ઘણા બધા વિદ્વાનોનું માનવું છે વેદ, વેદાંગ અને ઉપનિષદો એટલા બધા ગૂઢ અને રહસ્યોસભર છે કે જેને સમજવા માટે સામાન્ય માણસોની મતિ અલ્પ ગણાય છે અને કદાચ એટલે સમગ્ર જનસમુદાય સંસ્કૃતિને, ધર્મને, જીવન વ્યવહારિકતાની કથાઓને, સંસ્કારને અને વેદ-ઉપનિષદોમાં રહેલી જીવન ઉદ્ધારક વાતો છે તેને સહજ અને સરળતાથી સમજાવવા માટે પુરાણોનું સર્જન થયું છે. સનાતન ધર્મમાં ૧૮ પુરાણો છે. જેમાં વધુને વધુ વંચાતુ – સંભળાતુ પુરાણ હોય તો તે શ્રીમદ ભાગવત પુરાણ છે. દરેક પુરાણોનો રચનાકાળ અલગ- અલગ છે. ભાગવત પુરાણની રચના વેદ વ્યાસજી દ્વારા કળીયુગની શરૂઆતમાં એટલે કે ઇ.સ. પૂર્વે 3100 વર્ષ પહેલાં થઇ હોવાનું મનાય છે. જ્ઞાન, ભકિત, અધ્યાત્મ અને વૈરાગ્યનો અનુપમ, અદ્ભુત ગ્રંથ પૌરાણિક કાળથી સર્વ જનપ્રિય રહ્યો છે.
શ્રીમદ્ ભાગવત પુરાણ 12 સ્કંધ, 335 અધ્યાય, 18 હજાર શ્લોક અને 300 લાખ અક્ષરો દ્વારા નિર્મિત વ્યાસજીની શ્રેષ્ઠ માનવ કલ્યાણની રચના છે. સર્વ વૈદિક સાહિત્ય અને વેદાંતિક સિધ્ધાંતોના સાર સર્વ સ્વીકૃત ધર્મગ્રંથની મહત્ત્વતાને સિધ્ધ કરતા ભાગવતમાં જ લખાયું છે કે,
સર્વવેદાંત સારંહી I
શ્રી ભાગવતમ્ ઇષ્યતે II
તદ્ રસામૃત તૃપ્તસ્ય I
નાન્યત્ર સ્યાદ્ રતિ: કવચિત II
(ભા. 12-13-15)
અર્થાત્: શ્રીમદ્ ભાગવત સર્વ વૈદિક સાહિત્ય અને સિધ્ધાંતોના સાર રૂપે સર્વ સ્વીકૃત છે જે કોઇ એક વખત તેના અમૃતનું રસપાન કરે છે તે પછી કોઇ અન્ય શાસ્ત્રો પ્રત્યે આકર્ષાતો નથી. સર્વ સનાતનીનો પ્રિય એવો આ ગ્રંથ ખાસ કરીને વૈષ્ણવોમાં સર્વોચ્ચ સ્થાને છે. સનાતની ધર્મ અને સંસ્કૃતિનો વિશ્વકોશ કહેવો એ જરાપણ અનુચિત એટલા માટે નથી કે હિન્દુ સમાજની ધાર્મિક, સામાજીક અને લૌકિક મર્યાદાઓની પ્રેરણા આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભાગવતમાં છે સકામ કર્મ, નિષ્કામ કર્મ, જ્ઞાન, સાધના, ભકિત, અનુગ્રહ, મર્યાદા, દ્વૈત-અદ્વૈત, નિર્ગુણ-સગુણ તથા વ્યકત – અવ્યકતના રહસ્યોની સરળ સમજ. સર્વ પ્રકારનું કલ્યાણ કરનાર ભાગવત આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રિવિધ તાપનું શમન કરે છે.
