‘તેમ આડા તેડા બાત કર કે રૂપા વાલી બાત બદલને કે ચક્કર મેં હૈ!’ શિંદેએ સીધો આરોપ મૂક્યો.
હવાલદાર શિંદે અને લૈલા, બન્ને મારા ચાના નિયમિત ગ્રાહકમાંથી મિત્ર બની ગયેલા જણ અને રૂપા એટલે બાજુના કમ્પાઉન્ડમાં વડાપાઉંનો સ્ટોલ ચલાવતી સુરતી છોકરી.
શિંદે અને લૈલાની માન્યતા એ હતી કે હું રૂપાને પસંદ કરું છું અને એમ કબુલ કરવાની મારી હિમ્મત નથી તેમ જ રૂપા પણ મને પસંદ કરે છે અને મારી પહેલની રાહ જોઈ રહી છે.
મેં કહ્યું કે રૂપા દેખાય છે એટલી સરળ નથી ત્યારે શિંદેએ મારા પર આરોપ મૂકી દીધો કે હું વાત ખોરંભે ચડાવવા માંગુ છું.
અચાનક શિંદેએ મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, એ ચા પી રહેલા એક ગ્રાહકને તાકી રહ્યો હતો. એ નવયુવાન પોતાના મિત્રો જોડે વાત કરી રહ્યો હતો. એના પરથી નજર ન હટાવતા શિંદેએ મને પૂછ્યું. ‘યે લડકા કૌન હૈ? તુમ જાનતે હો?’
મેં એ યુવાનને જોતાં શિંદેને કહ્યું. ‘નહીં યહાં પહેલી બાર ચાય પીને આયા. ક્યોં?’
શિંદે એ લોકો નજીક ગયો. ત્રણે પોતાની વાત અટકાવી શિંદે સામે જોવા માંડ્યા. શિંદેએ પેલા યુવાનને પૂછ્યું.
‘તુમ્હારા નામ ક્યા હૈ?’
‘સલામ.’
‘સલામ બાદ મેં કરના, નામ બતાઓ અપના…’
‘વો હી બતાયા. મૈને સલામ નહીં કિયા, મેરા નામ સલામ હૈ.ક્યોં?’
‘સલામ?’શિંદેએ એને આઘાત સાથે પૂછ્યું. ‘તુમ્હારા નામ સલામ હૈ?’
‘હાં, પ્રોબ્લેમ ક્યા હૈ?’એ ત્રણે જણ શિંદે સામે જોઈ રહ્યા.
‘પ્રોબ્લેમ કુછ નહીં.’શિંદેએ પોતાના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી પરસેવો લૂછતાં કહ્યું. ‘કુછ ગલત ફહમી હો ગઈ. સોરી.’અને અમારી પાસે પાછો આવી ગયો.
લૈલાએ એને પૂછ્યું. ‘ક્યા હુઆ?’
‘કુછ નહીં, કુછ નહીં…’અને મને પૂછ્યું ‘હાં તો તુમ ક્યા બાત કો પલટી મારતા હૈ? રૂપા કોઈ સીધી સાદી લડકી નહીં હં ? બતા હમકો વો કૌન સી બડી તોપ હૈ? જરા હમ ભી સુને?’
લૈલા અને શિંદે મારી સામે કંઈક કુતૂહલ અને કંઈક અવિશ્વાસથી જોઈ રહ્યા હતા. મેં કહ્યું. ‘બાત નંબર એક- વો કિસી કો પ્યાર કરતી હૈ ઔર ઉસે ઢુંઢને મુંબઈ આઈ હૈ.’
‘ઉસકા જવાબ મૈને દે દિયા, વો ફેક મારતી હૈ -આગે બોલ.’
‘રૂપા કી એક્ટિવિટી ડાઉટફુલ હૈ. વો વડાપાઉં કે અલાવા બહુત કુછ કર રહી હૈ.’
લૈલા આ સાંભળી નવાઈ પામી. શિંદેએ પૂછ્યું. ‘ઔર ક્યા કરતી હૈ બતાઓ?’
‘તુમ પૂછ રહે હો શિંદે? તુમને તો બતાના ચાહિયે કી રૂપા ક્યા કરતી હૈ!’
શિંદે અકળાઈને બોલ્યો. ‘મૈ!ક્યા બતાઉં મૈં ?’
મેં લૈલાને મહિનાઓ અગાઉનો એક કિસ્સો કહ્યો જેમાં શિંદે અને હું રૂપાના પ્રેમીને શોધતા અંધેરી ઉપનગર ગયા હતા અને ત્યાં નશીલા પદાર્થો હેરફેર કરતો માણસ અમને ભટકાયો હતો અને રૂપા એ માણસનો પીછો કરી રહી હતી. શિંદે તરફ જોઈ મેં પૂછ્યું. ‘યાદ આયા?’
