મહેસાણા: આઇપીએલ (IPL) વિશ્વભરમાં પ્રસિદ્ધ લીગ છે અને તે રમાતી હોય ત્યારે મોટાપાયે સટ્ટો પણ રમાય છે અને સટ્ટામાંથી આ રીતે જ મોટી કમાણી (Income) કરવા માટે ગુજરાતના (Gujarat) એક વ્યક્તિએ આખેઆખી આઇપીએલ નકલી રમાડીને યુટ્યુબ (U-Tube) પર લાઇવ સ્ટ્રીમીંગ કરીને રશિયન બુકીઓ પાસે સટ્ટો રમાડવાનું શરૂ કર્યું હતું, મહેસાણા પોલીસના (Police) સ્પેએશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ આ કૌભાંડ ઝડપી પાડીને ચારની ધરપકડ કરી હતી.
નકલી આઇપીએલ રમાડનારાઓએ આખી ટૂર્નામેન્ટમાં ખેલાડીથી માંડીને ટીમ અને અમ્પાયર ઉપરાંત કોમેન્ટેટર પણ નકલી રાખ્યા હતા. એટલું જ નહીં પણ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોનો અવાજ પણ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરાયો હતો. યૂટ્યુબ પર તેનું લાઇવ સ્ટ્રીમીંગ કરાતું હતું અને આ બધુ જ એટલું ચોકસાઇથી કરવામાં આવતું હતું કે રશિયન બુકીઓ અને સટોડિયાઓએ તેને સાચી ટુર્નામેન્ટ ગણી લીધી હતી.
મહેસાણા એસઓજીના પીઆઇ ભાવેશ રાઠોડે કહ્યું હતું કે શોએબ દેવડા નામક મુખ્ય આરોપીએ મહેસાણા નજીકના એક ફાર્મ હાઉસમાં ક્રિકેટ પીચ બનાવીને 12 ખેત મજૂરો અને બેકાર યુવાનોને કામે રાખ્યા હતા. આ લોકોએ CSK, MI, GT જેવી આઇપીએલ ટીમોના નામ ધરાવતી ટી શર્ટ પહેરીને ક્રિકેટ રમવાનું હતું. દરેકને એક મેચ રમવાના 400 રૂપિયા મળતા હતા. અન્ય ત્રણ આરોપીની ઓળખ કોલુ મહંમદ, સાદીક દેવડા અને મહંમદ સાકીબ તરીકે થઇ છે. કૌભાંડ પકડાયું ત્યાં સુધીમાં તેઓ ક્વાર્ટર ફાઇનલ સુધીની ટૂર્નામેન્ટ રમાડી ચુક્યા હતા.
કોમેન્ટરી માટે મેરઠથી હર્ષ ભોગલેના અવાજમાં કોમેન્ટરી કરતાં વ્યક્તિને પણ લવાયો
નકલી આઇપીએલ રમાડનારા મહેસાણાના વડનગર તાલુકાના મોલિપુર ગામના રહીશ શોએબ દેવડાએ બધી રીતે ફુલપ્રુફ આયોજન કર્યું હતું અને તેણે કોમેન્ટરી પણ સાચી લાગે તે માટે મેરઠથી એક વ્યક્તિને બોલાવ્યો હતો. આ વ્યક્તિ અદ્દલ હર્ષ ભોગલેના અવાજમાં કોમેન્ટરી કરતો હતો. મેદામાં ફ્લડ લાઇટ્સ લગાવવાની સાથે પાંચ એચડી કેમેરા લગાવાયા હતા અને અમ્પાયર્સ માટે વોકી ટોકીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રશિયા ગયેલા શોએબને નકલી આઇપીએલ રમાડવાનો આઇડિયા ત્યાં કોઇ આસિફ મહંમદે આપ્યો હતો
શોએબ રશિયામાં અવારનવાર કામ કરવા માટે જતો હતો અને તે હાલમાં જ રશિયાથી મોલીપુર પરત આવ્યો હતો. રશિયામાં આસિફ મહંમદ નામક વ્યક્તિ પાસેથી તેણે ક્રિકેટ સટ્ટા બેટીંગ અંગે જાણકારી મેળવી હતી. આસિફ મહંમદે જ તેને આવી બોગસ ટૂર્નામેન્ટ રમાડવાની સલાહ આપી હતી અને તેની સલાહને અનુસરીને શોએબે ખેતર ભાડે રાખીને તે અનુસાર આઇપીએલ રમાડવાનું શરૂ કર્યું હતું.