Gujarat

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કીંગ 2020માં ગુજરાત ટોપ એચિવર

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ (Department) ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન BRAP 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં ગુજરાત (Gujarat) ટોપ એચીવર સ્ટેટ બન્યું છે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૯૦ ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાતે દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્માલા સિતારમણે આ BRAP 2020 રેન્કીંગ જાહેર કર્યા છે, તેમાં DPIITએ સૂચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સના ૧૦૦ ટકા પાલનમાં દેશના માત્ર બે રાજ્યો પૈકીનું એક રાજ્ય ગુજરાત બન્યું છે. આ હેતુસર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIITની BRAP પાંચમી આવૃત્તિમાં દેશના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૩૦૧ જેટલા રિફોર્મ્સ સૂચવવામાં આવેલા હતા. ૧પ જેટલા ક્ષેત્રોને આવરી લેતા આ ૩૦૧ સુધારાઓમાં રોકાણ સક્ષમતા, ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા, વાણિજ્યિક વિવાદ-લવાદનું નિવારણ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. ગુજરાતે આ બધી બાબતોના ૧૦૦ ટકા પાલનથી DPIITના ૩૦૧ રિફોર્મ્સના અમલ કરનારા દેશના બે રાજ્યોમાં પોતાનું સ્થાન અંકિત કર્યુ છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, દેશના ૬ ટકા ભૌગોલિક ભૂ-ભાગ અને કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના GDPમાં ૮ ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટમાં ૧૮ ટકા જેટલું યોગદાન આપીને અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહ્યું છે. આના મૂળમાં ગુજરાત અને ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, વેપાર-વણજ, વ્યવહાર કુશળતા રહેલી છે. દેશના મેન્યૂફેકચરીંગ સેક્ટરની એવરેજ ૧૮ ટકા સામે ગુજરાત ૩૮ ટકા જેટલો હિસ્સો સ્ટેટ જી.ડી.પી માં આ સેક્ટર દ્વારા આપે છે. એટલું જ નહિ, ગ્લોબલ ફોર્ચ્યુન પ૦૦ કંપનીમાંથી ૧૦૦ જેટલી કંપનીઓએ ગુજરાતમાં પોતાનો વ્યવસાય કારોબાર શરૂ કર્યો છે અને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય-વૈશ્વિક બજારો સર કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં ૩પ લાખ કરતાં વધુ MSME ઉદ્યોગ સાહસિકોએ કોસ્ટ ઇફેક્ટીવ પ્રોડક્શન અને આંતરરાષ્ટ્રિય બજારોમાં સ્પર્ધાત્મકતાની આખી ઇકો સિસ્ટમ ઉભી કરી છે.

LEADS ઇન્ડેક્ષમાં ર૦૧૮, ર૦૧૯ અને ર૦ર૧ એમ ત્રણ વર્ષ સુધી સતત ગુજરાતે અગ્રીમ ક્રમ મેળવ્યો
ગુજરાતને એન્વાયરમેન્ટ પરફોમન્સ ઇન્ડેક્ષ ર૦ર૦ અને ર૦ર૧માં પ્રથમ ક્રમ મળ્યો છે તથા LEADS ઇન્ડેક્ષમાં ર૦૧૮, ર૦૧૯ અને ર૦ર૧ એમ ત્રણ વર્ષ સુધી સતત ગુજરાત અગ્રીમ ક્રમ મેળવતું રહ્યું છે. IEM 2021 મુજબ ડોમેસ્ટીક મૂડીરોકાણમાં પણ ગુજરાતે ૧.૦પ લાખ કરોડનું મૂડીરોકાણ મેળવીને દેશમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ રાજ્યમાં રિફોર્મ્સના ઓન ગ્રાઉન્ડ અમલીકરણના આધારે કરવામાં આવે છે. ઉપયોગકર્તાઓની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન પદ્ધતિ-નિયમોમાં સુધારા માટે રાજ્ય સરકારે સતત ફિડબેક મેળવવાના આશયથી ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ કાર્યરત કરેલું છે. આ પોર્ટલ પર આવતા ફિડબેકના પરિણામે રાજ્ય સરકારને વખતો-વખત જરૂરી સુધારાઓ કરવામાં અને વર્તમાન પદ્ધતિઓને સરળ બનાવવામાં મોટી મદદ મળતી રહે છે. રાજ્ય સરકારે ગુજરાત MSME એક્ટ-ર૦૧૯ અન્વયે પહેલાં ”પ્રોડકશન પછી પરમિશન”નો વ્યૂહ અપનાવીને MSMEને ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની જરૂરી પરવાનગી લેવામાંથી મુક્તિ આપી છે અને આવી પરવાનગી મેળવવા માટે વધારાના ૬ મહિનાનો સમયગાળો પણ આપ્યો છે.

Most Popular

To Top