‘યાદ હૈ. યાદ હૈ.’શિંદેએ કહ્યું અને લૈલાને કહેવા માંડ્યો. ‘યે બોલા વો બાત બરાબર પર વો લડકી રૂપા થી કી નહીં વો અબ તક ડાઉટફુલ હૈ, વો લડકીને બુરખા પહના થા, વો રૂપા હૈ એસા હમ કો લગા પર હો યહ જરૂરી નહીં.’
‘ઔર નહીં હો યહ ભી જરૂરી નહીં -બરાબર?’
‘અબ તુમ જબરદસ્તી રૂપા કો વિલન બના રહે હો.’સહેજ ચીઢ સાથે શિંદેએ કહ્યું.
‘ઠીક હૈ. અભી કુછ દિન પહેલે કી બાત હૈ, તુમને હી મુઝે બતાયા કી રાત કો સાવ ગ્યારહ બજે રૂપા કો મિલને કોઈ ઔરત આઈ થી ઔર ફિલ્મી સ્મગલર લોગોં કી તરહ દોનોંને આપસ મેં કોઈ બાત નહીં કિયા – બસ રૂપાને ઉસ ઔરત કો એક ખાખી પેકેટ દિયા ઔર વો ઔરત ઉસે લે કર વાપસ ચલી ગઈ. -યે બાત કા ક્યા?’
લૈલા પણ શિંદે સામે જોઈ રહી કે એ શું જવાબ આપે છે.
શિંદેનો અવાજ સહેજ ઢીલો પડી ગયો. એ બોલ્યો. ‘બાત સહી હૈ, યહ મૈને ખુદ દેખા થા. પર ઇસમેં બેનિફિટ ઓફ ડાઉટ દેના પડેગા ક્યોંકિ ઉસ પેકેટ મેં ક્યા થા યહ હમ લોગ નહીં જાનતે.’
‘યહી તો ગડબડ બાત હૈ ભાઈ.’મેં કહ્યું. ‘પેકેટ મેં ક્યા થા યહ હમ નહી જાનતે તો બેનિફિટ ઓફ ડાઉટ નહીં યહ ડાઉટ કા મામલા હૈ.’
શિંદે કશો જવાબ ન આપી શક્યો. થોડી પળ શાંત વીતી પછી લૈલાએ મને કહ્યું.
‘બધી વાતો ગોળ ગોળ છે. રૂપા કશુંક અનુચિત કામ કરે છે એમ ચોક્કસ કહી શકાય એવી કોઈ મજબૂત સાબિતી નથી. એ બધું પછી, પહેલા તમે કહો તમે રૂપા વિશે શું વિચારો છો?’
‘આમાં મારા વિચારની ક્યાં વાત આવી!’મેં પૂછ્યું.
‘તો તમે રૂપા વિશે કશું વિચારતા નથી? એના માટે સોફ્ટ કે અન્ય કોઈ પ્રકારની તમને લાગણી નથી?’લૈલા મારા મોઢે તડ કે ફ્ડ કરાવવા માંગતી હતી. શિંદે પણ મને જોઈ રહ્યો જાણે વિચારતો હોય કે -હવે શું બોલશે આ!
મેં એ બંનેની સામે જોયું પછી ઉકળતી ચામાં ચમચો ફેરવતા કહ્યું.
‘રૂપા વિશે વિચારું ત્યારે મને જે લાગણી થાય છે તે-’
ઈરાદા પૂર્વક વાક્ય અધૂરું રાખી મેં દૂર બેઠેલા ગ્રાહકને પૂછ્યું. ‘બોલો શેઠ?’
‘એક કટિંગ.’ગ્રાહકે જવાબ આપ્યો.
મેં પ્યાલામાં ચા રેડવા માંડી. આ અણધાર્યા વિક્ષેપથી લૈલા અને શિંદે, બન્ને અકળાયા. પણ શું બોલે! આખરે આ મારો ધંધો હતો! એ પહેલા પછી બીજું બધું એ તો એ લોકો પણ સમજતા હતા. હું મનમાં મલકાતો એ ગ્રાહકને ચા આપવા ગયો. અને ચૂલા પાસે પાછો આવી ચા ઉકાળવા લાગ્યો ત્યારે ધીરજ ખોઈ શિંદેએ પૂછ્યું. ‘અરે અપના બાત તો ખતમ કરો!’
‘બોલો? ચા જોઈએ છે કે આમ જ ગપ્પા મારવા આવ્યા છો?’મેં શિંદેની પાછળ નજર નાખતા કહ્યું. શિંદેએ ચિઢાઇને મ્હોં ફેરવી જોયું કે હવે હું કોની સાથે વાત કરું છું. પાછળ રૂપાને ઉભેલી જોઈ એ ડઘાઈ ગયો.
‘આટઆટલા લોકોની ચા બનાવવા હારુ ટ્રાયલ લીધી ને છેલ્લે કેમ પોતે જ ચા ઉકાળવી પડે!’રૂપાએ પૂછ્યું.
