ઇસ્લામના સ્થાપક મોહમ્મદ પયગમ્બરના વિવાદની જેમ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના લગ્નજીવન આસપાસનો વિવાદ પણ જોર પકડી રહ્યો છે. રોમન કેથોલિક ચર્ચ ઇસુ ખ્રિસ્તને કુંવારા એટલે કે બાળ બ્રહ્મચારી માને છે. તેમની આ માન્યતાને આધારે આજે પણ ખ્રિસ્તી પાદરીઓને તેમ જ સાધ્વીઓને લગ્ન કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. ડાન બ્રાઉન નામના લેખકે ઇ.સ.૨૦૦૩માં ‘દા વિન્સી કોડ’નામની નવલકથા લખી હતી.
આ પુસ્તકમાં અનેક સાંયોગિક પુરાવાઓ દ્વારા એવું સાબિત કરવાની કોશિશ કરવામાં આવી હતી કે ઇસુ ખ્રિસ્ત પરણેલા હતા અને તેમની પત્નીનું નામ મેરી મેગ્દોલેન હતું. બાઇબલમાં જે સ્ત્રી પર પથ્થરો મારવાની વાત કરવામાં આવી છે તે સ્ત્રી મેરી મેગ્દોલન હતી અને તે ઇસુ ખ્રિસ્તની પત્ની હતી. આ પુસ્તકને કારણે બહુ મોટો વિવાદ થયો હતો.
હવે કરેન કિંગ નામની ઇતિહાસ લેખિકાએ ચોથી સદીની એક હસ્તપ્રત દ્વારા સાબિત કર્યું છે કે ઇસુ ખ્રિસ્ત ખરેખર પરણેલા હતા. કરેન કિંગે આ સંશોધન રોમની જ એક પરિષદમાં રજૂ કર્યું હોવાથી રોમન કેથોલિક ચર્ચમાં ઉહાપોહ મચી ગયો છે. ધર્મમાં જ્યારે રાજકારણ ભળે છે ત્યારે ધર્મ તેનું અસલ સ્વરૂપ ગુમાવી બેસે છે. વર્તમાનમાં વિશ્વમાં જેટલા પણ ધર્મો છે તેના સંસ્થાપકો દ્વારા જે ધર્મની સ્થાપના થઇ હતી એ ધર્મનું સ્વરૂપ આજે બદલાઇ ગયું છે. તેના માટે આ ધર્મને પોતાનો રાજ્યધર્મ બનાવનારા રાજાઓ અને ધર્મગુરુઓ જવાબદાર છે.
આજે દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મનો મુખ્ય ઠેકો રોમન કેથોલિક ચર્ચના હાથમાં છે, જેના વડા ધર્મગુરુ પોપ દુનિયાભરના રોમન કેથોલિક અનુયાયીઓના નેતા છે. આ રોમન કેથોલિક ચર્ચની સ્થાપના ઇસુ ખ્રિસ્તે નહોતી કરી પણ રોમન સમ્રાટ કોન્સ્ટન્ટિનોપોલે ઇસુની બીજી સદીમાં કરી હતી. રોમન કેથોલિક ચર્ચની સ્થાપના પાછળ કોન્સ્ટન્ટિનોપોલનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવાનો નહોતો પણ ધર્મનો ઉપયોગ કરીને પોતાના સામ્રાજ્યનું વિસ્તરણ કરવાનો હતો.
‘દા વિન્સી કોડ’ના લેખક ડાન બ્રાઉનનો એવો દાવો છે કે ઇસુ ખ્રિસ્ત કોઇ ફરિશ્તા કે દેવદૂત નહોતા, પણ કાળા માથાના માનવી હતા. તેઓ એક મહાન તત્ત્વવેત્તા હતા અને તેમણે જેરુસલેમ તેમ જ આસપાસ વસતા લોકોને તત્ત્વજ્ઞાનના પાઠો ભણાવ્યા હતા. ડાન બ્રાઉનના કહેવા મુજબ ઇસુ ખ્રિસ્તે મેરી મેગ્દોલેન નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. ઇસુ ખ્રિસ્તને જ્યારે શૂળીએ ચડાવવામાં આવ્યા ત્યારે મેરી મેગ્દોલેન ગર્ભવતી હતી, એવો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ ડાન બ્રાઉને પોતાના પુસ્તકમાં કર્યો છે.
