Columns

ગર્ભપાત ગેરકાયદેસર સ્ત્રીઓના અધિકારનું હનન કરી USAએ આધુનિકતાનો વીંટો વાળ્યો

આમ તો અમેરિકા પ્રત્યેનો મોહ, ત્યાંના સમાજમાં સાહજિક રીતે રહેલી સ્વતંત્રતા પ્રત્યે અચંબો, ઓપન-સોસાયટીની પ્રશંસા ભારોભાર કરાઇ છે. પરંતુ તાજેતરમાં USA એ સુપ્રીમ કોર્ટે એક બહુ મોટો ચુકાદો આપ્યો અને ગર્ભપાતને મૂભળૂત અધિકાર ગણાવતા કાયદાને – જે રો વર્સિસ વેડ જજમેન્ટ 1973- ના નામથી જાણીતો છે તેને ફેરવી તોળ્યો. હવે અમેરિકન રાજ્યો પાસે સત્તા રહેશે કે ગર્ભપાતને કાયેદસર ગણવો કે ગેરકાયદેસર. અમેરિકા એક એવો દેશ છે જ્યાં એક સમયે સજાતીયતા દૂર કરવા માટે ઇલેક્ટ્રિક શોક ટ્રિટમેન્ટનો સહારો લેવાતો, એક એવો દેશ છે જ્યાં ગર્ભપાતને માન્યતા ન અપાતી, એક એવો દેશ છે જ્યાં રંગભેદે સમાજમાં ગુનાને ઉગવાની જગ્યા આપી – આવું ઘણું બધું અમેરિકન સોસાયટીમાં થતું આવ્યું છે – સરઘસ, વિરોધો, મુદ્દાઓ પર ચર્ચાઓ બધું કરતાં કરતાં આ દેશે ઘણું બધું બદલ્યું.

આમ જોવા જઇએ તો અમેરિકા – USAનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો નથી. તેમની પાસે સંદર્ભ માટે ઇતિહાસનું ભાથું નથી. રેફરન્સ લેવા તો ક્યાંથી લેવા? અન્ય રાષ્ટ્રોની સરખામણીએ સ્વાર્થી માનસિકતા ધરાવતો દેશ, જેમને માટે પોતાના દેશની બહારની દુનિયા ભાગ્યે જ કોઇ મહત્ત્વ ધરાવે છે. USA વિશે લોકોના મનમાં જાતભાતના ભ્રમ છે, કોઇ સારા છે તો કોઇ નરસા. મૂળ વાત એમ છે કે સમૃદ્ધિ તરફ જ દોડતા રહેતા આ દેશમાં ઘણા બધા સાંસ્કૃતિક ગાબડાં છે અને તાજેતરમાં આવેલો આ ચુકાદો ભવિષ્યને બદલે જેને ઇતિહાસમાં ‘ડાર્ક એજીઝ’કહેવાયો છે તેવા અંધાર યુગની ખીણમાં આ મોટોમસ કૂદકો લાગે છે.

એક વાત આપણે સમજી લેવી જરૂરી છે કે વિદેશમાં ટીનએજમાં ડેટિંગ શરૂ કરનારા છોકરા છોકરીઓ બિંધાસ્ત હોય છે એટલે એવું કરે છે એમ નથી. તેઓ ડેટિંગ કરે અને તેમાંથી અનુભવે પોતાની ઇમોશનલ નીડ્ઝ સમજે અને પછી જ લગ્ન જેવો મોટો નિર્ણય લેવાનું પસંદ કરતા હોય છે – આ તેમની સમાજ વ્યવસ્થા છે અને તેમાં કશું ય અજુગતું નથી. અજાણ્યા માણસને કોટે વળગાડી હેરાન થવા કરતાં જેને સરખી રીતે જાણી લીધો હોય તેવા સાથીદાર સાથે જ જિંદગી પસાર થાય તે યોગ્ય છે. ત્યાં લગ્નનો પ્રસ્તાવ બહુ મોટી ઘટના ગણાય છે.

