સૌથી ખરાબ પ્રદર્શન કરનારની યાદીમાં પાકિસ્તાનનું ચલણ સામેલ છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં ડૉલર સામે 31.65 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા એક ડોલરની કિંમત 159.10 પાકિસ્તાની રૂપિયા હતી જે હાલમાં 209.46 પાકિસ્તાની રૂપિયાની બરાબર છે.
શ્રીલંકાની સૌથી ખરાબ હાલત
આ દરમિયાન અન્ય એક પાડોશી દેશ નેપાળનું ચલણ પણ તૂટ્યું છે. એક વર્ષ પહેલા નેપાળી રૂપિયો ડોલર સામે 117.70 હતો. અત્યારે તે ડોલર સામે 127.66 પર પહોંચી ગયો છે. આ રીતે, નેપાળનું ચલણ છેલ્લા એક વર્ષમાં લગભગ 8.50 ટકા જેટલું નબળું પડ્યું છે. સૌથી ખરાબ સ્થિતિ શ્રીલંકામાં છે. આઝાદી પછીના સૌથી મોટા આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા આ પાડોશી દેશની ચલણ શ્રીલંકાના રૂપિયાના મૂલ્યમાં આ સમયગાળા દરમિયાન લગભગ 84 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષ પહેલા, એક ડોલરની કિંમત 196.55 શ્રીલંકન રૂપિયાની બરાબર હતી, જે હવે 360.82 શ્રીલંકન રૂપિયાની બરાબર થઈ ગઈ છે.
નેપાળ, અફઘાનિસ્તાનનું ચલણ ઘટ્યું
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશોમાં પણ સ્થિતિ સારી નથી. એક વર્ષ પહેલા એક ડોલરની કિંમત 83.27 બાંગ્લાદેશી ટાકા હતી, હવે તે 93.91 ટાકા છે. આ રીતે, આ સમયગાળા દરમિયાન ટકની કિંમત ડોલર સામે 12.77 ટકા ઘટી છે. તાજેતરમાં રાજકીય અસ્થિરતામાંથી પસાર થયેલા અફઘાનિસ્તાનની કરન્સી પણ ખરાબ હાલતમાં છે. એક વર્ષ પહેલા અફઘાન અફઘાની ડોલર સામે 79 ના સ્તરે હતો. તે હવે 25.64 ટકા ઘટીને 87.95 પર આવી ગયો છે.