Columns

ઘઉંનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે

દુનિયામાં એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ પડદા પાછળ જબરદસ્ત ફૂડ વોર ચાલી રહી છે. યુક્રેન સાથેના યુદ્ધના બહાને રશિયાએ ઘઉંની નિકાસ પર રોક લગાવી દીધી. તેને કારણે દુનિયાના અનેક દેશોમાં ભૂખમરાની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. રશિયાએ યુક્રેનના બંદરોનો ઘેરો ઘાલીને, ત્યાંથી થતી ઘઉંની નિકાસ પણ અટકાવી દીધી છે. રશિયા હવે ઘઉંનો મોટા પાયે સંગ્રહ કરી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં ફૂડ કટોકટી પેદા થાય તેમ છે. તેવા સંયોગોમાં રશિયા સંગ્રહિત કરવામાં આવેલા ઘઉંનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે તેવું પણ બની શકે છે.

દુનિયાના અનેક દેશો ઘઉંની અછતથી ટળવળી રહ્યા છે, ત્યારે તુર્કીના અધિકારીઓએ ભારતીય ઘઉંની ખેપ લેવાનો ઈનકાર કરી દીધો છે. તુર્કીનું કહેવું છે કે આ ઘઉંમાં ‘રુબેલા વાયરસ’ મળ્યો છે. રશિયા – યુક્રેન યુદ્ધ પછી તુર્કીમાં ઘઉંનું સંકટ ઊભું થઈ ગયું છે. તેમ છતાં તેણે 29 મેએ ભારતીય ઘઉંની ખેપ પાછી મોકલી દીધી. અધિકારીઓનું કહેવું છે કે ભારતથી આવેલા ઘઉંમાં ફાઈટોસેનિટરીની સમસ્યા છે. તુર્કી હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં મોંઘવારીનું સ્તર 70 %ને પાર કરી ચૂક્યું છે અને ચારે તરફ તુર્કીના પ્રેસિડન્ટ રેચેપ તૈયબ એર્દોગનની આર્થિક નીતિઓની ટીકા થઈ રહી છે.

તુર્કીએ 56,877 ટન ઘઉંની ખેપ સાથે પોતાના જહાજને ગુજરાતના કંડલા બંદરે પાછું મોકલી દીધું છે. S & P ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. અહેવાલો મુજબ તુર્કીના એક વેપારીએ કહ્યું કે, ભારતીય ઘઉંમાં રુબેલા વાયરસ મળ્યો છે. જેના કારણે દેશના કૃષિ મંત્રાલયે તેને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. આ જહાજ મધ્ય જૂન સુધીમાં ગુજરાત પહોંચશે. તુર્કીના આ નિર્ણય પાછળ મોટી રાજકીય લડાઈ કે કોર્પોરેટ લડાઈ પણ હોઈ શકે છે.

તુર્કી દ્વારા ભારતના જે ઘઉં પાછા મોકલાઈ રહ્યા છે, તે ભારતે તુર્કીને વેચ્યા જ નહોતા. આ ઘઉંની ભારતની ITC કંપની દ્વારા નેધરલેન્ડમાં નિકાસ કરવામાં આવી હતી. નેધરલેન્ડમાં ભારતના ઘઉંની આયાત સ્વિત્ઝર્લેન્ડની કંપની દ્વારા કરવામાં આવી હતી. ભારતના કંડલા બંદરેથી આ ઘઉં ભરેલું જહાજ નેધરલેન્ડ મોકલવામાં આવ્યું હતું. નેધરલેન્ડથી તેને તુર્કી તરફ રવાના કરવામાં આવ્યું હતું. તુર્કી દ્વારા તેને રિજેક્ટ કરવામાં આવ્યું તેની પાછળ આરોગ્યનું કારણ નહીં પણ અનાજની આયાત – નિકાસ કરતી મલ્ટિનેશનલ કંપનીઓ વચ્ચેની કોર્પોરેટ વોર પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

તુર્કીમાં ઘઉંનું ગંભીર સંકટ ઊભું થયું છે. એર્દોગન સરકાર વિદેશોમાંથી ઘઉં ખરીદવાના વિકલ્પ શોધી રહી છે. ભારતે સ્થાનિક માંગને જોતા ઘઉંની નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે પરંતુ તેમ છતાં 12 દેશોએ મદદ માટે અપીલ કરી હતી. નિકાસ પર રોક છતાં ભારતે ઈજિપ્તને 60,000 ટન ઘઉં મોકલ્યા હતા. માત્ર તુર્કી જ નહીં સમગ્ર દુનિયા હાલમાં ઘઉંના ઓછા – વધારે સંકટનો સામનો કરી રહી છે. જેનું કારણ રશિયા – યુક્રેન યુદ્ધ છે. જેણે ગ્લોબલ સપ્લાય ચેઈનને પ્રભાવિત કરી છે.