આવા સમાજમાં, આવા સમયમાં જ્યારે સ્ત્રી-સશક્તિકરણના નવા આયામો રચાતા હોય ત્યારે કોઇ પણ સ્ત્રી પાસેથી તેના શરીર સાથે તેણે પોતે શું કરવું એ નક્કી કરવાનો અધિકાર છીનવી લેવાય તેનાથી બોગસ વાત બીજી કઇ હોઇ શકે? ગર્ભપાત એક પર્સનલ ચોઇસ છે – પ્રેગનન્ટ સ્ત્રી થાય છે, બાળકને જન્મ તેણે આપવાનો છે – હજાર જાતના શારીરિક પરિવર્તનોમાંથી તેણે જ પસાર થવાનું છે – એ ઘટના માટે એ માનસિક કે શારીરિક કે આર્થિક રીતે તૈયાર ન હોય તો એ અંગે સ્ત્રીએ શું કરવું એ દસ્તાવેજો પર કેવી રીતે નક્કી થઇ શકે? તમને યાદ હશે કે આપણે ત્યાં, ભારતમાં એક સમયે 150 રૂપિયામાં ગર્ભપાત પ્રકારની જાહેરાતો ઠેર ઠેર લગાડાતી. રેઢિયાળ રીતે થતી આ પ્રક્રિયા પછી અનેક યુવતીઓ કે મહિલાઓ કાં તો રોગનો ભોગ બનતી કે પછી મોતને ભેટતી. આપણો દેશ તો હજી પણ ત્રીજા વિશ્વના દેશોમાં ગણાય છે, આપણે પણ રાષ્ટ્ર તરીકે સમય સાથે ઘણું બધું શીખી રહ્યા છીએ, જો કે ભૂલોનો પાર નથી. પરંતુ અમેરિકા જેવા કહેવાતા આધુનિક દેશમાં આવો નિર્ણય લેવાય એ માનવ અધિકાર પર બહુ મોટો પ્રહાર કહેવાય.

21મી સદીમાં સ્ત્રી પાસેથી પસંદગી કરવાનો અધિકાર છીનવી લેવાય એ કેવી રીત ચાલે? માતૃત્વ સ્વૈચ્છિક જ હોય અને હોવું જોઇએ – સ્ત્રી કોન્ટ્રાસેપ્ટીવ વાપરવાનું કે પછી ગર્ભપાત કરાવવાનું નક્કી કરે તે તેનો અંગત નિર્ણય જ હોઇ શકે. આ માત્ર કોઇ મહિલાવાદી વિચારધારાની વાત નથી પણ સ્ત્રી સ્વતંત્રતાની વાત છે અને તે તેના પોતાના શરીર અંગે જો તેને ન મળતી હોય તો તે કોઇ પણ કાળે અયોગ્ય જ કહેવાય. ધ અમેરિકન કૉલેજ ઑફ ઓબસ્ટેરટ્રિશિયન્સ એન્ડ ગાયનેકૉલૉજિસ્ટ્સ અનુસાર ગર્ભપાત મેડિકલ અનિવાર્યતા પણ હોઇ શકે છે – તબીબી વિજ્ઞાન વ્યક્તિલક્ષી ન હોઇ શકે, ક્યારેક એવા સંજોગો પણ હોય જ્યાં મેડિકલી સ્ત્રીનો ગર્ભપાત કરવો તેનો જીવ બચાવવાનો એક માત્ર વિકલ્પ હોય.

લગ્ન પહેલાં બંધાતા શારીરિક સંબંધો પણ સહજ છે, તેમાં જો ક્યારેક યુવતીને ગર્ભ રહી જાય અને તે સમયે તે કોઇ પણ કારણોસર બાળકને જન્મ આપવા ન માગતી હોય તો આ આકરો કાયદો તેને પોતાની ઇચ્છા પ્રમાણેની જિંદગી જીવવામાં આડો આવશે. ગર્ભપાત વિરોધી કાયદો જીવલેણ સાબિત થઇ શકે છે અને ભૂતકાળમાંં થયો પણ છે. 2012માં આયરલેન્ડમાં રહેતી ભારતીય મૂળની ડેન્ટિસ્ટ સવિતા હલાપ્પાનવરને ગર્ભપાત કરી આપવાની ના પાડવામાં આવી અને સેપ્ટિકમેનિયાને કારણે તેનું મૃત્યુ થયું. તેના મોતના પગલે વિરોધનો વંટોળ ઊઠ્યો અને આખરે 2018માં સ્વાસ્થ્ય કાયદા અંતર્ગત ગર્ભપાતને લગતું બિલ પસાર કરાયું.

