વલસાડ : વલસાડના (Valsad) કપરાડા તાલુકાના મોટી વહિયાળ ગામની મહિલા સરપંચને (Women Sarpanch) તેના પતિના (Husband) અન્ય સ્ત્રી સાથેના સંબંધ અંગે જાણ થઇ ગઇ હતી. જેના પગલે તેણે પતિની પ્રેમિકાને ઠપકો આપતા તેના પતિએ પોતાની સરપંચ પત્નીને (Wife) લાકડાના ફટકા વડે માર માર્યો હતો. જેના પગલે મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મોટી વહિયાળ ગામના પાડા ફળિયામાં રહેતા અને સરપંચ તરીકે ચૂંટાયેલા સુશિલાબેન સુભાષભાઇ ભાવર ગત 21 મીના રોજ પોતાના ઘરે હતા. ત્યારે ગામની એક મહિલા તેના ઘરે આવી હતી. તેમના ઘરે આવેલી મહિલાએ પતિ સુભાષની પ્રેમિકા હોવાનું તેમને જણાતા તેમણે તેને ઠપકો આપ્યો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા સુભાષે સાંજે ઘરે આવી પત્ની સુશિલાને લાકડાના ફટકા વડે પીઠ પર માર માર્યો હતો. જેની બૂમરાણ સાંભળી આજુબાજુ રહેતા તેમના કુટુંબીજનો આવ્યા અને સરપંચ સુશિલાબેનને તેમના પતિના વધુ મારથી બચાવ્યા હતા. આ ઘટના સંદર્ભે સુશિલાબેને નાનાપોંઢા પોલીસ મથકે પોતાના પતિ સુભાષ ભાવર વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીલીમોરાના ગોંયડી ભાઠલામાં પત્ની સાથે આડા સંબંધ રાખનાર પ્રેમી ઉપર પતિએ હુમલો કરતા મોત
બીલીમોરા : બીલીમોરા નજીકના ગોંયડી ભાઠલા ગામે એક સપ્તાહ અગાઉ પત્ની સાથેના આડા સંબંધના પ્રકરણમાં પતિએ પ્રેમીને કુહાડીના ઘા કરી અધમુવો કરી નાખતા પ્રેમીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે હત્યાની કલમ 302 નો ઉમેરો કર્યો છે.
છેલ્લા દસ વર્ષથી ગોંયડી ભાટલા ગામે રહેતા અશોક શંકરભાઈ પટેલની પત્ની પ્રતીક્ષાનું ગામમાં રહેતા સતીશ ધીરુભાઈ પટેલ સાથે અફેર ચાલતું હતું. જેની જાણ બંનેના પરિવાર સહિત ગામ લોકોને પણ હતી. આ કારણે અશોક પટેલે ગઈ તારીખ 15/5/2022 એ પત્નીના પ્રેમી સતીશ ધીરુભાઈ પટેલને રસ્તા વચ્ચે આંતરી કુહાડીનો જીવલેણ ઘા કરી ભાગી છુટ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા સતીશ પટેલની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. અને તેની હાલત કટોકટ પણ હતી. જેને કારણે રવિવારની મોડી સાંજે સુરત સિવિલ હોસ્પિટલમાં સતીશ ધીરુભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. મરનારના મોટા ભાઈ નિલેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બીલીમોરા પોલીસે આરોપી અશોક શંકરભાઈ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે હવે સતીશ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અશોક શંકરભાઈ પટેલ વિરૂદ્ધ હત્યાની કલમ 302નો ઉમેરો કરી વધુ તપાસ પોસઈ ડીઆર પઢેરીયા કરી રહ્યા છે.