વિશ્વમાં જાત જાતની માન્યતાઓ અને અભિપ્રયો ધરાવતા લોકો વસે છે. કોઇ વિશેષ માન્યતા કે અભિપ્રાય ધરાવતા લોકોના સમૂહમાંથી આખા જૂથો પણ સર્જાય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં એક નોંધપાત્ર જૂથ અસ્તિત્વમાં આવ્યું છે જેમને કોન્સપાયરસી થિયરિસ્ટોનું જૂથ કહેવામાં આવે છે. આ કોન્સ્પાયરસી થિયરિસ્ટો ખાસ કરીને પશ્ચિમી દેશોમાં વધુ પ્રમાણમાં છે અને તેઓ માને છે કે દુનિયામાં અતિ ધનિકો અને મૂડીવાદી શાસકો દ્વારા એકબીજાના મેળાપીપણામાં એક ચોક્કસ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું છે જેના હેઠળ તેઓ આખી દુનિયાને ફક્ત મુઠ્ઠીભર લોકોના કાબૂ હેઠળ લાવવા માગે છે. આ કાવતરાના ભાગરૂપે બીજા નાના મોટા અનેક કાવતરાઓ ઘડવામાં આવી રહ્યા છે એમ આ કોન્સ્પાયરસી થિયરિસ્ટો અથવા કાવતરાની થિયરીમાં માનતા લોકો માને છે. કદાચ તેમને સર્વત્ર કાવતરા જ દેખાઇ રહ્યા છે.
કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ફેલાયો તેને પણ આ કોન્સ્પાયરસી થિયરિસ્ટો એક કાવતરું ગણાવે છે. કાવતરાની થિયરીમાં માનતા આવા કેટલાક લોકો કહે છે કે ઇરાદાપૂર્વક આ રોગચાળો ફેલાવવામાં આવ્યો છે તો કેટલાક કહે છે કે ખરેખર કોરોનાવાયરસનો રોગચાળો છે જ નહીં, આ તો કાવતરાના ભાગરૂપે ફક્ત ડર ઉભો કરવામાં આવ્યો છે જેથી આ રોગચાળા માટેની રસીઓ વિકસાવીને તે વેચી શકાય અને ધનવાનો તેમાંથી અઢળક કમાણી કરી શકે. બિલ ગેટ્સે કહ્યું કે હજી ખરાબ વાયરસ આવી શકે છે તેનાથી તો આ થિયરિસ્ટોની શંકાને વધુ બળ મળી ગયું! આમ પણ બિલ ગેટ્સ સહિતના વિશ્વના ટોચના ધનવાનો આ કોન્સ્પાયરસી થિયરિસ્ટોના ટાર્ગેટ પર છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં, અનર્ગળ મિલકતો ધરાવતા જે મુઠ્ઠીભર ધનવાનો છેલ્લા કેટલાક વર્ષોમાં સર્જાયા છે તેનાથી કાવતરાની થિયરીમાં માનતા થિયરીબાજો પણ સર્જાયા છે.
હવે હાલમાં જે મંકીપોક્સનો રોગચાળો ફાટી નિકળ્યો તે માટે આ કોન્સ્પાયરસી થિયરિસ્ટો કોવિડ-૧૯ને રોકવા માટેની રસીઓને જવાબદાર ગણાવી રહ્યા છે. કોન્સ્પાયરસી થિયરિસ્ટોનો દાવો હતો કે રસીકરણ પણ કાવતરાનો ભાગ છે અને તેઓ અવેો પણ દાવો કરી રહ્યા હતા કે અસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીમાં ચિમ્પાન્ઝીના શરીરમાંના વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હવે મંકીપોક્સનો રોગચાળો શરૂ થતા તેમને જાણે દોડવા માટે ઢાળ મળી ગયો છે. કાવતરાની થિયરીના ટેકેદારો દાવો કરતા હતા કે અસ્ટ્રાઝેનેકાની રસીમાં ચિમ્પાન્ઝી વાંદરાઓના એડિનોવાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે મંકીપોક્સનો રોગચાળો ફાટતા તેઓ પોતાના આ દાવાના ટેકામાં કહે છે કે જે દેશોની વસ્તીને અસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવી હતી ત્યાં જ મંકીપોક્સના કેસો વધુ દેખાયા છે. ઇન્ફોવોર્સ નામની ચેનલ ચલાવતા એલેક્ષ જોન્સ કહે છે કે જે દેશોમાં અસ્ટ્રાઝેનેકા અને જહોનસનની રસી મૂકવામાં આવી હતી ત્યાં જ મંકીપોક્સના કેસો વધુ છે. કોન્સ્પાયરસી થિયરિસ્ટો એમ પણ કહે છે કે કોવિડની રસીઓ વાંદરાઓના કોષોમાં વિકસાવવામાં આવી હતી અને તેથી મંકીપોક્સનો રોગચાળો ફાટી નિકળ્યો છે.
