વલસાડ : વલસાડ(Valsad)માં બુધવારે પણ જિલ્લામાં વરસાદ(Rian)ના હળવાથી લઇ ભારે ઝાપટા આવ્યા હતા. જેને લઇ બુધવારે પણ જિલ્લો પાણીથી તરબોળ રહ્યો હતો. વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. બુધવારે સાંજે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન જિલ્લાના વલસાડ તાલુકામાં 2.9 ઇંચ, પારડી(Pardi)માં 3.7 ઇંચ, વાપી(Vapi)માં 4 ઇંચ, ઉમરગામ(Umargam)માં 4.4 ઇંચ, ધરમપુર(Dharampur)માં 2.6 ઇંચ અને કપરાડા(Kaprada)માં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી ઝાપટાં આવતા હવે ચોમાસુ મધ્યાહને જોવા મળી રહ્યું છે.
- ઉમરગામ 4.4, વાપી 4 અને પારડીમાં 3.7 ઇંચ વરસાદ
- વલસાડમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા યથાવત
- હળવાથી લઇ ભારે ઝાપટા પડતા જિલ્લો પાણીથી તરબોળ થઇ ગયો
- વરસાદના કારણે વલસાડની જૂની કલેક્ટર કચેરીના આંગણામાં પાણી ભરાયા
વલસાડ જિલ્લાનો 24 કલાકનો વરસાદ | |
ઉમરગામ | 4.4 ઇંચ |
વાપી | 4 ઇંચ |
પારડી | 3.7 ઇંચ |
વલસાડ | 2.9 ઇંચ |
ધરમપુર | 2.6 ઇંચ |
કપરાડા | 2 ઇંચ |
વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકામાં 1-1 ઇંચ વરસાદ
નવસારી, ઘેજ : નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાઓમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે. જોકે ગત સાંજ બાદ વરસાદે વિરામ લીધો હતો. જ્યારે આજે સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. ગત મંગળવારે સાંજે 6 વાગ્યેથી બુધવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, વાંસદા તાલુકામાં 34 મિ.મી. (1.4 ઇંચ), ખેરગામ તાલુકામાં 31 મિ.મી. (1.2 ઇંચ), ચીખલી તાલુકામાં 29 મિ.મી. (1.2 ઇંચ), ગણદેવી તાલુકામાં 15 મિ.મી. (0.6 ઇંચ), જલાલપોર તાલુકામાં 13 મિ.મી. (0.5) અને નવસારી તાલુકામાં 10 મિ.મી. (0.4 ઇંચ) વરસાદ પડ્યો હતો.
ઉમરગામમાં સતત ત્રીજા દિવસે 4 ઇંચ વરસાદ : માર્ગો ખરાબ થઇ ગયા
ઉમરગામ : ઉમરગામમાં સતત ત્રીજા દિવસે વીતેલા ૨૪ કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદથી થયેલા નુકસાનની પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમણ પાટકરે અધિકારીઓ સાથે ઉમરગામ ભિલાડ વિસ્તારની મુલાકાત લીધી હતી.
ઉમરગામને સતત ત્રણ દિવસથી મેઘરાજા ધમરોડી રહ્યા છે. સોમવારથી મેઘરાજાની બીજા રાઉન્ડની શરૂઆત થઈ હતી અને સતત ત્રણ દિવસ બુધવારે પણ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને સતત છૂટો છવાયો વરસાદ આખો દિવસ વરસ્યો હતો. ગઈકાલે મંગળવારે સાંજે ચાર વાગ્યાથી બુધવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં વીતેલા 24 કલાકમાં 4 ઇંચ સાથે મોસમનો કુલ વરસાદ 759 મી.મી (30 ઈંચ) જેટલો નોંધાયો છે.
ધારાસભ્ય પરિસ્થિતિનો તાગ મેળવવા અધિકારીઓ સાથે ઉમરગામ, ભિલાડ વિસ્તારની મુલાકાતે
ઉમરગામમાં ત્રણ દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાયેલા જોવા મળ્યા હતા. વરસાદના કારણે ઘણા રસ્તા ખરાબ થઈ ગયા છે. જેથી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે ધારાસભ્ય રમણ પાટકરે વરસાદથી થયેલા નુકસાન અંગે મુલાકાત દીધી હતી, માર્ગ મકાન ખાતાના અધિકારી એન.એન. પટેલ પણ સાથે હતા. ધારાસભ્ય રમણ પાટકરે કામગીરી માટે અધિકારીને સૂચના આપી હતી. ભીલાડ રેલવે ગરનાળુ અંડર પાસ ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસથી પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યુ હતું. જોકે વરસાદ ધીમો પડતા અને નાળાની સફાઈ કરવામાં આવતા પાણી ઓસરી જતા રેલવે ગરનાળું ચાલુ કરાતા વાહન ચાલકોને રાહત થઈ હતી.