પટના: પટના(Patna)ની પારસ હોસ્પિટલમાં દાખલ બિહાર(Bihar)ના પૂર્વ સીએમ(EX-CM) અને આરજેડી(RJD) ચીફ લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ની હાલત નાજુક છે. તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી(Delhi) લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ફોન પર તેજસ્વી યાદવ પાસે લાલુ યાદવના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરી હતી. તેજસ્વીએ બિહારના લોકોને ભાવનાત્મક અપીલ પણ કરી છે. સીએમ નીતિશ કુમારે આજે પારસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આરજેડી પ્રમુખની તબિયત પૂછી હતી.
સોમવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
લાલુ પ્રસાદ યાદવ રવિવારે પટનામાં રાબડી દેવીના સરકારી આવાસમાં દાદર પરથી પડી ગયા હતા. જેથી તેઓના ખભાનું હાડકું તૂટી ગયું હતું. તેને શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓ પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. સોમવારે વહેલી સવારે તેમની તબિયત બગડતાં પટનાની પારસ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. નીતિશ કુમારે હોસ્પિટલમાં જઈને RJD નેતા તેજસ્વી યાદવ અને ડોક્ટરો પાસેથી લાલુ યાદવની તબિયત વિશેની માહિતી મેળવી હતી.
લાલુ પ્રસાદ યાદવની સારવારનો ખર્ચ બિહાર સરકાર ઉઠાવશે
સી.એમ નીતિશ કુમારે મોટી જાહેરાત કરતા કહ્યું કે લાલુ યાદવની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, કારણ કે તે તેમનો અધિકાર છે. આ દરમિયાન બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે અને ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈન પણ ત્યાં હાજર હતા.
જરૂર પડશે તો સિંગાપોર લઈ જશું: તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે પારસ હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે જો જરૂર પડશે તો RJD સુપ્રીમોને સિંગાપુર લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે બધા રાજકારણમાં છે પરંતુ આવી બાબતોમાં એકજૂટ છે. પીએમ મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ફોન કરીને પૂર્વ સીએમની ખબર પૂછી હતી. યાદવના પરિવારના સૂત્રોએ જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું
ફેફસામાં પાણી ભરાઈ જતા હાલત નાજુક
લાલુ પ્રસાદ યાદવની હાલત નાજુક હોવાથી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને દિલ્હી લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. અનેક ડોક્ટરોની દેખરેખ હેઠળ તેઓની સારવાર કરવામાં આવી રહી છે. RJDના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે નિષ્ણાત ડોક્ટરોની આખી ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. આરજેડીના રાજ્ય પ્રવક્તા ચિત્તરંજન ગગને કહ્યું કે વડાપ્રધાને તેજસ્વી યાદવ સાથે વાત કરી અને આરજેડી સુપ્રીમોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. વડાપ્રધાને આરજેડી વડાના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
તેજસ્વીની અપીલ: હોસ્પિટલમાં ભીડ ન કરો, ઘરેથી પ્રાર્થના કરો
તેજસ્વી યાદવે બિહાર અને ખાસ કરીને પટનાના લોકોને ભાવનાત્મક અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકોએ તેમના ઘરેથી પ્રાર્થના કરવી જોઈએ. હોસ્પિટલમાં ભીડને કારણે ચેપ લાગવાનું જોખમ રહેલું છે અને તેનાથી અન્ય દર્દીઓ અને તેમના સંબંધીઓને પણ તકલીફ થશે, તેથી ત્યાં ભીડ ન કરવી. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવની નાજુક તબિયતને જોતા આરજેડીએ તેજસ્વી યાદવને પાર્ટી અધ્યક્ષના અધિકારો આપી દીધા છે. હવે તમામ નિર્ણયો પર તેજસ્વી યાદવની મંજૂરી જરૂરી રહેશે.