રસ્તાની ધારે એ નાનકડો છોકરો ઊભો ઊભો વરસતાં વરસાદમાં પોતાની સ્કૂલબેગને તબલાં બનાવી એના પર થાપ મારતો નાચતો હતો. ક્ષણિક કાર્તિક એને જોઈ રહ્યો. દસેક વર્સનો છોકરો પોતાની મોજમાં મસ્તીમાં લીન હતો. જાણે કોઈ સાધુ જોઈ લો. ચાર-પાંચ દિવસથી સતત વરસતાં વરસાદમાં રોજ સાંજે ચાલવા જવાનો કાર્તિકનો નિયમ બે દિવસથી તૂટી ગયો હતો. ઠેર ઠેર એટલાં પાણી ભરાયા હતાં કે ઘરેથી ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી,
‘આટલાં વરસાદમાં આંટો મારવા નથી જવાનું. કશે ખાડા– બાડામાં પડ્યા તો? કોણ ચાકરી કરે?’સરોજના શબ્દોએ કાર્તિકના પગેને બ્રેક મારી દીધી હતી. જો કે એની વાત ખોટી પણ ન હતી. પતિ-પત્ની બન્ને એકલાં રહે છે. દીકરો-દીકરી સાસરે બીજા શહેરમાં, કોની પાસે સમય હોય કે એ પડે-આખડે સારવાર કરે? પણ આજે બપોર પછી વરસાદનું જોર ઓછું થયું હતું.
એટલે બાજુના ઘરે સરોજ બેસવા ગઈ એની પાછળ જ કાર્તિક નીકળી પડ્યો. રોજ એ ગાર્ડનમાં રાઉન્ડ મારતો. એના જેવા સીનિયર સિટિઝન સાથે બેસતો. ગાર્ડનમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે. એક-બે જગ્યાએ કરાઓકે પર ગીતો ગવાતા હોય! તો બીજી બાજુ યોગ કે હાસ્ય કલબની પ્રવૃત્તિઓ ચાલુ હોય! લસરપટ્ટી-હીંચકા પાસે બાળકો ધક્કામુક્કી કરતાં હોય! ભરચક્ક ગાર્ડનમાં કેટલાક યુવા પ્રેમી-પંખીડાં પોતાનું એકાંત શોધીને ગુટરગુ કરવામાં મસ્ત હોય! બસ કાર્તિક આ બધું જોઈ આનંદ પામતો. ઘરમાં લાગતી એકલતાં જાણે ભીડમાં ઓગળી જતી લાગતી.
એટલે જ ચાહે વરસાદ હોય કે ઠંડી કે ગરમી પણ રોજ સાંજે સાડા પાંચથી સાડા સાત બે કલાક એ બગીચામાં ગાળતો. કદીક કોઈ મિત્રો મળી જાય તો સોનાની થાળીમાં સુગંધ ભળતી. પણ આજે બગીચામાં કોઈ ન હતું. માત્ર એ એકલો. એણે બે-ચાર આંટા માર્યા પણ મજા ન આવી. ઘર જેવી જ એકલતા આજે બગીચામાં હતી. કાર્તિક ગાર્ડનમાંથી બહાર આવીને રસ્તા પર ચાલવા લાગ્યો. બગીચાના પાછળના રસ્તે એ ભાગ્યે જ ગયો હશે. આજે એણે રોજના રસ્તાના બદલે પાછળનો રસ્તો પસંદ કર્યો. ગલી વળોટીને મેઇન રોડ પર આવ્યો ત્યાં જ એણે ટયુશન ક્લાસનું મોટું બીલ્ડિંગ જોયું. એની બાજુમાં આ નાનકડો છોકરો દફતરને તબલાં બનાવીને નાચતો ઊભો હતો. છોકરો કદાચ એના વાલી તેડવા આવે એની રાહ જોતો હતો. સાથે સાથે મોકો જોઈને વરસાદમાં પલળવાની તક ઝડપી રહ્યો હતો. છોકરો પોતાની મસ્તીમાં મસ્ત હતો. એને જોઈને કાર્તિક કશું વિચારતો ઊભો રહ્યો. આ છોકરાની શકલ કેમ જાણીતી લાગે છે? પાણીદાર આંખો, નમણો ચહેરો અને સહેજ ઘઉંવર્ણો વાન!
