Business

હેનરી ફોર્ડ જોડેથી ઓનરશિપના પાઠ શીખવા જોઈએ

લમાં કેટલાક મિત્રો નવી રજૂ થયેલી ફિલ્મ જોવા મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ગયા. બૅઝમૅન્ટમાં પાર્કિંગ કરવા ગયા તો ત્રણ સિક્યુરિટી હોવા છતાં કોઈ દિશાસૂચન કરવાવાળું ન હતું. માંડ ગાડી પાર્ક કરી  ત્યારે ખબર પડી કે લિફ્ટ બંધ છે. વાતોમાં મસ્ત લિફ્ટમેને કહ્યું કે, “ખબર નથી, આગળ મૅનેજરને મળો.’’ દાદરા ચડતાં ઉપર આવ્યા, ત્યારે ડ્રેસમાં સજ્જ એક ભાઈને આગળનો રસ્તો પૂછ્યો તો તેમણે ખાલી ઇશારા વડે રસ્તો બતાવ્યો કારણ કે એ ભાઈના મોઢામાં તમાકુ હતો. આખરે ભારે જહેમત પછી સાચી જગ્યાએ પહોંચ્યા. આવી દશા માટે તેમનું મૅનેજમૅન્ટ અને કર્મચારીઓ બંને જવાબદાર છે. મૅનેજમૅન્ટ એટલે કે ક્યાંય કોઈ કંટ્રોલ જોવા ન મળ્યો, ક્યાંય કોઈ મૅનેજર રાઉન્ડ મારતા જોવા ન મળ્યા અને `કોના બાપની દિવાળી’ જેવો માહોલ જોવા મળ્યો. સિક્યુરિટીથી માંડીને બીજો સ્ટાફ ખાલી ટાઇમપાસ કરતો જોવા મળ્યો. જો તમે લાંબું વિચારશો તો આનું કારણ એક જ છે – પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની નહીં અર્થાત્ પૂરી નિષ્ઠા અને ઑનરશિપથી કામ ન કરવું.

આજનો કર્મચારી મોટેભાગે મશીનની જેમ કામ કરે છે. દિવસ ઊગે એટલે ઑફિસ અને આથમે એટલે ચાલતી પકડવી. 100માંથી માંડ 5% વ્યક્તિઓ પોતાનું છે એવા ભાવથી નોકરી કરતી હોય છે. માણસોમાં ઑનરશિપનો કેમ અભાવ હોય છે? આ પ્રશ્ન નાનામોટા માલિકોને હંમેશાં રહેતો હોય છે. મોટાભાગના ઍન્ટ્રોપ્રિન્યોરને એક જ ફરિયાદ હોય છે કર્મચારીઓ તેમને સોંપવામાં આવેલું કામ પૂરતી જવાબદારી સાથે મન લગાવીને કરતા નથી. સામે કર્મચારીઓને એટલું જ કહેવું છે કે બીજાની કે માલિકની ફરિયાદ છોડી દો. જ્યારે તમે પૂરો પગાર લેતા હો અને તમને કોઈ કાર્યની જવાબદારી સોંપવામાં આવે, ત્યારે તેને પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવો. તમારું કાર્ય જો તમે સારી રીતે નિભાવશો, તો જ તમે તમારા કામને વફાદાર અને બીજા કરતાં જુદા તરી આવશો. જો સામાન્ય કર્મચારીની કેટેગરીમાં ન આવવું હોય, તો તમે જે કંઈ કામ કરતા હો તેના પ્રત્યે ગર્વ અનુભવવો. પોતાના કાર્યને સન્માનની દૃષ્ટિથી જોવું અને બીજાને સન્માન આપવું.

હેનરી ફોર્ડ જે જગવિખ્યાત ફોર્ડ કંપનીના માલિક હતા, તેનું ઉદાહરણ આપું છું. છેલ્લે એમણે કંપનીના કર્મચારીઓને સંબોધતાં કહ્યું હતું કે, `જીવન એટલે અનુભવનો મહાસાગર! દરેક અનુભવ આપણને કંઈક નવું શીખવે છે. હું મારા કર્મચારીઓને કહીશ કે તમે જે કોઈ કાર્ય કરો તે મન દઈને કરો. દરેક કર્મચારીને સોંપવામાં આવેલું નાનામાં નાના કામનું પણ કંપનીમાં આગવું મહત્ત્વ છે. જો તમે ઑનરશિપ એટલે કે તમારું છે તેમ માનીને કાર્ય કરશો, તો રિયલ સૅન્સમાં તમે કંપનીના ભાગીદાર ગણાશો. દરેક કર્મચારીએ મન લગાવીને કામ કરવું જોઈએ અને મને નથી લાગતું કે જે કર્મચારી પોતાનું માનીને કામ કરે છે તેના કામની દેખરેખ કરવી પડે.’

હેનરી ફોર્ડના મત મુજબ કેટલાક કર્મચારીઓ પ્રૉબ્લેમને સોલ્વ કરવાને બદલે તેની આગળપાછળ ફર્યા કરે છે પરંતુ જે કર્મચારી તેનામાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગથી બહેતરીન પ્રદર્શન કરી શકે છે, તે જ કંપનીના વિકાસમાં ઉમદા યોગદાન આપી શકે છે.’ તેમણે કર્મચારીઓને સલાહ આપતાં કહ્યું હતું કે, `તમારા કામને નાના નાના વિભાગોમાં વહેંચી નાંખો. તેનાથી વિરાટ કાર્ય પણ સરળ બની રહે છે. ધ્યેય પરથી નજર હટી કે વિઘ્ન આવ્યું સમજો. આપણા ઉપર કોઈની નજર ન હોય અને ત્યારે શ્રેષ્ઠતાનો ખ્યાલ રાખવો તેનું નામ જ `ક્વૉલિટી’. સૌથી અઘરું અને સહેલું કામ સારા વિચારો કરવાનું છે. સારા વિચારો કરો અને પૂરી નિષ્ઠાથી કામ કરો, તમારી ગણના આપોઆપ સારા લીડરમાં થઈ જશે. કહેવાનું તાત્પર્ય છે કે જો તમે ઑનરશિપથી કામ કરશો તો સારા લીડર બની શકશો.’’

હેનરી ફોર્ડ જોડેથી નીચે મુજબનું શીખી શકાય
1. જે કોઈ કામ તમને સોંપવામાં આવ્યું હોય તેને પૂરા દિલથી કરો. જો તમે દિલથી કામ કરશો, તો તે કાર્યમાં શ્રેષ્ઠતા મળશે જ.
2. કોઈ કામ નાનુંમોટું હોતું નથી. તમારા કાર્યને ગર્વથી જોવું. દાખલા તરીકે જો તમને સિક્યુરિટીમાં પાર્કિંગનું પણ કામ સોંપવામાં આવે.
3. વિચારો કે તમારું કામ કેટલું મહત્ત્વનું છે. જો સારી રીતે કાર પાર્ક કરેલી હશે, તો કેટલા માણસો તાણ વગર પિક્ચરનો આનંદ માણી શકશે.
4. તમારા કામની ગુણવત્તા કસ્ટમર જોડે તમારો કેવો વ્યવહાર છે તેના ઉપર વધારે આધારિત છે. કસ્મટર જોડે ઉત્તમ વ્યવહાર તમને બધા કરતાં અલગ તારવી શકશે.
ubhavesh@hotmail.com

Most Popular

To Top