વર્તમાનમાં સમાજ વચ્ચે રહેતા માણસ શારીરિક, માનસિક, વ્યવહારિક, વ્યવસાયિક કે આધ્યાત્મિક કષ્ટ ભોગવતો હોય તો તે પાંચ હજારથી વધુ વર્ષો પહેલા રચાયેલા આ ગ્રંથમાં તેના ઉલ્લેખ અને ઉકેલની કથાઓ છે. માટે શ્રીમદ્ ભાગવત કથા વાંચવી કે સાંભળવી જોઇએ. ભાગવત તો એક અદ્ભૂત, અલ્પનિય કલ્પવૃક્ષ છે. કોઇ વૃક્ષ અમૃત જેવા રસથી રસદાર હોય, મૂળ, થડ અને છેક ટોચ સુધીની ડાળીઓ અને પાંદડાઓ રસદાર હોય પણ તેમાં ફળ જ ના હોય તો તેનો રસાસ્વાદ કેવી રીતે માણી શકાય?! ભાગવત એવું જ કલ્પવૃક્ષ છે. જ્ઞાન, ભકિત અને શ્રધ્ધા સાથે જીવતો સંસારી ભાગવતની અંદર રહેલા રસાસ્વાદને માણવો હોય તો ફળ સમાન ભાગવત કથાનું શ્રવણ કરવું જોઇએ. કથાશ્રવણનું આ ફળ સંતોષ સાથે અતૃપ્ત પણ રાખે છે એટલે વારંવાર રસાસ્વાદની મંસા કાયમ રહે છે.
આપણા ધર્મગ્રંથોમાં વધુને વધુ વંચાતો કે કથા સ્વરૂપે શ્રવણ કરાતો ગ્રંથ હોય તો તે છે શ્રીમદ્ ભાગવત પુરાણ. રાષ્ટ્રમાં ભાગવત કથાકારો વધુ છે જે પ્રાંત મુજબ પ્રાદેશિક ભાષાઓમાં ભાગવતકથાનું રસપાન કરાવે છે. અર્જુનનો પૌત્ર અને અભિમન્યુના પુત્ર રાજા પરિક્ષિતને કોઇ બ્રાહ્મણ શ્રાપ મળેલો કે સાત દિવસ પછી સાપ કરડવાથી તારું મૃત્યુ નિશ્ચિત છે. રાજા પરિક્ષિતે શ્રાપ સાંભળી સતત ભકિત અને જ્ઞાન મેળવવા રાજગાદીનો ત્યાગ કરી દીધો એ સમયે જ શુકદેવજી મહારાજ તેના રાજયમાં આવે છે અને પરિક્ષિત રાજા તેમને વંદન કરી મોક્ષનો માર્ગ બતાવવા જણાવે છે. શુકદેવજી સતત સાત દિવસ અન્ન-પાણી અને નિંદ્રા ત્યાગી ભાગવતની કથા સંભળાવે છે.
એટલે એવું કહેવાય છે ભાગવતની કથાનું આયોજન સપ્તાહના સાત દિવસ સુધીનું હોય છે. જેને આપણે ‘ભાગવત સપ્તાહ’ કહીએ છીએ. ઋષિ લોમહર્ષણનો પુત્ર અને વ્યાસજીનો શિષ્ય ઉગ્રશ્રવા ખુબ જ્ઞાની હતો. ઉગ્રશ્રવા વિદ્વાન અને કથાવાચક હતા. એકવાર નૈમિષારણ્યમાંથી પસાર થતા ઋષિઓના આશ્રમમાં રોકાયા અને ઋષિ-મુનિ-તપસ્વીઓના સમુહમાં આગ્રહને વશ ભાગવતની કથાનું શ્રવણ કરાવ્યું. ચિત્ર-વિચિત્ર, જ્ઞાનસભર, બૌધપ્રેરક કથાશ્રવણથી સમગ્ર નૈમિષારણ્યવાસી ઋષિ-મુનિઓ પાવન થઇ ગયા. આ કથાઓમાં વિષ્ણુના ચોવીસ અવતારની સવિસ્તર વાતો છે તો કૃષ્ણ ભગવાનની સોળ કલાઓનું વર્ણન પણ છે.
આશ્ચર્ય અનુભવાય તેવી કાળગણનાની વાતો પણ એક સ્કંધમાં આવે છે. જેની ઝલક માત્ર જોઇએ તો અણુથી મુહુર્ત સુધીની એવી છે કે વસ્તુના સુક્ષમતમ સ્વરૂપને પરમાણું કહે છે. બે પરમાણું દ્વારા એક અણુ અને ત્રણ અણુ મળીને એક ત્રસરેણુ બને છે. આ ત્રસરેણુને પાર કરવામાં સૂર્યકિરણને જેટલો સમય લાગે છે તેને ત્રુટિ કહે છે. સો ત્રુટિ બરાબર એક કાલવેધ બને છે. ત્રણ કાલવેધ બરાબર એક લવ બને છે. ત્રણ લવ બરાબર એક નિમેષ, ત્રણ નિમેષમાંથી એક ક્ષણ બને છે. પાંચ ક્ષણોની એક કાષ્ટા અને પંદર કાષ્ટાનું સ્વરૂપ એટલે લઘુ. પંદર લઘુઓની એક નાડિકા અને બે નાડિકાનું એક મુહૂર્ત ગણાય છે. આ મુહૂર્ત મળી એક પ્રહર મળે છે.
