સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે ગંગોત્રી રેસિડેન્સીમાં રહેતા 47 વર્ષીય મુકેશ ભીખા પટેલ ટ્યુશન શિક્ષક (Tuation Teacher) છે. ગત 18 જૂને તેમના ફોન (Phone) ઉપર અજાણ્યા નંબર પરથી મેસેજ (Message) આવ્યો હતો, જેમાં તમારા છેલ્લા ઇલેક્ટ્રિસિટીનું બિલ અપડેટ થયું નથી. જે અપડેટ કરાવવા માટે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા કહ્યું હતું. જેથી સાંજે તેમણે આ નંબર પર ફોન કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ તમારું ઇલેક્ટ્રિસિટી બિલ અપડેટ થયું નથી. અમે બિલ અપડેટ કરવા માટે તમને જે રીતે પ્રોસિજર કરવા માટે કહું તે રીતે કરો, એટલે બિલ અપડેટ થઈ જશે. બાદમાં ટીમ વ્યુવર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બાદમાં ગૂગલમાં રિચાર્જ ક્યુબ નામની સાઈટ ઓપન કરાવી હતી. જેમાં નામ, સરનામું અને 5 રૂપિયાની અમાઉન્ટ પ્રોસિડ કરવા જણાવ્યું હતું. જેમાં ડેબિટ કાર્ડનો નંબર અને સીવીવી નંબર એન્ટર કરવા કહેતાં આવેલો ઓટીપી માંગી તેમના ખાતામાંથી ટુકડે ટુકડે 80 હજાર ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.
રાંદેરમાં વકીલના મકાનમાંથી 5 લાખ રોકડ અને દાગીના મળી 11.72 લાખની ચોરી
સુરત: રાંદેર મોરાભાગળ ખાતે રહેતા વકીલના મકાનમાંથી ગઈકાલે રાત્રે તસ્કરો દરવાજાનો નકુચો તોડી દાગીના અને રોકડ 5 લાખ મળી 11.72 લાખની ચોરી કરી ગયા હતા. સીસીટીવીમાં ઇકો કારમાં આવેલા ચાર તસ્કરો નજરે પડે છે. રાંદેર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
મોરાભાગળ ખાતે દુર્ગાપુરી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય નિમેષભાઇ રાજેશભાઇ પટેલ વકીલાતનો વ્યવસાય કરે છે. ગઈકાલે નિમેષભાઈના નાનાનું નિધન થતા તેઓ એકલા કમરોલી ગામ ઓલપાડ ખાતે ગયા હતા. ત્યારે તેમની પત્ની અને બે સંતાનો ઘરે જ હતા. રાત્રે તેઓ ઘરે આવ્યા બાદ ઉપરના રૂમમાં સુવા માટે ગયા હતા. તેમની પત્ની અને બાળકો નીચેના રૂમમાં હતા. રાત્રે તેમની પત્ની દરવાજો બંધ કરીને ઉપર સુવા ગઈ હતી. સવારે ઉઠીને જોતા ઉપરના રૂમનો દરવાજો બહારના ભાગેથી બંધ હતો. જેથી તેમના છોકરાએ અંદરથી હાથ નાખી દરવાજો ખોલ્યો હતો. નીચે આવીને જોતા ઘરનો મેઈન દરવાજાનો નકુચો તુટેલો હતો. અંદરના રૂમમાં જઈને જોતા કબાટમાંથી મુકેલા દાગીનાની ચોરી થઈ હતી. જેમાં 6.72 લાખના દાગીના અને રોકડ 5 લાખની ચોરી થઈ હતી. કબાટમાંથી કુલ 11.72 લાખની ચોરી થઈ હતી. રાંદેર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા ચાર અજાણ્યા ઇકો કારમાં આવીને ચોરી કરી નાસી ગયા હોવાનું સીસીટીવીમાં દેખાય છે. આ ઇકો કાર માંડવીથી ચાર દિવસ પહેલા ચોરી થઈ હતી. અને ચોરી કરીને તસ્કરો કડોદરા-પલસાણા સુધી જઈને બાદમાં ગાયબ થઈ ગયા હતા.