ગાંધીનગર: ભરૂચના (Bharuch) દહેજ PCPIRમાં રૂ. ૬૦૦ કરોડના રોકાણ (Invest) સાથે આકાર પામેલા નવિન ફલોરિન ઇન્ટરનેશનલના નવા પ્લાન્ટનો ગાંધીનગરથી (Gandhinagar) વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની ”મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ફોર ધ વર્લ્ડ”ની નેમ આ પ્લાન્ટમાં ઉત્પાદિત થનારા HFO કેમિકલ સહિતના કેમિકલની વિશ્વમાં નિકાસથી સાકાર થશે.
તેમણે કહ્યું હતું કે, આખા વિશ્વમાં એક્સપોર્ટ કરનારા આ પ્લાન્ટનો પ્રારંભ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રમાં નવી યશકલગી બનશે. ખાસ કરીને આ પ્લાન્ટમાં ઉત્પાદન થનારૂં HFO કેમિકલ એ કાર્બન ઉત્સર્જન ઘટાડનારૂં કેમિકલ છે અને રાજ્ય સરકાર પણ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૧ હજારથી વધુ કેમિકલ ઉત્પાદન એકમો સાથે ગુજરાત દેશના કેમિકલ ઉત્પાદનના ત્રીજા ભાગનું ઉત્પાદન કરતું રાજ્ય છે, એટલું જ નહિ, રાજ્યના ગ્રોસ સ્ટેટ વેલ્યુએડિશનમાં કેમિકલ ક્ષેત્રનું ર૪ ટકા યોગદાન તેમજ દેશના કેમિકલ એક્સપોર્ટમાં ૪૧ ટકા ઇનઓર્ગેનિક અને ૩૮ ટકા ઓર્ગેનિક કેમિકલ એક્સપોર્ટ એકલું ગુજરાત કરે છે.