National

મુલાયમ સિંહ યાદવનાં પત્ની સાધના ગુપ્તાનું નિધન

લખનૌ: સમાજવાદી પાર્ટી(SP)ના વડા મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)ની પત્ની(Wife) સાધના ગુપ્તા(Sadhana Gupta)નું શનિવારે બપોરે નિધન(Death) થયું હતું. તેઓ ફેફસાના ઈન્ફેક્શન(Lungs Infection)થી પીડિત હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે થોડા સમય પહેલા પતિ મુલાયમ સિંહ પણ તેમને મળવા આવ્યા હતા. સાધના ગુપ્તા ભાજપ(BJP)ના નેતા અપર્ણા યાદવની સાસુ અને પ્રતીક યાદવની માતા હતી.

સાધના ગુપ્તા મુલાયમ સિંહનાં બીજા પત્ની
સાધના ગુપ્તા ઉત્તર પ્રદેશના ઇટાવાના બિધુના તાલુકાનાં રહેવાસી હતા. 4 જુલાઈ 1986 ના રોજ, તેમના લગ્ન ફર્રુખાબાદના ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયા હતા. તેમના લગ્ન પછી પ્રતિક યાદવનો જન્મ 7 જુલાઈ 1987ના રોજ થયો હતો. સાધના અને ચંદ્રપ્રકાશ બે વર્ષ પછી અલગ થઈ ગયા હતા. ત્યાર પછી સાધના ગુપ્તા તત્કાલીન સપાનાં સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના સંપર્કમાં આવ્યા હતા. એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવનાં માતા મૂર્તિ દેવી બીમાર રહેતા હતા. તે દરમિયાન નર્સિંગની તાલીમ લઈ રહેલા સાધના ગુપ્તાએ લખનૌના નર્સિંગ હોમમાં અને પછી સૈફાઈ મેડિકલ કોલેજમાં મૂર્તિ દેવીની ખૂબ કાળજી લીધી હતી. કહેવાય છે કે તે સમયથી મુલાયમ અને સાધના એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2003માં મુલાયમ સિંહની પહેલી પત્ની અને અખિલેશ યાદવની માતા માલતી દેવીનું નિધન થયું હતું. થોડા દિવસો પછી, સપા નેતાએ પોતાનાથી 20 વર્ષ નાની સાધના ગુપ્તાને બીજી પત્નીનો દરજ્જો આપ્યો હતો.

કેશવ પ્રસાદ મૌર્યએ શોક વ્યક્ત કર્યો
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સપા મુલાયમ સિંહનાં પત્નીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મૌર્યએ ટ્વિટર પર લખ્યું, “પૂર્વ મુખ્યમંત્રી શ્રી મુલાયમ સિંહ યાદવ જીના પત્ની શ્રીમતી સાધના ગુપ્તાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા, ભગવાન તેમના ચરણોમાં સ્થાન આપે. આદરણીય શ્રી મુલાયમ સિંહજી અને તેમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે! શાંતિ શાંતિ શાંતિ “

મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે, “શ્રી મુલાયમ સિંહ યાદવજીના પત્ની શ્રીમતી સાધના ગુપ્તાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. હું ભગવાન દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડી ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. નમ્ર શ્રદ્ધાંજલિ.”

Most Popular

To Top