હોઠના ખૂણે કાળા તલ પર કાર્તિકની નજર ચોંટી ગઈ. અચાનક છોકરાની નજર એના પડી. એને તાકી તાકીને જોઈ રહેલો કાર્તિક ક્ષોભને છુપાવવા બોલ્યો, ‘બેટા, મજા કરે છે! બહુ સરસ!’ આ સાંભળી છોકરો ખીલ ખીલ કરતો હસી પડ્યો. એ હસ્યો અને એના ગાલમાં ખંજન પડ્યા. એ જોઈને કાર્તિકને કશુંક દિલમાં ચૂભાયું. આવા ગાલના ખાડા પર તો આખી સોસાયટી કુરબાન હતી. એને છોકરામાં રસ પડ્યો. કાર્તિક એની પાસે ઊભો રહ્યો. ‘મમ્મી-ડેડીની રાહ જુએ છે?’ ‘હા…મારી મમ્મી આજે લેટ થઈ ગઈ લાગે છે!’ પેલાએ હસીને કહ્યું. રસ્તો લગભગ નિર્જન હતો. એમાં પણ વરસતો વરસાદ, 8-9 વરસનો છોકરો અને એ પણ જાણીતી મોં-કળાનો માલિક. કાર્તિક એની પાસે ઊભો રહ્યો. ‘મારું નામ કાર્તિક છે! તારું નામ શું છે?’ ‘મારું નામ શૌર્ય છે!’
‘તું તારા નામ જેવો જ બહાદુર છે! આટલા વરસાદમાં ય ભણવા માટે આવ્યો છે ને!’ આ સાંભળી શૌર્ય મીઠું હસી પડ્યો. એ હસ્યો અને એના ગાલમાં ખાડા પડ્યા તે તરફ કાર્તિક જોઈ રહ્યો. ‘તારા ગાલમાં ખાડા પડે છે તે બહુ સરસ લાગે છે હોં બેટા!’ કાર્તિકે વખાણ કર્યાં. ‘મમ્મી કે પપ્પા? કોના જેવો દેખાય છે તું?’ આ પ્રશ્ન પર શૌર્ય સહેજ હસીને ગાલામાં ખાડા પાડીને બોલ્યો, ‘ન મમ્મી, ન ડેડી! આઈ લુક લાઈક માય દાદી!’ આ જવાબ સાંભળીને ક્ષણ માટે કાર્તિકનું હ્રદય ધબકારો ચૂકી ગયું. ‘તારી દાદીનું નામ સુજાતા છે?’ એ પૂછી બેઠો.
શૌર્ય ખુશ થઈને બોલ્યો, ‘યસ..માય દાદી મારી બેસ્ટ ફ્રેન્ડ છે!’ પોતે 60 વર્ષનો છે તો એ 64ની હશે. શૌર્ય હવે પૂરો પલળી ગયો હતો. એને જાણે કંપની આપતો હોય તેમ કાર્તિકે પણ પોતાની છત્રી બંધ કરીને પલળતો ઊભો હતો. કાર્તિકે આજુબાજ નજર કરી. કોઈ દુકાન ખુલ્લી ન દેખાઈ. આટલાં વર્ષે સુજાતાના ખબર મળ્યા છે. એના પૌત્રને એક ચોકલેટ તો પોતે ખવડાવી શકે તો કેવું સરસ! ‘બેટા…અહીં જ ઊભો રહે. સામેની બાજુની દુકાનમાંથી હું તારા માટે કાંઈક ખાવાનું લઇ આવું.’
‘ના..ના…અંકલ…મને કશું નથી જોઈતું.’ ‘વેઈટ…બે મિનિટમાં આવ્યો!’ કાર્તિક ઝડપથી રસ્તો ક્રોસ કરીને સામેની બાજુ આવ્યો. ફટાફટ બે કેડબરી લીધી અને રસ્તો ક્રોસ કરીને પેલી બાજુ પહોંચ્યો ત્યાં જ એક લક્ઝુરિયસ કાર આવીને ઊભી રહી. આગળ ડ્રાઈવર ને પાછળ સુજાતા બેઠી હતી, એના પર નજર પડી, તો એ એને જ જોઈ રહી હતી. ‘દાદી….’ શૌર્ય દોડીને કાર પાસે ગયો. સુજાતાએ નજર ફેરવી લીધી. ‘કમ ઈન દીકરા…કેમ પલળ્યો? બીમાર પડીશ તો!’
શૌર્ય કારમાં બેસી ગયો અને કાર ઉપડી એ સાથે કાર્તિકને યાદ ચોકલેટ યાદ આવી. ‘હેય…એક મિનિટ!’ એણે બૂમ પાડી! ગાડી ઊભી રહી એટલે કાર્તિક ઝડપથી દોડી ગયો, ‘લે બેટા…આ ચોકલેટ લઈ લે…’ જવાબમાં શૌર્યે એની દાદી સુજાતા સામે જોયું, એની નજરમાં હા જોઈને શૌર્યે ચોકલેટ લઈ લીધી. ‘આ વખતે મોડો નથી પડ્યો!’ કાર્તિક બોલ્યો તે સાભંળીને સુજાતા હસી. એના ગાલના ખંજનમાં કાર્તિક ડૂબી ગયો. કાર જતી રહી અને એ વરસતા વરસાદમાં ભીંજાતો ઊભો રહ્યો! (શીર્ષકપંક્તિ: ભગવતીકુમારશર્મા)