વલસાડ : વલસાડના જૂજવા ગ્રીનવુડ ખાતે શુક્રવારે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં વિવિધ સમાજના 161 યુગલએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. જેમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે દરેક સમાજે સમૂહલગ્ન માટે વિચારવું જોઈએ. લગ્નમાં 2 બ્લાઈન્ડ દંપતી, 4 વિકલાંગ દંપતી પણ લગ્નગ્રંથિથી જોડાયા હતા.
વલસાડ તાલુકા પટેલ સમાજ અને ચંદ્રમૌલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લગ્નપ્રસંગ જેવા સામાજિક પ્રસંગોમાં થતા રૂઢિગત ખર્ચને પહોંચી વળવાની મૂંઝવણ અનુભવતા પ્રજાજનોએ સમૂહલગ્ન જેવા નવતર કાર્યમાં જોડાઈને દેખાદેખીથી દૂર રહી સમાજ સુધારણાના કાર્યોમાં આગળ આવવું જોઈએ.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમૂહ લગ્નએ સમયની માંગ છે, હવે આર્થિક સંપન્ન લોકો પણ સમૂહલગ્ન તરફ વળી રહ્યા છે. સમૂહલગ્નથી દરેક જ્ઞાતિ-જાતિ એક થઈ આગળ વધી રહી છે. વલસાડના પ્રભારી મંત્રી નરેશ પટેલે દીકરા-દીકરીનો ભેદ ભુલી સભ્ય-સંસ્કારી સમાજ નિર્માણમાં યોગદાન આપવા હાંકલ કરી હતી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ખરા અર્થમાં રાજધર્મ બજાવી રહ્યા છે, તેમ જણાવી રાજ્યના વિકાસની યોજનાઓમાં બજેટની સૂઝબૂઝપૂર્વકની ફાળવણી કરીને મુખ્યમંત્રીએ પ્રજાજનોની આશા અને અપેક્ષાઓની પૂર્તિ કરી છે, એમ જણાવ્યું હતું. વલસાડના ધારાસભ્ય અને સમૂહલગ્નના આયોજક ભરત પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લગ્નમાં કથાકારો, સંતો, મહંતો, ધારાસભ્ય, સાંસદ, સંગઠન પ્રમુખ, દાતાઓ દીપેશ ભાનુશાલી, હિતેશ ભાનુશાલી સહિત આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.