Columns

કંસને ભાન આવ્યું કે મારો ભાણેજ તો સ્વયં ભગવાન છે

જિલ્લના અખાડે માધવ કંસમામાને મળવા આવ્યા. વાસ્તવમાં તો તે કંસનો વધ કરવા આવ્યા હતા. બધા દેવતાઓએ માની જ લીધેલું કે હવે કંસનું મૃત્યુ થવાનું – એટલે તેઓ બધા આકાશે ભેગા થયા હતા. બધાને હવે શું થશે તેની ચિંતા થવા માંડી. શું દેવકીના નિ:શ્વાસે સમુદ્ર સુકાઇ જશે? આ અભિવ્યકિત ઉત્કૃષ્ટ કહેવાય. સાથે સાથે બધાને આ અસમાન યુધ્ધની ભારે ચિંતા થવા લાગી. પ્રેમાનંદ વર્ણન કરે છે –
કહાં મલ્લ ને કહાં મોરલીધર? કહાં બાવળ, કહાં ચંદન રે?
કહાં મૃગ ને કહાં પંચાયણ? કહાં મલ્લા, કહાં જશોદાનંદન રે?
નમ્રતાથી શ્રીકૃષ્ણ તો કંસને કહે છે અમે તો ગોવાળ છીએ – અમારી એવી કઇ શકિત કે મલ્લ સાથે લડીએ? આ સાંભળી મલ્લ તો કહે કે હવે નાસી જવાનો કશો અર્થ નથી. કંસે તો નિર્દયતાથી કહ્યું કે હવે આ બંને બાળકો જીવતા જવા ન જોઇએ. મલ્લ તો કૃષ્ણના એક પછી એક અપરાધ ગણાવે છે. પોતાના શ્રોતાઓને ચાનક ચઢાવવા પ્રેમાનંદ વર્ણન કરે છે.

કંસની નાર જાળીએ જુએ,
ગડગડે નિશાન, હોકારા ઘૂઘવે.
શ્રી મંડળ, શરણાઇ, રણતૂર,
પટ બાંધી આવ્યા બે શૂર.
બલરામ શલ્ય દુરાલ્ય સામે લડવા તૈયાર થયા.
આ યુદ્ધનું વર્ણન પ્રેમાનંદ કેવી રીતે કરે છે?
ધીર ધબડકે, ધ્રૂજે ધરા,
નાથે વક્ર દૈત્ય કીધા પાધરા,
ફરી ફરીને વાગે મર્મ,
દાનવ પીડા પામે મર્મ.
ઊઠે શબ્દ, હોકારા ઘણા,
ભૂ – ભારે મરડયે શેષ ફણા,
ઊડે રેણુ પદપ્રહારે કરી,
આદિત્ય કિરણ લીધા આવરી.

એક બાજુ બલરામ યુધ્ધ કરે છે અને બીજી બાજુ કૃષ્ણ અને ચાણૂરનું યુધ્ધ ચાલે છે. આમ પાંચ – પાંચ મલ્લના મૃત્યુ થયાં. આ જોઇને દુરાત્મા કંસ કોપે એમાં આશ્ચર્ય શું? પણ હવે કયો પેંતરો તે ઊભો કરે છે? તે પોતાની સેનાને ગોકુળને લૂંટી લાવવા કહે છે એટલે એ સેના તો કંસની આજ્ઞાને પાળવાની.
તૂટયા દૈત્ય કરે મારોમાર, ચળકે ફરસી, સાંગ, તરવાર,
ગદા, ભોગળ ભાર અતૂળ, પ્યયુવા, ખંજર મૂશળ, શૂળ.

અને જેવી રીતે હાથી ઉપર સિંહ આક્રમણ કરે તેવી રીતે ‘મામા, હું આ આવ્યો’ એમ કહી કૃષ્ણ ધસે છે અને કંસને જમીન પર પાડી તેના પર ચડી બેસે છે. હવે કંસને કોઇ બચાવી શકે એમ નથી. કંસના ભાઇઓને બલરામે લાપડો મારી ઠેકાણે કર્યા. હવે કંસને ભાન આવ્યું કે મારો ભાણેજ તો સ્વયં ભગવાન છે. એ રીતે બીજા દાનવોની જેમ કંસ પણ વૈકુંઠે ગયો. બાકીના અસુર જેને જે દિશા મળી તેમાં ભાગ્યા. હવે પ્રેમાનંદ પોતાના શ્રોતાઓને ઉપદેશ પણ આપે છે – માબાપની સેવા કરવા.

‘જેણે માતા પિતા સેવ્યાં નહીં રે,
તે કરે નીચની વેઠ,
તિરસ્કાર કરે તાતને રે,
તે પામે પશુ અવતાર,
કીટ પડે તેના દેહને રે,
કરે વાયસ ચંચુ પ્રહાર
વૃધ્ધ માતપિતાને પરહરે રે,
સ્ત્રીને વશ વર્તે અજ્ઞાન,
લોભી ધન મેળવી મરે રે,
તે અવતરે થઇ શ્વાન

સાથે સાથે કૃષ્ણનો વિલાપ પણ છે – માતાપિતાને તો કંસે સાંકળે બાંધી દીધા હતા, જયારે તે પોતે ગોકુળમાં નિરાંતે હરતાંફરતાં હતાં. કૃષ્ણ પોતે તો ત્યાગી એટલે રાજસિંહાસન ઉગ્રસેનને ધરી દીધું. નંદ તો કંસની હત્યાથી ગભરાઇ ગયા. હવે અહીં રહી ન શકાય.
કૃષ્ણ જશોદા વિના જીવવા માગતા નથી-
પાસામાં લઘુશંકા કીધી બાળક વય જયારે હૂતી, જુને કોરા પાસામાં લીધો, મા ભીનામાં સૂતી.અર્વાચીન કવિ દલપતરામે આમાંથી કેટલીક સામગ્રી લીધી છે અને પછી તો કૃષ્ણ – વસુદેવ – દેવકી વચ્ચે સંવાદો થવા માંડે છે.

Most Popular

To Top