રશિયા અને યુક્રેન બંને ઘઉંના મોટા ઉત્પાદક છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મુજબ આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં ખવાતી દર બીજીથી ત્રીજી રોટલી યુક્રેનના ઘઉંમાંથી બનેલી હોય છે. ગ્લોબલ માર્કેટમાં દુનિયાના એક ચતુર્થાંશ ઘઉં રશિયા અને યુક્રેનમાંથી આવે છે. તુર્કીના નિર્ણયથી ઈજિપ્ત સહિત અન્ય દેશો મુંઝવણમાં મુકાઈ ગયા છે, જ્યાં થોડા દિવસોમાં જ ભારતીય ઘઉં પહોંચવાના છે. ભારત સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલા 15 લાખ ટન ઘઉં ભારતના બંદરોથી રવાના થઈ ગયા હતા. આ ઘઉં હજુ રસ્તામાં છે. જો દુનિયાના બીજા દેશો પણ તુર્કીની જેમ ભારતના ઘઉં રિજેક્ટ કરી દેશે તો ભારતમાંથી ઘઉંની નિકાસ કરતી કંપનીઓ તકલીફમાં મુકાઈ જાય તેમ છે. જે ઘઉંને બીજા દેશો દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા હોય, તેને સ્થાનિક બજારમાં પણ વેચી શકાય નહીં.

તુર્કી દ્વારા ભારતના ઘઉં રિજેક્ટ કરવામાં આવ્યા તેનું કારણ રાજકીય લડાઈ પણ હોઈ શકે છે. તુર્કી પાકિસ્તાનનું મિત્ર અને ભારતનું વિરોધી માનવામાં આવે છે. ભારતે કાશ્મીરને સ્વાયત્તતા આપતી 370ની કલમ રદ કરી તેની તુર્કીની સરકારે કડક ટીકા કરી હતી. વળી, તુર્કી અમેરિકાની પણ નજીક છે. ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો, તેની G-7ના દેશો દ્વારા ટીકા કરવામાં આવી હતી, જેમાં અમેરિકા પણ સામેલ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતને ઘઉંની નિકાસ ફરી શરૂ કરવા ભારતને વિનંતી કરી હતી, જેનો ભારતે ઇનકાર કર્યો હતો. હવે ભારતને પાઠ ભણાવવા તુર્કી દ્વારા ભારતના ઘઉં રિજેક્ટ કરવામાં આવ્યા હોઈ શકે છે. ફૂડ સંકટનો સામનો કરી રહેલા અનેક દેશો ઘઉં માટે હવે ભારત પર નિર્ભર છે. એવામાં ભારતીય ઘઉંને લઈને તુર્કીની ફરિયાદો સંકટગ્રસ્ત દેશોની મુશ્કેલી વધારી શકે છે. રાજકીય લડાઇના કારણે કરોડો લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું તે પછી ભારત – રશિયા તરફ વધુ ઝૂકતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. UNOમાં રશિયા વિરુદ્ધ જેટલા પણ ઠરાવો લાવવામાં આવ્યા, તેમાં ભારત મતદાનથી વેગળું રહ્યું હતું. ભારતે રશિયાના ઠરાવની તરફેણમાં મતદાન કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. યુરેશિયામાં હવે રશિયા – ભારત – ચીનની ધરી બની રહી છે. આ ત્રણેય દેશો દ્વારા ભેગા મળીને અનાજનો બફર સ્ટોક ઊભો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કટોકટી આવે તો તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય. આ યોજનાને તોડી પાડવા અમુક દેશો તૈયાર થયા છે. તેના પરિણામે તુર્કી દ્વારા ભારતના ઘઉં રિજેક્ટ કરવામાં આવ્યા છે. પડદા પાછળ મોટું યુદ્ધ ચાલી રહ્યું છે.

Most Popular

To Top