ડાન બ્રાઉને તો ત્યાં સુધી લખ્યું છે કે આજની તારીખમાં પણ અત્યંત ગુપ્ત રીતે ઇસુના વંશવારસોને સાચવવામાં આવી રહ્યા છે. રોમન સમ્રાટ કોન્સ્ટન્ટિનોપોલ ઇસુ ખ્રિસ્તને ઇશ્વરીય અવતાર બતાડવા માંગતા હતા માટે તેમણે તે સમયના લેખકો પાસે ઇસુનું કાલ્પનિક જીવનચરિત્ર લખાવડાવ્યું હતું, જેમાં તેમના ચમત્કારોની કથાઓ ઉપજાવી કાઢવા ઉપરાંત ઇસુને બાળ બ્રહ્મચારી બતાવવામાં આવ્યા હતા. કોન્સ્ટન્ટિનોપોલ ખ્રિસ્તી પાદરીઓનો ઉપયોગ પહેલા તેમના ધર્મના પ્રચાર માટે અને પછી પોતાના સામ્રાજ્યના વિસ્તરણ માટે કરવા માંગતો હતો. આ પાદરીઓ જો લગ્ન કરીને સંસાર માંડે તો તેઓ ધર્મપ્રચારની જવાબદારીઓનું વહન કરી શકે નહીં. આ કારણે પાદરીઓને બ્રહ્મચારી રાખવા કોન્સ્ટન્ટિનોપોલે ઇસુ ખ્રિસ્ત બ્રહ્મચારી હતા, એવો કાલ્પનિક ઇતિહાસ ઉપજાવી કાઢ્યો હતો.
બાઇબલમાં મેરી મેગ્દોલેનનો ઉલ્લેખ એક વેશ્યા તરીકે કરવામાં આવ્યો છે. આ વેશ્યાને ધિક્કારતા લોકો તેને પથરાઓ મારીને ઇજા પહોંચાડી રહ્યા હતા. ઇસુ ખ્રિસ્તે ત્યાં આવીને ટોળાંને પથરાઓ મારતા અટકાવ્યા હતા અને યાદગાર વાક્ય ઉચ્ચાર્યું હતું કે ‘જેણે કદી પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર મારે.’ આ શરત સાંભળી આખું ટોળું વિખરાઇ ગયું હતું. ડાન બ્રાઉનના કહેવા મુજબ આ મેરી મેગ્દોલેન સાથે જ ઇસુ ખ્રિસ્તે લગ્ન કર્યા હતા. મેરી મેગ્દોલેન વેશ્યા નહોતી પણ એક સીધીસાદી સ્ત્રી હતી, જે ઇસુની શિષ્યા પણ હતી. સમ્રાટ કોન્સ્ટન્ટિનોપોલે તેને બદનામ કરવા તેનું ચિત્રણ વેશ્યા તરીકે કરાવ્યું હતું, એમ ડાન બ્રાઉન કહે છે. ડાન બ્રાઉનનું આ પુસ્તક પણ વિવાદાસ્પદ બન્યું છે.
બાઇબલમાં ઇસુના અંતિમ સમયનું વર્ણન કરવામાં આવ્યું છે. ઇસુને જ્યારે વધસ્થંભ ઉપર ચડાવવામાં આવ્યા ત્યારે ત્યાં ત્રણ મેરી હાજર હતી. તેમાંની એક ઇસુની માતા મેરી હતી, બીજી તેમની પત્ની મેરી મેગ્દોલેન હતી અને ત્રીજી મેરી નામની તેમની શિષ્યા હતી. બાઇબલની કથા મુજબ ઇસુને કબરમાં દાટી દેવામાં આવ્યા ત્યારે પણ મેરી મેગ્દોલેન ત્યાં હાજર હતી. ડાન બ્રાઉન કહે છે કે ઇસુની પત્ની બાબતના ઉલ્લેખો જે ગ્રંથોમાં કરવામાં આવ્યા હતા તેનો કોન્સ્ટન્ટિનોપોલે નાશ કરાવ્યો હતો.
ઇસુ ખ્રિસ્ત પરણેલા હોય કે કુંવારા, તેનાથી વર્તમાન ખ્રિસ્તી પાદરીઓને કાંઇ ફરક પડવો ન જોઇએ. જૈન ધર્મના ૨૪ તીર્થંકરોમાંથી ૨૨ તીર્થંકરોએ લગ્ન કર્યા હતા અને પછી સંસારનો ત્યાગ કરીને ધર્મ શાસનની સ્થાપના કરી હતી. તેમ છતાં તેમણે પોતાના સાધુ-સાધ્વીજી માટે બ્રહ્મચર્ય વ્રત ફરજિયાત બનાવ્યું છે. ગૌતમ બુદ્ધ પણ પરણેલા હતા. તો પણ તેમના સાધુઓ બ્રહ્મચર્ય વ્રત અવશ્ય પાળે છે. આજના જૈન અથવા બૌદ્ધ સાધુઓ એવી દલીલ નથી કરતા કે અમારા ધર્મના સ્થાપકોએ લગ્ન કર્યા હતા તો અમે શા માટે લગ્ન કરી ન શકીએ? તેવી રીતે જો ઇતિહાસ દ્વારા ખરેખર સાબિત થાય કે ઇસુ ખ્રિસ્તે લગ્ન કર્યા હતા, તો ખ્રિસ્તી પાદરીઓએ તેની ચિંતા ન કરવી જોઇએ. તેમને બ્રહ્મચર્ય પાળતા કોણ રોકી શકે છે? જો તેઓ બ્રહ્મચર્ય ન પાળી શકતા હોય તો તેમણે દંભનો ત્યાગ કરવો જોઈએ.