અહિં સંક્ષિપ્તમાં આ માહિતી ભાગવતમાં ખૂબ વિસ્તારપૂર્વક વર્ણવાઇ છે. સામાન્ય રીતે ભાગવત સપ્તાહ એક ઉત્સવપૂર્ણ પર્વની જેમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ સંપૂર્ણ સપ્તાહ દરમ્યાન રસપ્રદ પ્રસંગો આવે તેને ઉજવવાનો આનંદ યજમાનના આંગણે અનેરો હોય છે. વ્યાસપીઠ પર પોથી પધરાવવાના અવસરે બેન્ડવાજા અને ફટાકડા સાથે નાચતા-કૂદતા હરિભજન સાથેની પોથીયાત્રાનો પ્રસંગ યાદગાર હોય છે. ભગવાન વામન અવતાર, કૃષ્ણ જન્મ, રૂકમણી વિવાહ, તુલસી વિવાહ જેવા કથા દરમ્યાન આવતા પ્રસંગોને ખૂબ ધામધૂમથી ઉજવવાનો એક ટ્રેન્ડ બની ગયો છે.
કથાશ્રવણ કરતા શ્રધ્ધાળુઓ, ભાવિકો માટે કથા વધુ રસપ્રદ બને એટલે સંગીતમય વાતાવરણમાં ભાગવત સપ્તાહનું આયોજન હોવું એ સહજ બની ગયું છે. ખરેખર તો 50-60 પછી જ કથા સાંભળવાની ઉંમર હોવાની આપણી ગ્રંથિ છોડી સાત દિવસ માટે ભાગવત સપ્તાહની કથા સાંભળવા નોકરી – ધંધામાંથી સમય કાઢવો જોઇએ. મોબાઇલ, કોમ્પ્યુટર અને ઇલેકટ્રોનિકસના યુગમાં નષ્ટ થઇ રહેલી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા આપણા બાળકો, યુવાનો- યુવતીઓને ભાગવત કથા સાંભળવા પ્રેરિત કરવા જોઇએ.
જોકે ઇશ્વરીય વાતાવરણનું સામીપ્ય પામવાનું પણ નસીબ હોવું જોઇએ. એ અંગેનો એક કિસ્સો યાદ આવે છે કે, એક ધનવાન શેઠ દરેક રીતે ખૂબ સુખી હતા. તેમના પત્નીએ એક વાર કહ્યું કે હવે બહુ ધન કમાયા, થોડી ભાવ-ભકિત પણ કરો… શેઠે ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ અને નકકી કર્યું કે ઓફિસ, ફેકટરી, ફોન-મોબાઇલ 7 દિવસ બંધ માત્રને માત્ર કથા -શ્રવણ કરવું છે. પ્રથમ દિવસે વ્યાસપીઠ પર પોથી પધરાવવા ધામધૂમથી પોથીયાત્રા કઢાઇ બેન્ડવાજા, DJ અને ફટાકડાના અવાજથી એ શેઠના કાનમાં ધાક પડી ગઇ મતલબ કે કશું સંભળાય નહિ છતા કાલે કાનની ધાક ખૂલી જશે એવી આશાએ કથામાં બેસી રહ્યા. બીજો – ત્રીજો દિવસ ધાક ના ખૂલી, શેઠ હિંમત ના હાર્યા અને સતત સાત દિવસ કથામાં બેસી રહ્યા અને અંતે છેલ્લા દિવસે વ્યાસપીઠ પરથી પોથીને વિદાય આપવાના સમયે પણ ધામધૂમથી પોથી યાત્રા કાઢી અને એ જ બેન્ડવાજા – DJ અને ફટાકડાની વિદાય પોથીયાત્રા દરમ્યાન શેઠના કાનની ધાક ખૂલી ગઇ અને સાંભળતા થઇ ગયા પણ કથા શ્રવણનો તો લાભ ના જ મળ્યો. એટલે કે કોઇ સત્કાર્ય માટે પણ નસીબ જોઇએ.