USAમાં જે થયું છે તેને માનવાધિકાર જૂથોએ વખોડ્યું છે, સ્વાભાવિક છે કે આ નિર્ણય સ્ત્રીઓ સાથેનો સીધો ભેદભાવ છે. જો USAના અડધોઅડધ રાજ્યોએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકી દીધો તો ત્યાં રહેનારી સ્ત્રીઓને જ્યારે ગર્ભપાત કરાવવો હશે તો ગર્ભપાત કરાવવા કાં તો લાંબી મુસાફરી કરવી પડશે અથવા તો અનિચ્છનીય ગર્ભાવસ્થા વેઠવી પડશે. એક સ્ત્રી માટે બાળકને જન્મ આપવો એ અત્યંત વ્યક્તિગત બાબત છે – આવું એકથી વધારે વાર લખવું પડે એ પણ ત્રાસજનક છે કારણ કે આ વાસ્તવિકતા સૂરજ પૂર્વમાં ઊગે છે એટલી જ સાહજિક છે – છતાં પણ એક વિકસિત રાષ્ટ્રમાં કાયદાને નામે આ વ્યક્તિગત પસંદગીની સ્વતંત્રતા છીનવી લેવાઇ.

સ્ત્રીઓ ભૃણ સર્જનાર વાહક નથી કે તેમની ઇચ્છા- અનિચ્છાને ગણતરીમાં લીધા વગર કોઇ પણ કાયદાઓ તેમની સાથે સંકળાયેલી બાબત અંગે ઠોકી બેસાડાય. જ્યાં ગર્ભપાત પર પ્રતિબંધ હોય તેવા દેશોમાં ગેરકાયદેસર ગર્ભપાતને કરાણે થતા મોતનો આંકડો મોટો હોય છે. 1973માં જ્યારે USAમાં ગર્ભપાત પરનો પ્રતિબંધ હટાવાયો ત્યારે કિશોરવયની એટલે કે ટીનએજર છોકરીઓ વહેલાં લગ્ન અને માતૃત્વને ટાળી શકતી થઇ. કાચી ઉંમરે બીજું કંઇ ન વિચારીને ઘરની જવાબદારીમાં દબાઇ જવાને બદલે તે પોતાના રસ્તા શોધતી થઇ અને હવે ગર્ભપાતને ગેરકાયદે બનાવવું સામાજિક વ્યવસ્થાને જોખમમાં મૂકનારું જ સાબિત થાય તેમાં કોઇ બેમત નથી. USAએ જે પગલું ભર્યું તેના કારણે વર્ષો સુધી ચાલેલી નારીવાદી ચળવળો પર પાણી ફરી વળ્યું છે. કોઇ પણ સ્ત્રી માતૃત્વ સ્વીકારે એટલે તેની આખી જિંદગી પર તેના આ નિર્ણયની અસર પડતી હોય છે. સ્ત્રીઓને આમેય જાતભાતની લડાઇઓ સતત લડવી પડતી હોય છે તેની સામે આવા નિર્ણયો કાળ કોટડી જેવા સાબિત થશે તે ચોક્કસ.

બાય ધ વે: USAમાં મહિલાઓએ પોતાનો બંધારણીય હક ગુમાવી દીધો છે, ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનેન્સી એક્ટ 1971થી લાગુ કરાયેલો છે. આમ તો વસ્તી નિયંત્રણ માટે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો પણ તે હેઠળ 24 અઠવાડિયા સુધીના ગર્ભનો નિકાલ પણ મહિલા કરાવી શકે છે. જો કે ભારતમાં ગર્ભપાત માટે ડૉક્ટરની માન્યતા જરૂરી છે, વળી તેની સાથે પૂર્વગ્રહો જોડાયેલા છે અને તેમાં ય જો સ્ત્રી અપરિણીત હોય તો ખાસ. ગર્ભપાતનો અધિકાર છીનવી લેવો એ આધુનિકતાનો વીંટો વાળીને મૂકી દેવા જેવું કામ છે. કાયદેસર રીતે અને મેડિકલી સલામત રીતે થતા ગર્ભપાત વિના સ્ત્રીઓની જિંદગી વધુ જોખમમાં મુકાશે અને તે માત્ર સ્વાસ્થ્ય નહીં પણ સામાજિક દ્રષ્ટિ પણ સ્ત્રીને માટે સંજોગો વિકટ જ બનાવશે. એક જાણીતી સિટકોમનો ડાયલોગ છે, “નો યુટ્રસ, નો ઓપિનિયન.”

Most Popular

To Top