મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યું છે કે, બાગી જૂથના નેતા એનાથ શિંદેને 20 મેના રોજ ઉધ્ધવ ઠાકરેએ સીએમ પદ ઓફર કર્યુ હતું. આમ છતા શિંદેએ 20 જૂને બળવો કર્યો હતો. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, જ્યારે તેમને આ ઓફર અપાઈ ત્યારે તેમણે ગોળ ગોળ વાત કરી હતી અને પ્રસ્તાવને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.ઉધ્ધવ ઠાકરેએ શિંદને કહ્યું હતું કે, તમારે સીએમ બનવું છે ને તો લો હું તમને સીએમ બનાવુ છું.
આદિત્ય ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે, શિંદે જૂથના 15 થી 16 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. શિંદે જો આજે હિન્દુત્વની વાત કરે છે તો અઢી વર્ષ સુધી તેમનું હિન્દુત્વ ક્યાં ગયું હતું. દરમિયાન મહારાષ્ટ્ર સીએમ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે યોજાયેલી મહા વિકાસ અઘાડીની બેઠકમાં દાવો કર્યો છે કે, શિંદે જૂથના 20 ધારાસભ્યો સતત મારા સંપર્કમાં છે. પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે પણ આવી જ વાત કરીને કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યોને પાર્ટીમાં પાછા લેવા માટે વિચારણા કરી શકાય તેમ છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતના સુરમાં પલટો જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકનાથ શિંદે સામે નિવેદનો આપવામાં આવતા હતા પરંતુ હવે સંજય રાઉત દ્વારા બળવાખોરોને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. સંજય રાઉતે કહ્યું હતું કે, ગુવાહાટીમાં ક્યાં સુધી સંતાઈ રહેશો. ચોપાટીમાં આવવું જ પડશે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે શિવસેનાના 15 બાગી ધારાસભ્યોને વાય પ્લસ (Y+) કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. મોદી સરકારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. ધારાસભ્યોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકીય ખળભળાટ વચ્ચે ઉદ્ધવ અને શિંદે જૂથ પોતપોતાની રીતે તૈયારીઓમાં લાગ્યા છે.
એકનાથ શિંદેને શિવસેના ધારાસભ્ય દળના નેતાના પદેથી દૂર કરવાના મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય પર કાયદાકીય સલાહ લીધા બાદ એકનાથ શિંદેનું જૂથ કોર્ટના બારણે ટકોરા મારશે. શિંદે જૂથના કહેવા પ્રમાણે ડેપ્યુટી સ્પીકરની નોટિસનો જવાબ આપવા માટે બળવાખોર ધારાસભ્યોને ઓછામાં ઓછા 7 દિવસનો સમય આપવો જોઈતો હતો. ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને અયોગ્યતા નોટિસ પાઠવી છે. આ ધારાસભ્યોએ સોમવાર, 27 જૂન સુધીમાં પોતાનો જવાબ આપવાનો રહેશે. મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે.
જાણવા મળ્યા મુજબ શુક્રવારે રાત્રિના સમયે ગુજરાતના વડોદરામાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બંને મહાનુભવો વચ્ચે સરકારની રચના અંગે ચર્ચા જામી હતી. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને બંને નેતાઓની મુલાકાત યોજાઈ હતી. શિવસેનામાં અસલી શિવસેના અંગેની લડત ઉગ્ર બની છે તેવા સમયે જ દેવેન્દ્ર ફડણવીસ તથા એકનાથ શિંદે વચ્ચેની બેઠક મહત્વની બની રહે છે.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ તેમણે પાર્ટી પર નિયંત્રણ મેળવવા માટેની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. શનિવારના રોજ યોજાયેલી શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે કાર્યવાહી કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સાથે જ પાર્ટીના પદાધિકારીઓએ તેમના નેતૃત્વ પર વિશ્વાસ દર્શાવ્યો છે.ગૃહમંત્રી અમિત શાહ પણ શુક્રવારે વડોદરામાં ઉપસ્થિત હતા. જોકે ફડણવીસ અને શિંદે વચ્ચેની બેઠકમાં તેમની હાજરી અંગેની કોઈ વિગત સામે નથી આવી.
આ તો આખી વાત થઇ મહારાષ્ટ્રના રાજકારણની પરંતુ આવા બળવા કે ઉથલપાથલ પહેલી વખત નથી થઇ. અનેક રાજ્યમાં અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. કોઇ પણ સમસ્યા કે ઘટના અચાનક જ બની જાય છે પરંતુ એ જ્યારે આકાર લેવા માંડે ત્યારે તેને સમજી શકે એજ સાચો રાજકારણી ગણી શકાય. કારણ કે, તાવ અને સમસ્યા અચાનક જ આવી જાય છે પરંતુ જરૂર છે તેને લક્ષણ જોઇને ઓળખવાની. આ વાત જે જાણી જાય તે જ ખરો રાજકારણી છે. મહારાષ્ટ્રમાં જે બની રહ્યું છે તે કોઇ એક દિવસની વાત નથી અગાઉથી જ તે ચાલી આવતું હશે.
પરંતુ ઉધ્ધવ ઠાકરે અને તેમની નજીકના આ લક્ષણ જાણવામાં થાપ ખાઇ ગયા અને તેનું જ આ પરિણામ છે. કે અચાનક સામેની બાજુનું વજન વધી ગયું. જ્યારે નવનીત રાણા અને તેના પતિની ધરપકડ થઇ અને તેઓ હનુમાન ચાલીસાની વાત કરી રહ્યાં હતાં ત્યારે મહારાષ્ટ્રમાં જે થઇ રહ્યું હતું તે શિવસેનાના લોહી કરતાં કંઇ જુદુ જ હતું. તેવી જ રીતે રાજ ઠાકરે જે રીતે લાઉડ સ્પીકરનો વિરોધ કરી રહ્યાં હતાં તે સમયે શિવસેનાનું જે સ્ટેન્ડ હતું તે પણ બાલાસાહેબના લોહી કરતાં અલગ પડતું હતું.
રાજ ઠાકરે પણ ચોક્કસ કારણસર લાઉડ સ્પીકરની વાત કરી રહ્યાં હતાં. જો તેમને હિન્દુત્વ માટે એટલી જ લાગણી હોત તો તેઓ થોડા દિવસ લાઉડ સ્પીકરની વાત કરીને ચૂપ કેમ બેસી ગયા? તે સમયે પણ ઉધ્ધવ ઠાકરે થાપ ખાઇ ગયા. અલબત થાપ ખાઇ ગયા એવું તો નહીં કહી શકાય પરંતુ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનનના કારણે તેમણે ગાંધારીની ભૂમિકામાં આવી જવુ પડ્યું હતું. તે સમયથી જ શિંદે એન્ડ કંપનીનું લોહી ઉકળી રહ્યું હતું. બળવાખોરો વિચારધારાને કારણે એકબીજાની નજીક આવી રહ્યાં હતાં. તે સમયે જો ઠાકરે આ લક્ષણ પારખી ગયા હોત તો તેમણે આ સમસ્યાનો સામનો કરવો નહીં પડતે.