Dakshin Gujarat

ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ હાલાકી, ઠેરઠેર પાણી ભરાયા

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં એક દિવસનાં વિરામ બાદ વરસાદે (Rain) ફરી એન્ટ્રી (Entry) કરતા સમગ્ર વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે. બુધવારે (Wednesday) ડાંગ જિલ્લાનાં વઘઇ, રંભાસ, આહવા, બોરખલ, નીલશાક્યા, નાંદનપેડા સહીતનાં પંથકોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. વઘઇ પંથકમાં થોડા સમય માટે પડેલા ધોધમાર વરસાદનાં પગલે બારખાંદિયા ગામ ખાતેનો લો લેવલ પરનાં બ્રિજ પરથી પાણી ફરી વળ્યા હતા. જ્યારે સાપુતારા અને સુબિર સહિતનાં પંથકોમાં બુધવારે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં બુધવારે વરસાદી માહોલનાં પગલે સમગ્ર પંથકોમાં ધૂમ્મસીયા વાતાવરણે ઘેરાવો ભરતા વિઝીબીલીટી ઘટી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે બુધવારે વરસાદી માહોલની સાથે સમયાંતરે ધૂમ્મસીયુ વાતાવરણ સર્જાતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે આહવા પંથકમાં 09 મિમિ, સુબિર પંથકમાં 07 મિમિ, વઘઇ પંથકમાં 18 મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદનાં પગલે બારખાંદિયા ગામને જોડતો લો લેવલનો કોઝવેકમ પુલ પાણીમાં ગરક થયો હતો. જોકે આ લો લેવલનાં કોઝવેકમ પુલ પરથી થોડાક સમય બાદ તરત જ પાણી ઓસરી ગયુ હતુ.

કોસંબા-તરસાડીમાં ભારે ગરમી બાદ વરસાદ તૂટી પડ્યો, રસ્તા પર પાણી ભરાયા
હથોડા: કોસંબા-તરસાડી વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે ગરમી અને બફારા વચ્ચે બુધવારે વિધિવત રીતે ચોમાસું જામી ગયું હોય તેમ મેહુલિયો મન મૂકીને વરસી પડ્યો હતો. સાંજના સમયે મન મૂકીને વરસી રહેલા વરસાદને કારણે તરસાડી વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર તેમજ નીચાણવાળા વિસ્તારમાં ચારેકોર વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે કોસંબા-તરસાડી વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતાં નાના વાહનચાલકોને તેમજ સ્થાનિક લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ખોલવડ પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાતાં ટ્રાફિકજામ
કામરેજ: બુધવારે સાંજ સુધી ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં કામરેજ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સાંજે 4 કલાકે શરૂ થયેલા વરસાદને લઈ કામરેજ ચાર રસ્તા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર 2 કલાક જ 85 એમએમ એટલે કે 3.34 ઈંચ વરસાદ પડવાને કારણે ખોલવડ પાસે સર્વિસ રોડ તેમજ નેશનલ હાઈવે નં.48 પર પાણી ભરાઈ જતાં હાઈવે પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. સર્વિસ રોડ પર કેડસમા પાણી ભરાઈ જતાં રોડ બંધ થઈ ગયો હતો. અને વાહનચાલકો ફસાઈ ગયા હતા.

Most Popular

To Top