કેટલાક કોન્સપાયરસી થિયરિસ્ટોએ તો પ્લેકાર્ડ્સ સાથે દેખાવો પણ કર્યા હતા. આ મંકીપોક્સનો રોગચાળો જો વધુ વકરશે તો આ કોન્સ્પાયરસી થિયરિસ્ટો વધુ જોરમાં આવી જશે એમ લાગે છે. આમ પણ મંકીપોક્સનો રોગચાળો એક નવું રહસ્ય તો સર્જી જ રહ્યો છે. મંકીપોક્સનો રોગ ફક્ત કેટલાક આફ્રિકી દેશોમાં જ દેખાતો હતો તે હવે યુરોપિયન દેશો અને અમેરિકામાં મોટા પ્રમાણમાં દેખાયો છે અને ઝડપથી ફેલાયો છે તે બાબત એક રહસ્ય જેવી બની રહી છે ત્યારે કોન્સપાયરસી થિયરિસ્ટો તેમનો મુદ્દો જોરશોરથી રજૂ કરવા માંડે તે સ્વાભાવિક છે.
આ કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળામાં કેટલીક બાબતો જ એવી રહી છે કે જેથી કોઇને કાવતરાઓની થિયરીમાં માનવાનું સ્વાભાવિકપણે મન થાય. જે રોગની કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી તેની સારવાર માટે આપણા દેશમાં હોસ્પિટલો લાખો રૂપિયા લોકો પાસે પડાવે છે અને અઢળક નાણા ખર્ચ્યા પછી પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે તે બાબત ભારતમાં ઘણા લોકોને જાત જાતની શંકાઓ કરવા પ્રેરી જ રહી છે. ભારતમાં કોન્સપાયરસી થિયરિસ્ટોના કોઇ સંગઠિત જૂથો તો નથી પરંતુ સમાજના એક મોટા વર્ગમાં એવી શંકા એક થિયરી જેવી દઢ થઇ ગઇ છે કે આ રોગચાળો એ લોકો પાસેથી નાણા પડાવવાનું ડોકટરો અને હોસ્પિટલોનું એક કાવતરું છે.
જુદા જુદા દેશોમાં સંજોગો જુદા જુદા છે અને જે તે દેશના સંજોગો અનુસાર આ રોગચાળાના સંદર્ભમાં ખયાલો કે થિયરીઓ પવર્તે છે. શંકા કુશંકાઓનું વાતાવરણ દૂર કરવા માટે સરકારોએ યોગ્ય, પારદર્શક ખુલાસાઓ બહાર પાડવા જોઇએ પણ તે થતું નથી. કોઇ સુનિયોજીત કાવતરું ભલે નહીં હોય પરંતુ કેટલાક કિસ્સાઓમાં ડોકટરોએ કે હોસ્પિટલોએ દર્દીઓ અને તેમના કુટુંબીજનોને ગેરમાર્ગે દોરીને નાણા તો પડાવ્યા જ છે એવું સ્પષ્ટ જણાય છે. આવા માહોલમાં કાવતરાઓની થિયરીઓને વેગ મળે તે સ્વાભાવિક છે.