મેં રૂપાને જવાબ ન આપતા લૈલા અને શિંદે સામે જોયું. પછી રૂપાને કહ્યું. ‘ચા બનાવવાની ટ્રાયલ વિશે આ બંને જણાવશે.’
રૂપાએ શિંદે અને લૈલા સામે જોયું. એ બંનેએ રૂપાને કહી દીધું કે કઈ રીતે ટ્રાયલ વાળી વાત ગપ્પુ હતી. સાંભળ્યા બાદ રૂપા વધુ અપસેટ થઈ પણ બેફિકરાઈનો દેખાવ કરતા બોલી. ‘જે હોય તે મારે હું!’અને પાછી પોતાના સ્ટોલ તરફ ચાલી ગઈ.
રૂપાના ગયા બાદ એક ઊંડો શ્વાસ લઇ લૈલા બોલી. ‘આ છોકરીના વર્તનમાં ચોખ્ખું દેખાય છે કે એને તમારામાં રસ છે અને તમે તમારા મનની વાત સ્પષ્ટ કરતા નથી!’
‘કરું સ્પષ્ટ?’મેં બન્ને સામે જોતા પૂછ્યું.
‘બોલના રે બાબા, કબ સે વો ઈચ તો પૂછ રહે હૈ!’શિંદેએ વ્યગ્ર થઈ કહ્યું.
‘રૂપાને જોઈ ન તો મને કોઈ સોફ્ટ લાગણી થાય છે ન અન્ય કોઈ, મને એને જોઈને ડર લાગે છે.’
શિંદે અને લૈલા બન્ને ચમક્યા. ‘ડર શેનો?’
મેં મારો મોબાઈલ કાઢી એ બન્નેને એક ફોટો બતાવ્યો. ફોટો જોતા લૈલા બોલી. ‘કોઈ ચોપડીનો ફોટો છે.’
‘હા. ચોપડીનું નામ છે ‘આમ મળી હતી આઝાદી’. ગાંધીજીના અંતેવાસીઓ માંથી એક છોટુભાઈ નામના ગાંધીવાદીએ 1950ની સાલમાં આ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં ગાંધીજીના અનેક ફોટાઓ છે એમાંથી એક ફોટો આ છે. આશ્રમના લોકો સાથેનો.’
‘તો?’શિંદેએ પૂછ્યું. ‘ઉસકા અપની યે રૂપા વાલી બાત સે ક્યા લેનાદેના?’
‘ફોટો ઝૂમ કરકે દેખો ઔર ગાંધીજી કે ઉપર કી સાઈડ મેં ખડી તીસરી ઔરત કા ચહેરા ધ્યાન સે દેખો.’
બન્નેએ ફોટો ઝૂમ કરીને જોયું. અને ચમકીને બોલ્યા. ‘રૂપા?’
મેં મારો મોબાઈલ ફરી લઇ ખીસામાં મુકતા પૂછ્યું. ‘અબ સમજ મેં આયા ક્યોં ડરતા હું?’
શિંદે તો બઘવાઈ જ ગયો. લૈલાએ કહ્યું. ‘બને કે રૂપા એ સ્ત્રીની પૌત્રી હોય?’
મેં કહ્યું. ‘એવું કંઈ નથી. મેં રૂપા સાથે આડકતરી રીતે વાત કરી જાણી લીધું.’
‘મતલબ તમને શું ડર છે?’લૈલાએ પૂછ્યું.
‘મને લાગે છે કે રૂપા ભેદી છોકરી છે. કદાચ એ એ જ છોકરી છે જે ફોટામાં છે. કદાચ એ ટાઈમ ટ્રાવેલ કરી અહીં આવી છે અથવા ટાઈમ ટ્રાવેલ કરી ગાંધીજીના સમયમાં ગઈ હતી…’
‘આ શું બકવાસ વાત છે!’એમ લૈલા બોલવા ગઈ પણ તરત શિંદેએ લૈલાની વાત કાપતા કહ્યું. ‘બક્વાસ નહીં હૈ લૈલા, યહ હો સકતા હૈ. અભી વો ચાય પીતે હુએ લડકે કો મૈને નામ ક્યોં પૂછા થા માલુમ હૈ? મેરે સિનિયર થે ઇન્સ્પેકટર પાંડે. ઉસ લડકે કી સુરત બિલકુલ પાંડે સર જૈસી થી.
મૈને સોચા પાંડે સર કા બેટા યા પોતા હોગા પર ઉસને અપના નામ સલામ બતાયા.તો મૈ કન્ફ્યુઝ હો ગયા. લગતા હૈ વો ભી યહ ટાઈમ ટ્રાવેલ વાલી હી બાત હોગી.’
લૈલા અને શિંદેના મગજ ચકરાઈ ગયા.
કોણ છે રૂપા! શું ખરેખર ટાઈમ ટ્રાવેલ એટલે કે સમયની આરપાર કોઈ પ્રવાસ કરી શકે!
-એ બન્ને અત્યારે એ વાતમાં ગૂંચવાયા હતા…