વલસાડ: ઝારખંડના (Zarkhand) જામતારાથી શરૂ થયેલી ટેલિફોનિક ઠગાઇમાં (Fraud) અનેક પ્રકારની ઠગાઇના કેસ બહાર આવ્યા હતા. વિવિધ લલચામણી સ્કીમ, લોટરી તેમજ સ્પેશ્યલ સોફ્ટવેર (Offer) થકી ઠગાઇ જેવી નીત નવી રીતે ઠગાઇ થઇ રહી છે. જેમાં રાજસ્થાનની અલવર ગેંગ, જામતારા ગેંગ તેમજ થોડા લોકલ ઠગો પણ સામેલ હતા. પરંતુ હવે પાકિસ્તાનથી (Pakistan) આવી ઠગાઇ શરૂ થઇ છે. જેમાં લોટરી (Lottery) લાગી હોવાના મેસેજ (Message) પાકિસ્તાનથી આવી રહ્યા છે.
વલસાડમાં અનેક વોટ્સેપ યુઝર્સ પર પાકિસ્તાનના નંબરથી વોટ્સેપ આવી રહ્યા છે. જેમાં કેબીસી જેવા અન્ય શોમાં લોટરી લાગી હોવાના મેસેજ અને ઓડિયો મોકલાઇ રહ્યા છે. જેમાં આપેલા નંબર પર વોટ્સેપ કોલ કરવા જણાવાઇ રહ્યું છે. જેના પર કોલ કરીએ તો લોભામણી લાલચ આપી લોકો સાથે ઠગાઇ થઇ રહી છે. વલસાડના કેટલાક લોકો પર પાકિસ્તાનના નંબર પરથી આજા ફસજા જેવી એમએલએમ સ્કીમના પણ મેસેજ આવી રહ્યા છે. જેમાં પણ ઠગાઇ થઇ રહી છે. આ ઠગાઇમાં ભારતના લોકો પણ સામેલ છે. જેઓ વાયા પાકિસ્તાન ઠગાઇનું આ નેટવર્ક ચલાવી રહ્યા છે. જેનાથી ચેતવાની તાતી જરૂર છે.
ભારતની પોલીસ સતર્ક થતાં પાકિસ્તાનથી રેકેટ શરૂ કરાયું
ભારતના મોબાઇલ નંબરથી ઠગાઇ થતી હોય તો પોલીસ તુરંત તેનું લોકેશન મેળવી લેતી હોય છે. જેના કારણે આવા ઠગોએ તુરંત નંબર બંધ કરી દેવો પડતો હોય છે. હવે ભારતમાં બોગસ સીમકાર્ડ મેળવવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. ત્યારે હવે ઠગાઇ માટે ઠગો પાકિસ્તાનના નંબર તેમજ પાકિસ્તાનીઓની મદદ મેળવી રહ્યા છે.
+92 થી શરૂ થતા નંબર પાકિસ્તાનના છે
ભારતનો મોબાઇલ કોડ +91 છે. જ્યારે પાકિસ્તાનનો કોડ +92 છે. ત્યારે જ્યારે પણ કોઇ કોલ પાકિસ્તાનના નંબર પરથી આવે તો ચેતી જવું જોઇએ. અનેક વખત પાકિસ્તાની નંબર પરથી મિસ્ડ કોલ કરાય છે. આપણે સામો ફોન કરીએ તો પૈસા પણ કપાઇ જતા હોય છે. જોકે, હવે તેઓ વોટ્સેપ કોલ કરવા જણાવી ઠગાઇ કરે છે. જેનાથી ભારતના ઠગો પાસે પહોંચવું મુશ્કેલ થઇ જાય છે.
વીજ કનેક્શન કાપવાના મેસેજ હજુ પણ યથાવત
મોબાઇલ પર લોકોને વીજ કનેક્શન કાપવાની વાત કહી બિલ ભરવાનું કહી ઠગાઇ કરતા મેસેજો હજુ પણ વલસાડના લોકો પર આવી રહ્યા છે. જેમાં તમે બિલ નથી ભર્યું અને તમારે બિલ ભરવું પડશે નહીં તો તમારું કનેક્શન રાત્રે 9.30 કલાકે કપાઇ જશે, એવું જણાવી લોકોને વાતમાં ભોળવી પૈસાની છેતરપિંડી કરતી ગેંગ હજુ પણ સક્રિય છે.